Subsidy Bill: બજેટ (Budget 2022) રજૂ થવાને હવે થોડો જ સમય બાકી છે, ત્યારે આગામી બજેટને (Budget)લઈને લોકો ઘણા જ ઉત્સુક છે અને જાત જાતની ધારણાઓ પણ કરી રહ્યા છે. સરકાર સામાન્ય બજેટ 2022-23માં તેની કુલ સબસિડીમાં (Subsidy)ઘટાડો કરે તેવી શક્યતા છે. આ નિર્ણયની મુખ્યત્વે અસર ખાતર અને ખાદ્ય સબસિડી પર થઈ શકે છે. બજેટમાં તેની ખાદ્ય અને ખાતર સબસિડી માટે અનુક્રમે રૂ. 2.60 લાખ કરોડ અને રૂ. 90,000 કરોડ ફાળવવાની અપેક્ષા છે. આ રકમ નાણાકીય વર્ષ 2022ના સંશોધિત અંદાજ કરતાં ઓછી છે.
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં કુલ સબસિડી બિલ 5.35-5.45 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવાની ધારણા છે. અધિકારીઓએ કહ્યું છે કે સરકાર આગામી નાણાકીય વર્ષમાં તેમાં ઘટાડો કરવા માંગે છે.
ફિસ્કલ ડેફિસિટ લક્ષ્યાંક 6.5% હોઈ શકે છે
એક અધિકારીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23 માટે ફિસ્કલ ડેફિસિટ (Fiscal Deficit) લક્ષ્યાંક કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 6.5 ટકા રાખવામાં આવે તેવી અપેક્ષા છે. જે છેલ્લા બજેટમાં જાહેર કરાયેલા જીડીપીના 6.8 ટકા કરતા ઓછો છે. અધિકારીએ કહ્યું કે ખાદ્ય અને ખાતર પરની સબસિડી નાણાકીય વર્ષના નવા લક્ષ્યાંક મુજબ રહેશે.
ચાલુ નાણાકીય વર્ષ માટે ખાદ્ય સબસિડી બિલ (Food subsidy bill) ના સુધારેલા અંદાજમાં આશરે રૂ. 3.90 લાખ કરોડ રહેવાની ધારણા છે. આ રૂ. 2.43 લાખ કરોડના બજેટ અંદાજ કરતાં વધુ છે, જોકે, તે નાણાકીય વર્ષ 2021 ના રૂ. 4.22 લાખ કરોડ કરતાં ઓછું છે. નાણાકીય વર્ષ 2022 માં ખાદ્ય સબસિડી બજેટ ફાળવણી કરતાં વધુ હશે. તેનું કારણ કોવિડ-19ને કારણે માર્ચ 2022 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત અનાજનું વિતરણ છે. નાણાકીય વર્ષ 2022માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો અંદાજિત ખર્ચ 1.47 લાખ કરોડ થશે. સરકારે બજેટમાં નાણાકીય વર્ષ 2022 માટે ખાતર સબસિડી માટે રૂ. 79,530 કરોડની જોગવાઈ કરી હતી.
ખાતર સબસિડી ઓછી રહેવાની શક્યતા
ખાતરના ભાવમાં વધારાને કારણે સરકારે બમણું વધારાનું ભંડોળ પૂરું પાડવાનું રહેશે. જેનાથી સબસિડી બિલ લગભગ બમણું થઈને રૂ. 1.41 લાખ કરોડ થઈ શકે છે. નાણા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, FY2023 માટે ખાતર સબસિડીની ફાળવણી સુધારેલા અંદાજ કરતાં ઓછી હશે.
બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) ના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે, સબસિડી મુખ્યત્વે સરકારના રેવન્યૂ પ્રોજેક્શન પર નિર્ભર રહેશે, પરંતુ ખાદ્ય અને ખાતરની સબસિડીમાં વધુ ઘટાડો થવાની શક્યતા નથી. કારણ કે સરકારના રાજકીય વચનો સરકારી તિજોરી પર ભારે પડશે.
ક્રેડિટ રેટિંગ એજન્સીના ચીફ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના કુલ રૂ. 1.47 લાખ કરોડના ખર્ચમાંથી રૂ. 90,000 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. આનો અર્થ એ છે કે ફૂડ સબસિડીમાં વધારાના રૂ. 60,000 કરોડની ફાળવણી કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર