મુંબઇ. RBI Monetary Policy: ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનિટરી (Monetary Policy) પોલીસ ગુરુવારે સવારે 10 વાગ્યે આવશે. આરબીઆઈની મોનિટરી પૉલિસી કમિટી (MPC)ની બેઠક આઠમી ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગ્યે શરૂ થઈ હતી. ત્રણ દિવસ બાદ ગુરુવારે પરિણામ જાહેર કરવામાં આવશે. આરબીઆઈ ગવર્નર (RBI Governor Shaktikanta Das) ગુરુવારે બેઠકમાં લેવાયેલા નિર્ણયનો જાહેરાત કરશે. દર બે મહિને યોજાતી મોનિટરી પૉલિસીની બેઠક વિશે તમારા દિમાગમાં અનેક સવાલ હશે. અહીં તમારા દરેક સવાલનો જવાબ આપવામાં આવ્યો છે.
આ વખતે મોનિટરી પૉલિસીમાં શું હોઈ શકે?
આરબીઆઈની મોનિટરી પૉલિસી કમિટી આ વખતે પોતાના વલણમાં ફેરફારની જાહેરાત કરી શકે છે. તેઓ મૌદ્રિક નીતિઓને લઈને પોતાના 'ઉદાર વલણ' (Accommodative stance)ને 'તટસ્થ' (Neutral stance) બનાવવાની જાહેરાત કરી શકે છે. અમુક નિષ્ણાતોનું કહેવું છે કે રિવર્સ રેપો રેટના દરમાં ફેરફાર થઈ શકે છે.
શું છે રિવર્સ રેપો રેટ? (What is reverse repo rate)
રિવર્સ રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ પાસે બેંકોની જમા રકમ પર વ્યાજ મળે છે. આ વ્યાજ આરબીઆઈ આપે છે. હકીકતમાં વધારે ફંડના કેસમાં બેંકો પોતાની પાસે રહેલી વધારાની રકમ આરબીઆઈમાં જમા કરાવે છે. આ જમા રકમ પર આરબીઆઈ વ્યાજ આપે છે. હાલ રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.
રિવર્સ રેપો રેટ વધે તો શું થાય?
રિવર્સ રેપો રેટ વધતા વધારે અસર નહીં પડે. પરંતુ આ એ વાતનો સંકેત હશે કે આરબીઆઈ હવે પોતાની મૌદ્રિક નીતિને સામાન્ય બનાવી રહી છે. બેંક ઑફ બરોડાના ચીફ ઇકોનોમિસ્ટ મદન સબનવીસે કહ્યુ કે, "રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિનો મતલબ એવો થાય છે કે તે પૉલિસીને સામાન્ય બનાવવાની દિશામાં પ્રથમ ડગલું છે. તેનાથી બજાર એવું માનશે કે રેટમાં વધારાની શરૂઆત થઈ ગઈ છે. જેનાથી યીલ્ડમાં ઉછાળો થઈ શકે છે."
બજાર માટે રિવર્સ રેપો રેટ વધવાનો મતલબ શું?
વિશ્લેષકોનું કહેવું છે કે આ પગલાનો અર્થ ખૂબ સાંકેતિક છે. હકીકકતમાં આરબીઆઈ પહેલાથી જ વેરિએબલ રેટ રિવર્સ રેપો મારફતે સિસ્ટમમાં વધારાની લિક્વિડિટીમાં ઘટાડો લાવી રહી છે. જેનાથી ઇફેક્ટિવ રેટ રેપો રેટ નજીક આવી ગયો છે. ફાઇનાન્સિયલ માર્કેટ્સ રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિને પહેલા જ પચાવી ચૂક્યો છે.
અકોમોડેટિવ અને ન્યૂટ્રલ સ્ટેન્સનો મતલબ શું?
અકોમોડેટિવ સ્ટેન્સ (Accommodative stance)નો મતલબ એવો થાય કે નજીકના ભવિષ્યમાં આરબીઆઈ પૉલિસી રેટમાં ઘટાડો કરવા જઈ રહી છે. બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે આવું કરવામાં આવે છે. સામાન્ય રીતે MPCનું સ્ટેન્સ અકોમોડેટિવ હોય છે ત્યારે પૉલિસી રેટમાં વધારાની કોઈ આશા નથી હોતી.
ન્યૂટ્રલ સ્ટેન્સનો મતલબ થાય છે કે એમપીસી સ્થિતિ પ્રમાણે પૉલિસી રેટમાં ઘટાડો અથવા વધારો કરી શકે છે. છેલ્લા બે વર્ષથી આરબીઆઈની એમપીસીએ અકોમોડેટિવ સ્ટેન્સ રાખ્યું છે. જેનો ઉદેશ્ય કોરોનાથી બેહાલ અર્થતંત્રને મદદ કરવાનો હતો.
ન્યૂટ્રલ સ્ટેન્સ કરવાનો મતલબ શું?
તેનો સમાન્ય મતલબ એવો થાય છે કે પૉલિસી રેટમાં વધારે કે ઘટાડો કરવામાં આવી શકે છે. ક્રિસિલના ચીફ ઇકોનોમિસ્ટ ડી કે જોશીએ કહ્યુ કે, "આ ખૂબ મહત્ત્વની જાહેરાત છે. તે હાલ અથવા એપ્રિલમાં થઈ શકે છે."
આરબીઆઈની એમપીસી અનેક વખત કહી ચૂકી છે કે તે ધીમે ધીમે ગ્રોથને વધારો આપવા માંગે છે. આથી તે અચાનક પોતાની પૉલિસીમાં મોટો ફેરફાર નહીં કરે. આથી તે રેપો રેટ વધારતા પહેલા પોતાની પૉલિસીને અકોમોડેટિવમાંથી ન્યૂટ્રલ કરવાની જાહેરાત કરી શકે છે. આથી આ વખતે રેપો રેટમાં વધારાની આશા નથી.
રેપો રેટ એટલે શું?
રેપો રેટ એ રેટ છે જેના પર બેંક આરબીઆઈ પાસેથી ઉધાર લીધેલી રકમ પર વ્યાજ ચૂકવે છે. બેંક પોતાની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે આરબીઆઈ પાસેથી ઉધાર રકમ લે છે. જેના પર તે બેંકને વ્યાજ ચૂકવે છે.
રેપો રેટ કે રિવર્સ રેપો રેટ વધે કે ઘટે તો તેની શું અસર થાય?
1) રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.
2) રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને આરબીઆઈ તરફથી વધારે વ્યાજ મળે. આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા આરબીઆઈને ધીરે અને બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર