અમદાવાદ : આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવ ગગડતા સ્થાનિક બજારમાં ફરીથી એકવાર સોનાની કિંમતમાં મોટા ઘટાડો નોંધાયો છે. મંગળવારે અમદાવાદમાં ગોલ્ડની કિંમતમાં 10 ગ્રામે 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન ચાંદીની કિંમતોમાં પણ 2000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે. એક્સપર્ટનું કહેવું છે કે, કોરોના વાયરસની વેક્સીનમાં ભલે મોડુ થઈ રહ્યું હોય. પરંતુ, સારવારને લઈ આશા વધી છે. અનેક થેરાપીથી સારા રિઝલ્ટ જોવા મળી રહ્યા છે. જેથી અમેરિકા અને એશિયાના બજારમાં તેજી જોવા મળી રહી છે.
અમદાવાદ માર્કેટમાં મંગળવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં સોમવારે એક કિલો ચાંદીનો ભાવ 66,000 રૂપિયા હતો. જેમાં આજે મંગળવારે પ્રતિ કિલો 2000 રૂપિયાનો ઘટાડો નોંધાતા ચાંદી ચોરસાનો ભાવ 64,000 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સોમવારે 10 ગ્રામ સોનાનો ભાવ 53,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જેમાં આજે 500 રૂપિયાનો ઘટાડો નોંધાતા આજે મંગળવારે 99.9 સોનું 53,000 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનાના પ્રતિ 10 ગ્રામ 51,940 રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા.
સોનાની કિંમતોઃ- એચડીએફસી સિક્યોરિટી પ્રમાણે મંગળવારે દિલ્હી સરાફા બજારમાં 99.9 સોનું 52,907 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 52,350 રૂપિયાના પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. આ દરમિયાન 557 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે મુંબઈ બજારમાં 99.9 સોનાનો ભાવ ઘટીને 51,628 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલે રહ્યું હતું.
ચાંદીની કિંમતોઃ- મંગળવારે સોનાની જેમ ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં એક કિલો ચાંદીના ભાવ 68, 342 રૂપિયાના સ્તરેથી ઘટીને 66,736 રૂપિયા ઉપર આવી ગઈ હતી. આ દરમિયાન ચાંદીમાં 1606 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. મુંબઈ બજારમાં ચાંદી ઘટીને 64,881 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.
કેમ થયું સોનું ચાંદી સસ્તુંઃ- એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલના જણાવ્યા પ્રમાણે અમેરિકી ડોલર પ્રમાણે રૂપિયો નબળો પડ્યો છે. જેના કારણે દિલ્હી ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.