નવી દિલ્હી : સરકાર એર કંડિશનર (Air Conditioner)નો ઉપયોગ કરનારાઓને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. આગામી સમયમાં એસીનો ઉપયોગ કરતા વીજ ગ્રાહકોની સબસિડીમાં કાપ મુકવામાં આવી શકે છે. કેન્દ્રીય ઉર્જા સચિવ (Union Power Secretary) આલોક કુમારે (Alok Kumar) જણાવ્યા અનુસાર, પાવર સેક્ટર (Power Sector)માં સબસિડી (Subsidy)ને વધુ લક્ષિત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ માટે એર કંડિશનર (AC)નો ઉપયોગ કરનારા ગ્રાહકોને સબસિડી ન આપવા અંગે વિચાર કરી શકાય છે.
એસી વપરાશકર્તાને નહીં મળે સબસિડી
ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) દ્વારા આયોજિત 15મી ઈન્ડિયા એનર્જી સમિટમાં બોલતા કુમારે કહ્યું કે, મોટાભાગની સબસિડી ઘરેલું વીજળી ગ્રાહકો માટે છે. એસી અને અન્ય સાધનોનો ઉપયોગ કરતા લોકોને આ સુવિધા ન મળવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, ઊર્જાની માંગ અને પુરવઠા બંને પક્ષોને ઉજાગર કરતા ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસને 20 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની જરૂર છે.
દરેક વ્યક્તિને મળવી જોઇએ વીજળી
ઉર્જા સચિવે કહ્યું કે વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનવા માટે માથાદીઠ ઉર્જા વપરાશ વધારવો જરૂરી છે. દરેક ઘરને સ્વચ્છ, સસ્તી અને ટકાઉ ઊર્જા પૂરી પાડવાની જરૂર છે. આ દરમિયાન તેમણે એવા વિસ્તારોનો ઉલ્લેખ કર્યો જ્યાં વીજળીની માંગમાં અભૂતપૂર્વ વધારો થવાની અપેક્ષા હતી. તેમાં પરિવહનનો પણ સમાવેશ થાય છે.
કુમારે કહ્યું કે આગામી બે દાયકામાં દેશમાં ઝડપથી શહેરીકરણ થવાની સંભાવના છે. બાંધકામની ગતિવિધિઓ મોટા પાયે જોવા મળશે. સ્ટીલ, સિમેન્ટ અને લાઇટિંગ જેવી બાંધકામ સામગ્રીની માંગમાં તીવ્ર વધારો થવાની ધારણા છે. આ સાથે જ વીજળીની માંગ પણ વધશે. તેવામાં તે જાણવું ખૂબ જરૂરી છે કે માંગમાં આ વધારો યોગ્ય રીતે નોંધવામાં આવે. આ માટે સપ્લાય સંબંધિત સમસ્યાઓને દૂર કરવી પડશે. આ માટે ટેકનોલોજી આધારિત રોડ મેપ બનાવવો પડશે.
વીજળીની માંગમાં થયો વધારો
ગયા વર્ષે ડિસેમ્બરમાં દેશમાં વીજળીનો વપરાશ વાર્ષિક ધોરણે 4.5 ટકા વધીને 110.34 અબજ યુનિટ થયો હતો. ડિસેમ્બર 2020માં આ આંકડો 101.08 અબજ યુનિટ હતો. કોરોના મહામારીની બીજી લહેર પછી દેશમાં આર્થિક ગતિવિધિઓમાં સુધારની વચ્ચે ડિસેમ્બરમાં વીજળીનો વપરાશ સતત વધ્યો છે. દરમિયાન, ડિસેમ્બર 2021માં એક દિવસમાં પીક પાવર સપ્લાય વધીને 183.39 ગીગાવોટ થઈ ગયો. ડિસેમ્બર 2020માં તે 182.78 ગીગાવોટ અને ડિસેમ્બર 2019માં 170.49 ગીગાવોટ હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર