ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાએ પોતાના વાર્ષિક સિંગલ ડે સેલની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. કંપનીએ સેલની પહેલી પાંચ મિનીટમાં જ 3 બિલિયન ડૉલર એટલે કે 21 હજાર કરોડનો સામાન વેંચી કાઢ્યો છે. રવિવારે આ સેલ 24 કલાક માટે શરૂ થયો છે.
જેમાં સૌથી વધુ વેચાણ એપલ અને શીયોમી જેવી ટોપ બ્રાંડનું થયું છે. પછીના એક કલાકમાં આ આંકડો 10 બિલિયન ડોલર સુધી પહોચી ગયો. ગત વર્ષે વાર્ષિક સેલ દરમિયાન 24 કલાકમાં 24 બિલિયન ડોલરનું વેચાણ થયું હતું. અલિબાબાના સંસ્થાપક જેક મા સેલનાં કાઉન્ટડાઉન દરમિયાન હાજર રહ્યા હતા.
અલિબાબાની આ ધમાકેદાર સેલમાં લોસ એંજેલસ, ટોક્યો અને ફ્રેંકફર્ટનાં લોકો પણ ખરીદદાર હતાં. લોકોએ આ સેલમાં ડાયપરથી લઈને મોબાઈલ સુધીની તમામ ચીજો ખરીદવામાં આવી છે. જાણકારો પ્રમાણે, હાલનાં દિવસોમાં ચીનની અર્થવ્યવસ્થામાં નબળાઈ આવી છે. એવામાં અલિબાબાના નફામાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.
અલિબાબાએ વાર્ષિક સેલની શરૂઆત વર્ષ 2009માં કરી હતી. ત્યાર બાદ, લોકો દર વર્ષે આ સેલની આતુરતાથી રાહ જોતા હોય છે.