નવી દિલ્હી: અદાણી ટોટલ ગેસ લિમિટેડે (Adani Total Gas Limited) ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 1નો વધારો કર્યો છે. નવી કિંમતો સોમવાર એટલે કે 9 જાન્યુઆરી, 2023થી અમલમાં આવી છે. ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઈન્ટરવ્યુમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું કે, હવે ગેસની કિંમત 79.34 રૂપિયાથી વધીને 80.34 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ ગુજરાત ગેસે પાઇપ દ્વારા ઘરો સુધી પહોંચતા CNG અને LPG (PNG)ની કિંમતમાં 3.5 રૂપિયાનો વધારો કર્યો હતો. 1 કિલો ગુજરાત ગેસ CNGની કિંમત હવે રૂપિયા 78.52 છે. આ ઉપરાંત, તેના PNGની કિંમત વધીને રૂપિયા 50.43 SCM (સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર) થઈ ગઈ છે.
આજે અદાણી ટોટલ ગેસના શેરમાં પણ તેજી જોવા મળી હતી. સોમવારે શેરની શરૂઆત સારી રીતે થઈ હતી, પરંતુ બપોર સુધીમાં તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બજારના છેલ્લા કેટલાક કલાકોમાં અદાણી ટોટલ ગેસના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને 2.07 ટકા અથવા રૂ. 73.60ના વધારા સાથે રૂ. 3629 પર બંધ થયો હતો. આજના કારોબારમાં આ સ્ટોક રૂ.3666ની સપાટીએ પહોંચ્યો હતો.
ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન
તાજેતરમાં અદાણી ટોટલ ગેસને આઠ શહેરોમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન (EV charging station) સ્થાપવાના ઓર્ડર મળ્યા હતા. આ શહેરોમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ, ચેન્નાઈ, કોલકાતા, પુણે અને સુરતનો સમાવેશ કરવામાં આવ્યા છે. આ શહેરોમાં EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની સાથે, કંપની ટેસ્ટિંગ, કમિશનિંગ, ઑપરેશન અને મેન્ટેનન્સ પણ હાથ ધરશે. કંપનીએ અમદાવાદમાં તેનું પ્રથમ EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપીને આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. કંપનીનું કહેવું છે કે, તેનો હેતુ દેશમાં 1500 EV ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક સ્થાપિત કરવાનો છે.
આ અદાણી ગ્રુપની કંપની છે. અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી છે, જે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. અદાણી ગેસની સ્થાપના 2005માં થઈ હતી અને 2021માં તેનું નામ બદલીને અદાણી ટોટલ ગેસ કરવામાં આવ્યું હતું. 2019 માં ઇન્ટરનેશનલ એનર્જી કંપની ટોટલએ અદાણી ગેસમાં 37 ટકા શેર ખરીદ્યા હતા. અદાણી ગેસ દેશના ઘણા રાજ્યોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) સપ્લાય કરે છે.