મુંબઈ: જે લોકો સરકારની વિવિધ સરકારી સબસિડી (government subsidies)નો લાભ લેવા માંગતા હોય તેમજ આ સબસિડી સીધી (DBT) તેમના સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ખાતામાં જમા થાય તેવું ઇચ્છતા હોય તેમના માટે હવે બેંક ખાતા (SBI)ને આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. SBI તરફથી ટ્વીટર પર તેમના ગ્રાહકોને DBTનો લાભ લેવા માટે બેંક ખાતાને આધાર નંબર સાથે લિંક કરવાનું કહેવામાં આવ્યું છે.
SBIએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "DBT અંતર્ગત સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની સબસિડી મેળવવા માંગતા ગ્રાહકોએ પોતાના બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડને લિંક કરવું ફરજિયાત છે."
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ પહેલા એક ચુકાદામાં જણાવ્યું હતું કે, આધાર કાર્ડને બેંક ખાતા સાથે જોડવું ફરજિયાત નથી. જોકે, ખાતા ધારક સરકારી લાભ મેળવવા માંગતો હોય તો આ માટે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે.
આ માટે એસબીઆઈના ખાતેદારો અલગ અલગ રીતે પોતાના બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરી શકે છે. ગ્રાહકો એસબીઆઈની વેબસાઈટ, મોબાઇલ એપ્લિકેશન, એટીએમ મશીન અને બ્રાંચ પર રૂબરૂ જઈને આ કામ કરી શકે છે.
વેબસાઇટના માધ્યમથી બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું:
- www.onlinesbi.comની મુલાકાત લો. - યૂઝરનેમ અને પાસવર્ડ સાથે Login કરો. My Accountની પર જઈને 'Link your Aadhaar number' પર ક્લિક કરો. - એકાઉન્ટ નંબર પસંદ કરો. આધાર નંબર દાખલ કરો અને ‘submit’ પર ક્લિક કરો. - તમારા મોબાઇલ નંબરના છેલ્લા બે આંકડા જોવા મળશે. - આધાર લિંક થવાનું સ્ટેટસ તમારા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.