Home /News /business /GST Council : કેસિનો, ઓનલાઇન ગેમિંગ પર 28% ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ સ્થગિત, 1 ઓગસ્ટે ફરી મળશે બેઠક
GST Council : કેસિનો, ઓનલાઇન ગેમિંગ પર 28% ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ સ્થગિત, 1 ઓગસ્ટે ફરી મળશે બેઠક
ઓનલાઇન ગેમિંગ પર 28% ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ સ્થગિત
જીઓએમે તેના રિપોર્ટમાં ભલામણ કરી છે કે, ઓનલાઈન ગેમિંગના સમગ્ર મૂલ્ય પર ટેક્સ લગાવવો જોઈએ. જેમાં ખેલાડી જ્યારે રમતમાં ભાગ લે છે, ત્યારે તેણે ચૂકવેલી એન્ટ્રી ફીનો પણ સમાવેશ થાય છે.
જીએસટી કાઉન્સિલે (GST Council) કેસિનો, ઓનલાઇન ગેમિંગ, હોર્સ રેસિંગ અને લોટરી પર 28 ટકા ટેક્સ લગાવવાના પ્રસ્તાવને હાલ સ્થગિત (28 tax on casinos online gaming postponed) રાખી દીધો છે. ગતરોજ એટલે કે બુધવારે બેઠકના અંતિમ દિવસે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ આ અંગે જાણકારી આપી હતી. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની અધ્યક્ષતામાં મંત્રી પેનલ જીઓએમ દ્વારા આ ભલામણ કરવામાં આવી હતી. પેનલને દરખાસ્ત સાથે સંકળાયેલા કર વ્યવસ્થા માટેના જરૂરી નિયમોને અંતિમ સ્વરૂપ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલ સૈદ્ધાંતિક રીતે સમિતિની ભલામણો સાથે સંમત છે, પરંતુ કેટલાક નિયમોને આખરી ઓપ આપવાની બાકી છે, જેના માટે તેમને વધારાનો સમય આપવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, હાલ ઉપરોક્ત તમામ સટ્ટાકીય રમતો પર 18 ટકા જીએસટી લાગે છે.
શું હતી જીઓએમની ભલામણ?
જીઓએમે તેના રિપોર્ટમાં ભલામણ કરી છે કે, ઓનલાઈન ગેમિંગના સમગ્ર મૂલ્ય પર ટેક્સ લગાવવો જોઈએ. જેમાં ખેલાડી જ્યારે રમતમાં ભાગ લે છે, ત્યારે તેણે ચૂકવેલી એન્ટ્રી ફીનો પણ સમાવેશ થાય છે. સાથે જ ઘોડાની દોડના કિસ્સામાં પણ જીઓએમે સટ્ટેબાજી માટે જમા થયેલી સંપૂર્ણ રકમ પર જીએસટી લગાવવાનું સૂચન કર્યું છે. કસિનો અંગે જીઓએમે કહ્યું છે કે, ખેલાડી દ્વારા કસિનોમાંથી ખરીદવામાં આવેલી ચિપ્સ/સિક્કાની સંપૂર્ણ ફેસ વેલ્યુ પર ટેક્સ લાગશે. આ સાથે જીઓએમએ કસીનોમાં એન્ટ્રી ફી પર 28 ટકા જીએસટી લગાવવાની ભલામણ પણ કરી છે.
આ બેઠકમાં ઘણા બિનભાજપ શાસિત રાજ્યો દ્વારા જીએસટી પર વળતર વધારવાને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. મહત્વનું છે કે જીએસટી વળતરનો સમયગાળો જૂન 2022 સુધીનો જ હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 1 ઓગસ્ટના રોજ અથવા ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં થશે. ત્યાં મર્યાદિત એજન્ડા હશે અને તે અંગે ચર્ચા કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા બાદ નાણામંત્રી સીતારમણે કહ્યું કે, "તમિલનાડુના નાણામંત્રીના આમંત્રણ પર આગામી જીએસટી કાઉન્સિલની બેઠક મદુરૈમમાં થશે." ઉલ્લેખનીય છે કે આ વખતની જીએસટી કાઉન્સિલની બેઠક ચંદીગઢમાં યોજાઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર