મુંબઈ: લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ (Latent View Analytics)ના શેરમાં ધમાકેદાર લિસ્ટિંગ બાદથી રેલી આવી છે. ગુરુવારે શરૂઆતના ટ્રેડિંગમાં શેરની કિંમતમાં 18 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ રીતે આ શેર લિસ્ટિંગ બાદ ત્રણ ટ્રેડિંગ સેશનમાં જ 40 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. Latent View Analyticsના શેરનું આ ગુરુવારે 169% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું હતું. શેરની ઇશ્યૂ કિંમત 197 રૂપિયા હતી.
એક રિસર્ચ એનાલિસ્ટે જણાવ્યું કે, "આઉટસોર્સિંગ એનાલિટિક્સ કંપનીઓને પોતાની આવક 50 મિલિયન ડૉલરને પાર લઈ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. MuSigma અને Fractal Analyticsના કેસમાં આપણે આવું પહેલા પણ જોઈ ચૂક્યા છીએ. લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સની આવક છેલ્લા ત્રણ વર્ષથી લગભગ સ્થિર છે. આથી મારો અભિપ્રાય છે કે રોકાણ માટે કોઈએ ગ્રોથમાં વધારો થવાની રાહ જોવી જોઈએ."
'નફો વધતો જોઈને રોકાણ કરો'
એનાલિસ્ટનું એવું માનવું છે કે Latent Viewનું વેલ્યૂએશન લિસ્ટિંગ બાદ થોડું વધારે મોંઘું થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે જેમણે લિસ્ટિંગ ગેન માટે રોકાણ કર્યું હતું તેમણે આ શેરમાંથી નીકળી જવું જોઈએ. બાદમાં વધારે ગ્રોથ કે નફો વધતો જોઈને રોકાણ કરવું જોઈએ.
'50% હિસ્સો વેચવાની સલાહ'
બીજા એક એનાલિસ્ટે જણાવ્યું કે, "અમે રોકાણકારોને વર્તમાન સ્તરે 50 ટકા હિસ્સો વેચવાની સલાહ આપી રહ્યા છીએ. જ્યારે બાકી હિસ્સા માટે શેરની કિંમત 650 રૂપિયા સુધી પહોંચવાની આશા રાખીએ છીએ. કંપનીનું રેવન્યૂ મૉડલ સ્થિર છે, આથી લાંબા સમયમાં રોકાણકારોને ફાયદો મળી શકે છે."
'ત્રણ વર્ષમાં શેર બે-ગણો થશે'
GCL સિક્યોરિટીઝ લિમિટેડના વાઇસ ચેરમેન રવિ સિંઘલે કહ્યુ કે, "આ કંપનીમાં વિકાસની મોટી શક્યતા છે. આથી આ શેરને લાંબા સમય સુધી રાખવો જરૂરી છે. મારું માનવું છે કે આ શેર આગામી ત્રણ વર્ષમાં બેગણો થઈ જશે."
ડેટા એનાલિટિક્સ સેવા આપતી લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના શેરનું આઈપીઓમાં 23 નવેમ્બરના રોજ 169% પ્રીમિયમ સાથે શાનદાર લિસ્ટિંગ (Latent View Analytics share listing) થયું હતું. BSE પર Latent View Analyticsનો શેર 530 રૂપિયા પર ખુલ્યો હતો જ્યારે NSE ફર 512.20 રૂપિયા પર લિસ્ટ થયો હતો. લેટેન્ટ ન્યૂ એનાલિટિક્સનો આઈપીઓ (Latent View Analytics IPO) 10 નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને 12 નવેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band) 190-197 રૂપિયા નક્કી કરી હતી. મોટાભાગના બ્રોકરેજ હાઉસિસે આ આઈપીઓને ભરવાની સલાહ આપી હતી.
લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીના 1.75 કરોડ ઇક્વિટી શેર માટે 572.18 કરોડ ઇક્વિટી શેરની બોલી લાગી છે. આ સાથે જ તે દેશનો સૌથી વધુ ભરાયેલો આઈપીઓ બની ગયો છે. આ પહેલા પારસ ડિફેન્સ આઈપીઓ (Paras defence IPO) ભારતનો સૌથી વધારે ભરાયેલો આઈપીઓ હતો. પારસ ડિફેન્સનો 170.78 કરોડ રૂપિયાનો આઈપીઓ 304.26 ગણો ભરાયો હતો.
રિટેલ હિસ્સો 119.44 ગણો ભરાયો
લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના આઈપીઓમાં રિટેલ રોકાણકારોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે. રિટેલ માટે રિઝર્વ રાખવામાં આવેલો હિસ્સો 119.44 ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 3.87 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIB) માટે અનામત રહિસ્સો 145.8 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો સૌથી વધારે 850.66 ગણો ભરાયો હતો. Latent View Analyticsનો આઈપીઓ કુલ 326.49 ગણો ભરાયો હતો.
કંપનીની મોટાભાગની કમાણી અમેરિકાથી થાય છે. કંપનીની આવકમાં અમેરિકાનો હિસ્સો 92.88% છે. કંપનીની આવકમાં યુકેનો હિસ્સો 1.85 ટકા છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીનો કન્સોલિડેટ નફામાં 25.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે 91.46 કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન કંપનીની આવક 1.4 ટકા ઘટી હતી અને તે 305.88 કરોજ રૂપિયા રહી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર