દિલ્હી: આજથી ઓગસ્ટ મહીનાની શરૂઆત થઇ ચૂકી છે. દર મહિનાની જેમ આ વખતે પણ આ મહિનાથી ઘણા મહત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે. આ એવા ફેરફારો છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફારોમાં એલપીજીની કિંમત (LPG Price), બેંકિંગ સિસ્ટમ (Banking System), આઇટીઆર (ITR), પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan), પીએમ ફસલ વીમા યોજનાના ફેરફારનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ કે 1 ઓગસ્ટથી નિયમોમાં શું ફેરફાર (important rules changes from 1 august) થઈ રહ્યા છે.
LPGના ભાવોમાં થઇ શકે છે ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર થાય છે. ત્યારે આ વખતે પણ 1 ઓગસ્ટથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે. કંપનીઓ આ વખતે ઘરેલુ અને વાણિજ્યિક બંને ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરી શકે છે. તમને જણાવી દઇએ કે, ગત વખતે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો હતો, જ્યારે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
PM કિસાન યોજનામાં બદલશે KYC નિયમ
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કેવાયસી માટે પણ 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આજથી એટલે કે 1 ઓગસ્ટથી ખેડૂતો કેવાયસી નહીં કરી શકે. ખેડૂતો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લઈને તેમનું E-KYC કરાવી શકે તેવી સુવિધા હતી. આ ઉપરાંત ઘરે બેઠા તમેપીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન E-KYC કરી શકતા હતા. આપને જણાવી દઈએ કે, ખેડૂતોની સુવિધા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈ-કેવાયસીની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવી હતી. આ પહેલા ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 મે હતી.
જો તમારું ખાતું બેંક ઓફ બરોડા (BOB)માં છે, તો 1 ઓગસ્ટથી બેંક ઓફ બરોડામાં ચેક દ્વારા ચુકવણી કરવાના નિયમો બદલાશે. આરબીઆઈએ બેન્ક ઓફ બરોડાને જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ 5 લાખ કે તેથી વધુની રકમના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત બેંકે ચેક સાથે જોડાયેલી જાણકારી એસએમએસ, નેટ બેન્કિંગ અથવા મોબાઇલ એપ દ્વારા આપવાની રહેશે.
PMFBY માટે કરાવવું પડશે રજીસ્ટ્રેશન
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)નો લાભ લેવા માટે તમારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં તમારા પાકનો વીમો કરાવવો પડશે. નોંધણી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. ત્યારબાદ રજિસ્ટ્રેશન નહીં થાય અને તમે આ યોજનાથી વંચિત રહી શકો છો. તમને જણાવી દઇએ કે આ રજિસ્ટ્રેશન ઓનલાઇન અથવા ઓફલાઇન થઇ શકતું હતું.
ITR નહીં ફાઇલ કરો તો થશે દંડ
જો તમે અત્યાર સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું તો 31 જુલાઈ પહેલા કરી લેવું ફરજીયાત હતું, નહીં તો 1 ઓગસ્ટથી દંડ ભરવો પડશે. 31 જુલાઈ પછી તમારે ITR ફાઈલ કરવા પર લેટ ફી આપવી પડશે. જો આવકવેરા કરદાતાની કરપાત્ર આવક રૂ.5 લાખ કે તેથી ઓછી હોય તો તેણે રૂ.1,000 લેટ ફી તરીકે ચૂકવવાના રહેશે. જો કરદાતાની કરપાત્ર આવક રૂપિયા 5 લાખથી વધુ હોય તો તેણે રૂપિયા 5,000ની લેટ ફી ભરવાની રહેશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર