Home /News /business /શિયાળો તો નીકળી જશે, પરંતુ ઉનાળામાં નીકળશે જીવ, સીલિંગ પંખાની કિંમતમાં થશે જોરદાર વધારો
શિયાળો તો નીકળી જશે, પરંતુ ઉનાળામાં નીકળશે જીવ, સીલિંગ પંખાની કિંમતમાં થશે જોરદાર વધારો
ધરખમ વધારો થશે
Ceiling Fans Costly: સામાન્ય લોકોની જરૂરિયાતમાં સામેલ સીલિંગ ફેનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર રેટીંગ સાથે વેચવાવું ફરજિયાત થયા બાદ સીલિંગ ફેનની કિંમતમાં 8થી 20 ટકાનો વધારો થઈ શકે તેવું અનુમાન છે.
નવી દિલ્હી: એનર્જી સેવિંગ સ્ટાર રેટિંગવાળા પંખાનું વેચાણ 1 જાન્યુઆરી, 2023થી ફરજિયાત બની ગયું છે. નવા નિયમથી સીલિંગ ફેનની કિંમત 8-20% વધી શકે છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) ના સુધારેલા ધોરણો અનુસાર, હવે વીજળી બચાવવાની ક્ષમતાના આધારે ઇલેક્ટ્રિક પંખાને સ્ટાર રેટિંગ આપવામાં આવશે. એક સ્ટાર રેટિંગ ધરાવતો પંખો ઓછામાં ઓછી 30 ટકા વીજળી બચાવે છે જ્યારે ફાઈવ સ્ટાર રેટિંગ ધરાવતો પંખો 50 ટકાથી વધુ વીજળી બચાવી શકે છે.
પંખાની કિંમતમાં 5 થી 20 ટકાના વધારાની સંભાવના
આ ફેરફારને હેવેલ્સ, ઓરિએન્ટ ઈલેક્ટ્રીક અને ઉષા ઈન્ટરનેશનલ જેવા મોટા પંખા ઉત્પાદકો દ્વારા આવકારવામાં આવ્યો છે, ત્યારે પંખાની કિંમતમાં 5 થી 20 ટકાનો વધારો થવાની પણ ધારણા છે. વાસ્તવમાં, ફાઈવ-સ્ટાર પંખામાં આયાતી મોટર અને ઈલેક્ટ્રોનિક ઘટકોને સ્થાપિત કરવાથી તેમની કિંમતમાં વધારો થશે. નવી સિસ્ટમ હેઠળ પંખા બનાવતી કંપનીઓ માટે હવે તેમના પંખાને પાવર-સેવિંગ સ્ટાર રેટિંગ સાથે લેબલ કરવું જરૂરી બનશે.
ઓરિએન્ટ ઇલેક્ટ્રિકના MD અને CEO રાકેશ ખન્નાએ આ 'મોટા ફેરફાર' ને વર્ણવતા જણાવ્યું હતું કે, સ્ટાર રેટિંગ સિસ્ટમની રજૂઆત સાથે, હવે ગ્રાહકો વધુ વીજળીની બચત કરતા અદ્યતન પંખા મેળવી શકશે. પરંતુ આ માટે ગ્રાહકોએ હવે વધારે કિંમત ચૂકવવી પડશે કારણ કે વધુ સારા રેટિંગ મેળવવા માટે પંખામાં એડવાન્સ કોમ્પોનન્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે. તેમણે ભાવમાં 7 ટકા વધારાની આગાહી કરી છે.
ઉષા ઈન્ટરનેશનલના સીઈઓ દિનેશ છાબરાએ જણાવ્યું હતું કે, સ્ટાર રેટિંગવાળા પંખાના ઉપયોગથી ગ્રાહકોને વીજળીનું બિલ ઘટાડવામાં મદદ મળશે, પરંતુ આ પંખાની ખરીદી પર તેમને વધુ કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું, ‘ઉષા કંપનીના એક સ્ટાર રેટિંગવાળા પંખા 5-7 ટકા અને ફાઈવ સ્ટાર રેટિંગવાળા પંખા 20 ટકા મોંઘા થશે.’
હેવેલ્સ ઈન્ડિયાના પ્રમુખ સૌરભ ગોયલે જણાવ્યું હતું કે, નવા ધોરણના અમલીકરણને કારણે પંખાના ઉત્પાદન ખર્ચમાં આંશિક વધારાનો બોજ ગ્રાહકો પર પડશે.’ આ સાથે તેમણે કહ્યું કે, ‘આ પરિવર્તન લોકોને વીજળીની બચત અંગે જાગૃત કરવાની પણ તક છે.’