બેંક ખાતામાં આ રીતે થઈ રહી છે છેતરપિંડી, દિલ્હીના વ્યક્તિએ રૂ.11.50 લાખ ગુમાવ્યા

પ્રતિકાત્મક તસવીર

મોબાઇલ નંબર બદલતાની સાથે જ ઓટીપીના માધ્યમથી બંનેએ ગ્રાહકના ખાતામાંથી પૈસા કાઢી લીધા હતા.

 • Share this:
  નવી દિલ્હીઃ ઓનલાઇન ફ્રોડની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ઓનલાઇન શોપિંગ કરતી વખતે ટુ સ્ટેપ ઓથેન્ટિકેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં તમારા મોબાઇલ પર એક OTP એટલે કે વન ટાઇમ પાસવર્ડ મોકલવામાં આવે છે. પરંતુ તાજેતરમાં અમુક એવા બનાવો સામે આવ્યો છે જેમાં કૌભાંડીઓએ બેંકના ગ્રાહકો પાસેથી ઓટીપી માંગી લીધો હતો અથવા તેમનો સ્માર્ટફોન હેક કરીને ઓટીપીની ચોરી કરી લીધી હોય.

  હવે ચોરોએ એટીપી મેળવવાનો એક નવો જ રસ્તો શોધી કાઢ્યો છે. તેઓ બેંકમાં જઈને પોતાને અન્ય કોઈ ગ્રાહકના ખાતાના ધારક ગણાવીને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર જ બદલી રહ્યા છે. એક વખત નંબર બદલાયા બાદ ઓટીપી તેમના મોબાઇલ નંબર પર આવવા લાગે છે. બાદમાં થોડી જ સેકન્ડમાં ગ્રાહકોનું ખાતું સાફ કરી નાખે છે.

  નવી દિલ્હીના જનકપુરી વિસ્તારમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર પ્રમાણે અહીં ગુનેગારોએ આ જ પ્રકારે રૂ. 11.50 લાખ પડાવી લીધા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે "31મી ઓગસ્ટના રોજ બે લોકો બેંકમાં આવ્યા હતા અને બીજા કોઈના એકાઉન્ટને પોતાનું જણાવ્યું હતું. વ્યક્તિના ખાતા સાથે જોડાયેલા મોબાઇલ નંબર બદલવાનો આગ્રહ કર્યો હતો અને તે માટે જરૂરી ફોર્મ પર ભરી દીધું હતું."

  આ પણ વાંચોઃ SBI ગ્રાહકો ધ્યાન આપો! બેંક ખાતામાંથી હવે નહીં ઉપડે આનાથી વધુ રૂપિયા

  મોબાઇલ નંબર બદલતાની સાથે જ ઓટીપીના માધ્યમથી બંનેએ ગ્રાહકના ખાતામાંથી પૈસા કાઢી લીધા હતા. 11.50 લાખ રૂપિયામાંથી અમુક રકમ દ્વારકાની એક બેંકના અલગ અલગ છ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અમુક રકમ એટીએમ અને ચેકથી પણ ઉપાડી લીધી હતી. જે બાદમાં ઓટીપી મેળવવા માટે જે નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો હતો.

  પોલીસે બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી અને છેતરપિંડીનો શિકાર બનેલા વ્યક્તિની ખાતા અંગેની માહિતી મેળવી હતી. એક ગુનેગારનું ઠેકાણું ઝારખંડ હોવાનું માલુમ પડ્યું છે. આ કેસમાં પોલીસ બેંક કર્મચારીઓની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.

  છેતરપિંડી કરનાર લોકો બીજો એવો રસ્તો અપનાવી રહ્યા છે જ્યાં મોબાઇલ ઓપરેટર્સ પાસે બોગસ આઈડી જમા કરાવીને ડુપ્લિકેટ સીમકાર્ડ લઈ રહ્યા છે. નવું સીમ એક્ટિવ થયા બાદ ઓટીપી મેળવીને ગ્રાહકનું ખાતું સાફ કરી દેવામાં આવે છે. ખાતા ધારકને જ્યાં સુધી ફ્રોડની માહિતી મળે છે ત્યાં સુધી બહું મોડું થઈ ચુક્યું હોય છે.
  Published by:Vinod Zankhaliya
  First published: