નવી દિલ્હી : બૅટરી બનાવતી દેશની 114 વર્ષ જૂની કંપની એવરેડી ઇન્ડસ્ટ્રીઝ (Eveready Industries) વેચાઈ ગઈ છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓ પૈકીના એક વોરેન બફે (Warren Buffett)ની કંપની બર્કશાયર હૈથવે (Berkshire Hathaway)ની સ્વામિત્વવાળી ડ્યૂરાસેલ ઇંક (Duracell Inc) એવરેડીને ખરીદી રહી છે. આ સોદામાં એવરેડીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક અને એવરેડી બ્રાન્ડ સામેલ છે.
1600-1700 કરોડ રૂપિયામાં થયો સોદો
ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, બફેની કંપની એવરેડીને સ્લંપ સેલમાં લગભગ 1600-1700 કરોડ રૂપિયામાં ખરીદી રહી છે. સ્લંપ સેલમાં સંપૂર્ણ કિંમતને બદલે એકથી વધુ ઉપક્રમોનો માલિકી હક ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સોદા મામલે બંને કંપનીઓમાં સહમતિ પણ થઈ ગઈ છે. મામલા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, સોદો અંતિમ ચરણમાં છે અને તેની ઔપચારિક જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. નોંધનીય છે કે, એવરેડી દર વર્ષે લગભગ 1.5 અબજ બૅટરી બનાવે છે. તેની સાથે જ 20 લાખથી વધુ ફ્લેશ લાઇટનું પણ કંપની નિર્માણ કરે છે.
એવરેડીને ખરીદવા માટે બે અમેરિકન કંપનીઓ બર્કશાયર હૈથવે અને એનર્જાઇજર હોલ્ડિંગ્સ (Energizer Holdings)ની વચ્ચે જોરદાર મુકાબલો હતો.
એવરેડી પર 700 કરોડ રૂપિયાનું દેવું
આ સોદાથી કંપનીને પોતાનું દેવું ચૂકવવામાં મદદ મળશે. એવરેડી કંપની પર લગભગ 700 કરોડ રૂપિયાનું દેવું છે. કંપનીએ યૂકો બેંક, HDFC બેંક, ICICI બેંક, RBL બેંક, ઇડસઇન્ડ બેંક સહિત અન્ય સ્ત્રોતોથી લોન લીધી છે. કંપનીના પ્રમુખ બ્રિજ મોહન ખેતાનનું આ વર્ષે જૂન મહિનામાં મોત થયું હતું. ખેતાનની હયાતીમાં જ એવરેડીએ વેપારને વેચવાની કવાયત શરૂ થઈ હતી.