ભારતના 'વોરેન બફેટ' રાકેશ ઝુનઝુનવાલાની 5,000 રૂપિયાથી લઈને 34,387 કરોડ સુધીની ઐતિહાસિક યાત્રા

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Rakesh Jhunjhunwala Portfolio: રાકેશ ઝુનઝુનવાલા અનુસાર, "બજાર સ્ત્રી જેવું છે- હંમેશા રહસ્યમયી, અણધાર્યું, કમાન્ડિંગ અને અસ્થિર."

  • Share this:
મુંબઈ: આ લેખમાં અમે તમને ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાની સાહસિક યાત્રા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આજે આપણે જાણીશું કે કેવી રીતે તેણે માત્ર રૂ. 5,000થી રૂ. 34,387 કરોડથી વધુની કમાણી કરી. રાકેશ ઝુનઝુનવાલા “કીંગ ઑફ બુલ માર્કેટ”ના નામથી પણ ઓળખાય છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સ્ટોક ટ્રેડર પણ છે. ફોર્બ્સની રિચ લિસ્ટ અનુસાર, તેઓ દેશના 48માં સૌથી ધનિક વ્યક્તિ છે.

કોણ છે રાકેશ ઝુનઝુનવાલા

રાકેશ ઝુનઝુનવાલા હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ નામની ભારતીય ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ કંપનીના અને એપ્ટેકના ચેરમેન છે. સાથે જ તેઓ પ્રોવોગ ઈન્ડિયા, વાઈસરોય હોટેલ્સ, જિયોજીત ફાયનાન્સિયલ સર્વિસિસ અને કોનકોર્ડ બાયોટેક જેવી કંપનીઓના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સામેલ છે. તેમણે ‘શમિતાભ’, ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’ અને ‘કી એન્ડ કા’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

તેમનો જન્મ 5 જુલાઈ 1960ના રોજ મુંબઈ ખાતે મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા ટેક્સ ઓફિસર હતા. તેમણે 1985માં સિડનહામ કૉલેજમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવી હતી. બિગ બુલ બનવાની ઝુનઝુનવાલાની ઉદ્યોગસાહસિક યાત્રા રોમાંચથી ભરપૂર સફર છે. તેમની આ વાર્તાથી દેશના ઘણા યુવાનો પ્રેરણા મેળવી શકે છે.

કૉલેજકાળથી શેરબજારમાં રોકાણની શરૂઆત કરી

વર્ષ 1985 દરમિયાન ઝુનઝુનવાલાએ તેમના કૉલેજકાળ દરમિયાન શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. ત્યારે BSE સેન્સેક્સ 150 પોઈન્ટની આસપાસ હતો. જોકે, રોકાણ કરવા માટે તેના પિતાએ તેને પૈસા આપવાની ના પાડી અને રોકાણ માટે મિત્રોને પણ પૂછવાની મનાઈ ફરમાવી હતી.

શરૂઆતથી જ ઝુનઝુનવાલામાં જોખમ ખેડવાની ત્રેવડ હતી. તેણે તેના ભાઈના ગ્રાહકો પાસેથી થોડા પૈસા ઉછીના લીધા હતા. રાકેશે તેઓને બેંકની ફિક્સ ડિપોઝિટની સરખામણીમાં સારા વળતર સાથે પૈસા પરત આપવાનું વચન આપ્યું હતું.

ટાટા ટીના શેરમાં મળ્યો મોટો નફો

1985માં ઝુનઝુનવાલાએ ટાટા ટીના શેરમાં 5,000 રૂપિયાની મૂડી સાથે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે આ સ્ટોક 43 રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ ટાટા ટીના શેરના ભાવ વધીને રૂ. 143 થઈ જતા, તેમણે સૌપ્રથમ પ્રથમ મોટો નફો મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ ભારતીય શેરબજારમાં ટાટા ટીમાંથી પ્રથમ નફો મેળવ્યો હતો. વર્ષ 1986માં ઝુનઝુનવાલાએ 5 લાખનો નફો મેળવ્યો હતો. તેમણે ટાટા ટીના 5,000 શેર ખરીદ્યા હતા. જે બાદ માત્ર 3 મહિનામાં જ આ શેર 143 પર પહોંચી ગયો હતો. ત્યારથી અત્યારસુધીમાં ઝુનઝુનવાલાએ ઓરોબિંદો ફાર્મા, સેસા ગોવા, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, ટાઇટન, ક્રિસિલ અને એનસીસીમાં સફળતાપૂર્વક રોકાણ કર્યું છે.

રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ

2018 સુધીમાં તેમની પૂંજી વધીને રૂ. 11,000 કરોડ થઈ ગઈ હતી. ફોર્બ્સ મેગેઝિનના તાજેતરના અપડેટ્સ અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ લગભગ 4.6 બિલિયન ડોલર એટલે કે 34,387 કરોડ રૂપિયા છે. આજના 'ધ કિંગ ઓફ બુલ માર્કેટ' રાકેશ ઝુનઝુનવાલા હર્ષદ મહેતાના સમયમાં બુલ નહીં, બિઅર હતા. ઝુનઝુનવાલાએ 1992માં હર્ષદ મહેતા કૌભાંડ બાદ શેર વેચીને ઘણી કમાણી કરી હતી.

રાકેશ ઝુનઝુનવાલાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે શોર્ટ સેલિંગ એટલે કે શેર વેચીને ઘણા પૈસા કમાય છે. તે બિઅર કાર્ટેલનો ભાગ હતા.

આવી જ એક બિઅર કાર્ટેલનું નેતૃત્વ મનુ માણેક દ્વારા કરવામાં આવતું હતું, જે બ્લેક કોબ્રા તરીકે ઓળખાય છે. તેમાં રાકેશ ઝુનઝુનવાલા અને રાધાકિશન દામાણી (આરકે દામાણી)નો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયામાં નવો સામેલ થયેલો શેર 10% ભાગ્યો, તમારે રોકાણ કરવું જોઈએ?

હર્ષદ શાંતિલાલ મહેતા પર બનેલી 'સ્કેમ 1992' વેબ સિરીઝમાં ઉલ્લેખ છે કે, પત્રકાર સુચેતા દલાલે 1992માં હર્ષદ મહેતા કૌભાંડને બહાર પાડ્યા બાદ શેરબજારમાં કડાકો બોલી ગયો હતો.

રાકેશ ઝુનઝુનવાલાએ વર્ષ 1987માં રેખા ઝુનઝુનવાલા સાથે લગ્ન કર્યા હતા. રેખા પણ શેરબજારમાં રોકાણકાર છે. તેમણે વર્ષ 2003માં “રેર એન્ટરપ્રાઈઝ” નામની પોતાની સ્ટોક ટ્રેડિંગ ફર્મ શરૂ કરી, જેનું નામ તેમની પત્ની રેખા અને પોતાના નામને જોડીને રાખવામાં આવ્યું હતું.

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો

31 માર્ચ, 2021ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર સુધી ઝુનઝુનવાલા અને તેમના સહયોગીઓ પાસે 37 શેરોમાં પબ્લિક હોલ્ડિંગ છે. જેમાં ક્રિસિલ, ટાટા મોટર્સ, લ્યુપિન, ટાઇટન, ફેડરલ બેંક, ડીબી રિયલ્ટી, ફોર્ટિસ હેલ્થકેર, ડેલ્ટા કોર્પ, નઝારા ટેક્નોલોજીસ અને ટાટા કોમ્યુનિકેશન્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: હાલના વેલ્યૂએશન પર કોઈ પણ IPOમાં નહીં કરું રોકાણ: રાકેશ ઝુનઝુનવાલા

ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ 19,695.3 કરોડ રૂપિયા છે. જેમાં તેમના સૌથી મૂલ્યવાન શેર ઘડિયાળ અને જ્વેલરી બનાવતી કંપની ક્રિસિલ (રૂ. 1,063.2 કરોડ), ટાટા મોટર્સ (રૂ. 1,474.4 કરોડ), ટાઇટન (રૂ. 7,879 કરોડ) છે.

રાકેશ ઝુનઝુનવાલા અનુસાર, "બજાર સ્ત્રી જેવું છે- હંમેશા રહસ્યમયી, અણધાર્યું, કમાન્ડિંગ અને અસ્થિર." આશા છે કે ભારતના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની આ પ્રેરણાદાયી વાર્તાથી તમને ખુબ પ્રેરણા મળી હશે.
Published by:Vinod Zankhaliya
First published: