વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની હોવાનો તાજ અમેરિકન ટેક્નોલોજી દિગ્ગજ એપલ ઇન્કના (Apple) માથેથી છીનવાઈ ગયો છે. બુધવારે કંપનીના શેરમાં થયેલા ઘટાડાને કારણે તેની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે અને તે બીજા નંબરે સરકી ગઈ છે. જો કે, તે હજુ પણ અમેરિકન કંપનીઓમાં નંબર વન છે.
આઇફોન બનાવનાર આ અમેરિકન ટેક જાયન્ટને સાઉદી અરેબિયાની સરકારી ઓઇલ કંપની સાઉદી અરામકોએ (Saudi Aramco) પછાડી દીધી છે. તે વિશ્વની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની છે. રશિયા-યુક્રેન યુદ્ધના (Russia-Ukraine War Effect) કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાથી સાઉદી અરામકોને ફાયદો થયો છે, જ્યારે ટેક કંપનીઓના શેરમાં તાજેતરના દિવસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
બુધવારના બંધ ભાવે, સાઉદી અરામકોનું માર્કેટ કેપિટલાઇઝેશન $2.42 ટ્રિલિયન પર પહોંચી ગયું, જ્યારે એપલનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને $2.37 ટ્રિલિયન થયું. આ વર્ષની શરૂઆતમાં એપલનું માર્કેટ કેપ $3 ટ્રિલિયન સુધી પહોંચી ગયું હતું. તે સમયે અરામકો એપલ પાછળ $1 ટ્રિલિયન હતી. પરંતુ ત્યારપછી એપલના શેરમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ અરામકોના શેરમાં 28 ટકાનો ઉછાળો આવ્યો છે.
જ્યાં સુધી અમેરિકન કંપનીઓનો સવાલ છે, એપલ હજુ પણ નંબર વન છે. માઈક્રોસોફ્ટ અમેરિકન કંપનીઓમાં બીજા ક્રમે છે જેની માર્કેટ કેપ $1.95 ટ્રિલિયન છે. Appleનું પ્રથમ ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ 2022)નું પ્રદર્શન અપેક્ષા કરતાં વધુ સારું રહ્યું છે. પરંતુ ચીનના ઘણા શહેરોમાં કોરોનાના કારણે થયેલા લોકડાઉન અને સપ્લાય ચેઈનને અસર થવાના કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીના પ્રદર્શન પર અસર પડી શકે છે.
જ્યારે, સાઉદી અરામકોના ચોખ્ખા નફામાં 2021માં 124 ટકાનો વધારો નોંધાયો છે. 2021માં આ સૌથી મોટા તેલ ઉત્પાદકનો ચોખ્ખો નફો $110 બિલિયન સુધી પહોંચી ગયો છે. 2020માં તે $49 બિલિયન હતું. યુક્રેન-રશિયા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અરામકોને આનો ફાયદો થયો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર