નવી દિલ્હી. EPF interest rates: કેન્દ્ર સરકાર (Central Government) આજે દેશના 6 કરોડ નોકરીયાત વર્ગ માટે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. PF પર મળનારા વ્યાજ દરોની આજે ઘોષણા કરવામાં આવશે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા કર્મચારીઓને આજે માહિતી મળશે કે વ્યાજ દરોમાં કેટલો ઘટાડો કે વધારો કરવામાં આવે છે.
EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક આજે એટલે કે 4 માર્ચ, 2021ના રોજ શ્રીનગરમાં મળશે. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ડ ફંડ પર મળનારા વ્યાજ દરોની ઘોષણા થઈ શકે છે. જોકે આ વર્ષે EPFOના સબ્સક્રાઇબર્સને આંચકો લાગી શકે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 માટે મળનારા પીએમ વ્યાજ દરોમાં સરકાર કાપ મૂકી શકે છે. નોંધનીય છે કે વર્ષ 2019-20 માટે વ્યાજ દરો 8.5 ટકા હતા. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે દેશની આર્થિક સ્થિતિમાં ઘટાડાને જોવા મળી છે તો આ વખતે સરકાર વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે.
2012-13 પછી નીચલા સ્તર પર
ઉલ્લેખનીય છે કે, 2019-20 માટે PF પર મળનારા વ્યાજ દર 2012-13 બાદ આ સૌથી નીચલું સ્તર છે. 2018-19માં EPFOએ સબ્સક્રાઇબર્સને 8.65 ટકાના વ્યાજ દરથી ચૂકવણી કરી હતી.
દર વર્ષે થાય છે વ્યાજ દરોની ઘોષણા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રત્યેક નાણાકીય વર્ષ માટે પીએફ રકમ પર વ્યાજ દરની ઘોષણા કરે છે. નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજ દરોની ઘોષણા કરતાં બોર્ડે કહ્યું હતું કે તે 31 માર્ચે સમાપ્ત નાણાકીય વર્ષમાં બે હપ્તામાં 8.5 ટકા વ્યાજની ચૂકવણી કરશે. પહેલા હપ્તામાં 8.15 ટકા ડેટ ઇન્વેસ્ટમેન્ટ (Debt Instrument)થી અને બીજા હપ્તામાં 0.35 ટકા વ્યાજની ચૂકવણી ઇક્વિટી (Equity)થી કરવામાં આવશે.