લોન મોરેટોરિયમ પર મોટા સમાચાર: હવે વ્યાજ પર વ્યાજ નહીં ચૂકવવું પડે, સરકારે સુપ્રીમમાં સોગંદનામું દાખલ કર્યું

લોન મોરેટોરિયમ પર મોટા સમાચાર: હવે વ્યાજ પર વ્યાજ નહીં ચૂકવવું પડે, સરકારે સુપ્રીમમાં સોગંદનામું દાખલ કર્યું
પ્રતિકાત્મક તસવીર

Loan Moratorium Latest News: લોન મોરેટોરિયમ પર હવે બેંકો વ્યાજ પર વ્યાજની વસૂલાત નહીં કરે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને આ માહિતી આપી.

 • Share this:
  નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોન (Government of India) લેનાર લોકોને મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)માં સોગંદનામું દાખલ કરીને કહ્યુ છે કે MSME લોન, હાઉસિંગ, કંઝ્યૂમર, ઑટો, ક્રેડિટ કાર્ડ બાકીની રકમ પર લાગતા ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. સરકારના જણાવ્યા પ્રમાણે છ મહિનાના લોન મોરેટોરિયમ (Loan Moratorium) સમયમાં બે કરોડ રૂપિયા સુધીની લોનના વ્યાજ પરના વ્યાજમાં છૂટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે કોરોના વાયરસ મહામારીની સ્થિતિમાં વ્યાજમાં છૂટનો ભાર કેન્દ્ર સરકાર ઉઠાવે એ જ એકમાત્ર ઉપાય છે. આ સાથે જ કેન્દ્ર સરકારે કહ્યુ છે કે, આ માટે સંસદમાં મંજૂરી માંગવામાં આવશે.

  આમ આદમી પર શું અસર પડશે: કોરોના સંક્રમણને પગલે માર્ચના અંતિમ અઠવાડિયાથી જુલાઇ સુધી આખા દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. લૉકડાઉનને પગલે ધંધા-રોજગાર બંધ હતા. એવામાં લોકોને લોનના EMI ચૂકવવામાં મુશ્કેલી પડી રહી હતી. આ માટે RBIએ છ મહિના સુધી EMI નહીં ચૂકવવાની છૂટ આપી હતી. જોકે, આ માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે આવી છૂટનો લાભ મેળવનાર લોકોની હોમ લોનની મૂળ રકમમાં છ મહિનાના વ્યાજની રકમ જોડી દેવામાં આવી હતી. એટલે કે ગ્રાહકોએ બાદમાં વ્યાજ પર પણ વ્યાજ ચૂકવવું પડશે. આ કારણે લોન લેનાર લોકોએ વધારે માર સહન કરવાનો વારો આવ્યો છે.  આ પણ વાંચો: દેશમાં કોરોનાથી મોતનો આંકડો એક લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 1069 લોકોનાં મોત

  કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી આ રાહતનો મતલબ એવો છે કે લોન મોરેટોરિયમનો લાભ મેળવનારા ગ્રાહકોએ હવે વ્યાજ પર વધારાની રકમ નહીં ચૂકવવી પડે. આથી લોકો હવે ફક્ત લોનનું સામાન્ય વ્યાજ ચૂકવશે.

  પાંચમી ઓક્ટોબરના રોજ થશે વધુ સુનાવણી: આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, તે વિવિધ ક્ષેત્ર માટે અમુક મજબૂત યોજના બનાવીને આવે. કોર્ટે આ કેસને વારેવારે ટાળવાની વાત પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ સુધી NPA થયેલા લોન ડિફોલ્ટરોને NPA જાહેર ન કરવાનો વચગાળાનો આદેશ શરૂ રાખવાની સૂચના આપી હતી.

  ઉલ્લેખનીય છે કે ગત મહિને સુપ્રીમ કોર્ટે મોરેટોરિયમ કેસમાં કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે આ અંગે સોગંદનામું કરીને કેન્દ્ર સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે. કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાછળ છૂપાઈ ન શકે. સુનાવણી દરમિયાન સુપ્રીમે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ કે, તમે ફક્ત વેપારમાં રસ ન લઈ શકો. લોકોને પડતી મુશ્કેલી પણ તમારે જોવી પડશે.
  Published by:Vinod Zankhaliya
  First published:October 03, 2020, 11:55 am