Home /News /business /Amazon Layoffs: મંદીના ભણકારા કે બીજુ કંઈ? ટોપ મેનેજર્સ સહિત 20 હાજરને છૂટ્ટા કરી શકે એમેઝોન
Amazon Layoffs: મંદીના ભણકારા કે બીજુ કંઈ? ટોપ મેનેજર્સ સહિત 20 હાજરને છૂટ્ટા કરી શકે એમેઝોન
હવે એમેઝોન 20 હજાર કર્મચારીઓને છુટ્ટા કરશે.
Amazon Layoffs: દુનિયાભરની ટોચની કંપનીઓમાં જાણે કે છટણીની મોસમ ચાલી રહી હોય તેમ ધડાધડ હજારો કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવી રહ્યા છે. તાજેતરના એક અહેવાલ મુજબ હવે દુનિયાની સૌથી મોટી કંપનીઓ પૈકી એક એમેઝોન પણ પોતાના સ્ટાફમાંથી આશરે 20 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે.
વૈશ્વિક બજારોમાં મંદીના ભય વચ્ચે ટોચની ટેક કંપનીઓમાં સતત છટણી ચાલી રહી છે. ફેસબુક અને ટ્વિટર જેવી કંપની બાદ હવે એમેઝોનમાંથી પણ આગામી મહિનાઓમાં 20 હજાર જેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે. જેમાં છેક નીચેથી શરુ કરીને ટોચના મેનેજર્સનો સમાવેશ થઈ શકે છે. આ છટણીમાં ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર, ટેક્નોલોજી સ્ટાફ અને કોર્પોરેટ એક્ઝેક્યુટિવ્સ સહિતના તમામ વિભાગોમાંથી આ છટણી કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને રિટેલ સેગમેન્ટની દિગ્ગજ એમેઝોને કોરોના મહામારી દરમિયાન ખૂબ જ બેફામ રીતે કર્મચારીઓની ભરતી કરી હતી.
કોમ્પ્યુટરવર્લ્ડના અહેવાલ મુજબ નામ ન અપાવાની શરતે કંપનીની છટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા એક ટોચના સૂત્રે જણાવ્યું કે, 1થી 7 તમામ લેવલમાંથી એમેઝોનના કર્મચારીઓ આ છટણી પ્રક્રિયાનો ભોગ બની શકે છે. આ પહેલા ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા નવેમ્બરના મધ્યમાં એમેઝોન દ્વારા ઓછામાં ઓછા 10 હજાર કર્મચારીઓની છટણી કરવામાં આવશે તેવો અહેવાલ આપવામાં આવ્યો હતો. જો કે સ્વતંત્રરીતે આ અહેવાલની પુષ્ટી કરી શકાઈ નહોતી.
તાજેતરના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં કંપની મેનેજરોને કહેવામાં આવ્યું છે કે, તેઓએ કર્મચારીઓની કામગીરીની સમસ્યાઓને ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ. જે લગભગ 20,000 લોકોને છૂટા કરવાના પ્રયાસના ભાગરૂપે હોઈ શકે છે.
વીસ હજાર કર્મચારીઓ લગભગ 6 ટકા કોર્પોરેટ સ્ટાફની સમકક્ષ છે, અને વૈશ્વિક વિતરણ કેન્દ્ર અને કલાકદીઠ કામદારો સહિત એમેઝોનના કુલ 1.5 મિલિયન-મજબુત કર્મચારીઓના લગભગ 1.3 ટકા છે.
કોર્પોરેટ સ્ટાફને કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓને કંપનીના કરાર અનુસાર 24-કલાકની નોટિસ અને છટણી પગાર મળશે, તેમ આ રિપોર્ટમાં ઉમેરાયું છે. એક સૂત્રએ કમ્પ્યુટરવર્લ્ડને જણાવ્યું હતું કે "જેઓ છટણીના આ પ્રયાસ અંગે માહિતીગાર છે તેવા કંપનીના કર્મચારીઓમાં ભયની લાગણી છે કારણ કે સમાચાર બહાર આવ્યા છે." કંપનીના ઈતિહાસમાં સૌથી મોટો સ્ટાફ ઘટાડો હશે.
સૂત્રએ વધુ માહિતી આપતા કહ્યું કે, “આ છટણી માટે કોઈ ચોક્કસ વિભાગ અથવા લોકેશનનો ઉલ્લેખ નથી; તે કંપનીના સમગ્ર બિઝનેસમાં છે. અમને કહેવામાં આવ્યું હતું કે આ છટણી મહામારી દરમિયાન વધુ પડતા હાયરિંગના પરિણામે છે અને કંપનીની નાણાકીય સ્થિતિ ઘટી રહી હોવાને કારણે ખર્ચમાં ઘટાડો કરવાની જરૂરિયાત છે.”સૂત્રે જણાવ્યું હતું.
ન્યુયોર્ક ટાઇમ્સ દ્વારા છાપવામાં આવેલ સમાચારના પગલે, એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ 17 નવેમ્બરના રોજ કર્મચારીઓને જાહેર સંદેશમાં પુષ્ટી કરી હતી કે છટણી થઈ રહી છે, જોકે તેમણે કર્મચારીઓની છટણી કરવાની આયોજિત સંખ્યાનો ઉલ્લેખ કર્યો નહોતો.
"અમારી વાર્ષિક આયોજન પ્રક્રિયા નવા વર્ષ સુધી વિસ્તરે છે, જેનો અર્થ છે કે લિડર્સ એડજસ્ટમેન્ટ કરવાનું ચાલુ રાખતાં હજુ વધુ રોલ્સમાં ઘટાડો થશે. તે નિર્ણયો અસરગ્રસ્ત કર્મચારીઓ અને સંસ્થાઓ સાથે 2023 ની શરૂઆતમાં શેર કરવામાં આવશે." જેસીએ પોતાના સંદેશમાં લખ્યું હતું. નોંધવું રહ્યું કે કંપનીએ પહેલેથી જ જણાવ્યું હતું કે ઉપકરણો અને પુસ્તકોના વ્યવસાયોમાં છટણી થશે, અને પીપલ, એક્સપિરિયન્સ અને ટેક્નોલોજી (PXT) સંસ્થામાં કેટલાક કર્મચારીઓ માટે સ્વૈચ્છિક રાજીનામાની ઓફર લંબાવવામાં આવશે. દરમિયાન, અહેવાલ મુજબ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે કંપનીની રોબોટિક્સ ટીમના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર