મુંબઈ : ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (Enforcement Directorate-ED)એ યસ બેંકના (Yes Bank) સંસ્થાપક રાણા કપૂર (Rana Kapoor)ની શનિવાર મોડી રાત્રે ધરપકડ કરી છે. મુંબઈ સ્થિત ઈડી કાર્યાલયમાં શનિવારે રાણા કપૂરની લગભગ 20 કલાકની પૂછપરછ કરવામાં આવી. આ પહેલા યસ બેંક મામલામાં EDએ બેંકના પૂર્વ પ્રમોટર અને સંસ્થાપક રાણા કપૂરના ઘરે દરોડાં પણ પાડ્યા હતા. CNBCTV18ના સૂત્રોને મળેલી જાણકારી મુજબ, મુંબઈ સ્થિત ED ઓફિસમાં રાણા કપૂર સાથે સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.
RBIએ રાણા કપૂરને ઑગસ્ટ 2018માં પદ છોડવા માટે કહ્યું હતું
ઈડીએ બેંકના સંસ્થાપક અને આ સંકટ સામે આવ્યા પહેલા બોર્ડ એક્ઝિટ કરી ચૂકેલા બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂરની વિરુદ્ધ મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. રાણા કપૂરના ઘર સહિત અનેક ઠેકાણાઓ પર છેલ્લા 12 કલાકથી દરોડાં ચાલુ છે. નોંધનીય છે કે RBIએ રાણા કપૂરને ઑગસ્ટ 2018માં પદ છોડવા માટે કહ્યું હતું. ત્યારબાદ તેમને 31 જાન્યુઆરી 2019ના રોજ પોતાનું પદ છોડવું પડ્યું. શુક્રવારે તપાસ એજન્સીએ રાણાની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી દીધી હતી. ત્યારબાદ શનિવારે રાણા મુંબઈમાં ઈડી ઓફિસ પહોંચ્યા. રાણા કપૂર સાથે ઈડીની ટીમ શનિવાર મોડી રાત સુધી પૂછપરછ કરી રહી હતી.
બેંકના ગવર્નન્સ પર લાંબા સમયથી સવાલ ઊભા થઈ રહ્યા હતા
ગત થોડા દિવસોમાં યસ બેંકના સંચાલન અંગે સવાલ ઉઠતા રહ્યા છે. આ કારણે જ બેંકની માર્કેટ કેપિટલાઇઝેશન (Market Capitalization)માં સતત ઘટાડો જોવામાં આવ્યો છે.
કૉર્પોરેટ ક્ષેત્રમાં રાણા કપૂરનું નેટવર્ક ખૂબ જ મજબૂત હોવાનું માનવામાં આવે છે. બેંકને અનેક મહત્વપૂર્ણ ડીલ અપાવવા માટે કપૂરે અગત્યનો રોલ ભજવ્યો હતો. કપૂરે એવી કંપનીઓને નાણાકીય મદદ પૂરી પાડી હતી જેમને અન્ય લોકો રૂપિયા આપતા ડરતા હતા. પરંતુ ક્યારેક માસ્ટર સ્ટ્રોક ગણાતું આ પગલું હાલ બેંક માટે સૌથી મોટી આફત બની ગયું છે.