ABSL AMC IPO ખુલ્યો: તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં? જાણો ગ્રે માર્કેટમાં શેરની કિંમત

આદિત્ય બિરલા સન લાઇફ એએમસી આઇપીઓ

ABSL AMC IPO: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી આઇપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) છે. જે અંતર્ગત ABSL AMCની 13.5% ભાગીદારી વેચવામાં આવશે.

 • Share this:
   મુંબઈ: આદિત્ય બિરલા સન લાઇફ અસેટ મેનેજમેન્ટ કંપની (ABSL AMC IPO)નો આઇપીઓ આજે એટલે કે 29મી સપ્ટેમ્બરના રોજ ખુલી રહ્યો છે. આ પહેલા એન્કર રોકાણકારો (Anchor Investors)એ અપર પ્રાઇસ બેન્ડ (712 રૂપિયા) પ્રમાણે પોતાના હિસ્સાનો ઇશ્યૂ સબ્સક્રાઇબ કરી લીધો હતો. મનીકંટ્રોલના સૂત્રોના હવાલેથી આ જાણકારી મળી હતી. આદિત્ય બિરલા સન લાઇફ અસેટ મેનેજમેન્ટ કંપનીનો આઇપીઓ (Aditya Birla Sun Life Asset Management Company IPO) 1 ઓક્ટોબર સુધી ભરી શકાશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે આ આઇપીઓ એક દિવસ પહેલા એટલે કે મંગળવારે ખુલ્યો હતો. જેમાં રોકાણકારોએ 800 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ABSL AMCના આઇપીઓની સાઇઝ 2,770 કરોડ રૂપિયા છે.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્ય ઘરેલૂ રોકાણકારોમાં HDFC લાઇફ, SBI લાઇફ, HDFC AMC, SBI AMC અને ICICI Pru AMC સામેલ છે. આ ઉપરાંત HSBC AMC અને ADIA (UAE) જેવા વિદેશી રોકાણકારોએ પણ બોલી લગાવી હતી. સૂત્રોનું કહેવું છે કે એન્કર રોકાણકારો માટે અનામત હિસ્સો ત્રણ ગણો ભરાયો છે.

  આ આઇપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) છે. જે અંતર્ગત ABSL AMCની 13.5% ભાગીદારી વેચવામાં આવશે. જેમાં સૌથી મોટી વિક્રેતા સન લાઇફ (Sun Life) છે, જે કંપનીમાં પોતાની 49% ભાગીદારીમાંથી 12.5% હિસ્સો વેચી રહી છે. જ્યારે આદિત્ય બિરલા કેપિટલ (Aditya Birla Capitol) ફક્ત 1% હિસ્સો વેચી રહી છે. હાલ આદિત્ય બિરલા કેપિટલ પાસે કંપનીની 51% ભાગીદારી છે.

  કેટલું રોકાણ કરવું પડશે?

  આ આઇપીઓ માટે 20 શેરના લૉટમાં બીડ કરી શકાય છે. આઇપીઓ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂપિયા 695-712 નક્કી કરી છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કોઈ રોકાણકારે ઓછામાં ઓછું 14,240 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રિટેલ રોકાણકાર વધારેમાં વધારે 20 લોટ માટે બીડ કરી શકે છે. શેરનું અલોટમેન્ટ 6 ઓક્ટોબરના રોજ થશે. BSE અને NSE પર શેરનું લિસ્ટિંગ 11 ઓક્ટોબરના રોજ થઈ શકે છે.

  ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP)

  પ્રાઇસ બેન્ડ જાહેર થયા બાદ અસલિસ્ટેડ માર્કેટમાં આઇપીઓ લાવનારી કંપનીના શેરનું ટ્રેડિંગ થતું હોય છે. જે આઇપીઓના લિસ્ટિંગ સુધી ચાલે છે. માર્કેટ નિષ્ણાતો પ્રમાણે હાલ આદિત્ય બિરલા સન લાઇફ અસેટ મેનેજમેન્ટ કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયન (ABSL AMC IPO GMP) 30 રૂપિયા છે. જોકે, રોકાણકારોનું એવું પણ કહેવું છે કે ABSL AMC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ સતત ઘટી રહ્યું છે. પહેલા તે 70 રૂપિયા આસપાસ હતું.

  તમારે રોકાણ કરવું કે નહીં?

  મોટાભાગના નિષ્ણાતો આ આઇપીઓ ભરવાની સલાહ આપી રહ્યા છે. કંપનીનો છેલ્લા 12 મહિનાનો એડજસ્ટેડ EPS જોઈએ તો ઇશ્યૂ પછી તે 20.27 રૂપિયા છે. કંપની 35.13 P/E પર લિસ્ટ થવા જઈ રહી છે. જે પ્રમાણે કંપનીની માર્કેટ કેપ 20,505 કરોડ રૂપિયા હશે. તેની હરીફ કંપની HDFC AMCનો P/E 50 અને નિપ્પૉન લાઇફનો P/E 39 છે.

  આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા સપ્ટેમ્બરમાં ટાટા ગ્રુપના આ બે શેરમાં અધધ રૂ. 893 કરોડ કમાયા, શું તમારી પાસે આ શેર છે?

  Marwadi Shares and Financeના સૌરભ જોશીએ કહ્યુ કે, "અમે આઇપીઓને ભરવાની સલાહ આપી રહ્ય છીએ. કંપની દેશમી સૌથી મોટી નૉન-બેંક એફિલિએટેડ અસેટ મેનેજર છે. તેની પ્રોડક્ટ ડાયવર્સિફાઇડ છે. તેની હાજરી આખા દેશમાં છે. આ ઉપરાંત કંપનીનો ઇશ્યૂ હરીફ કંપનીઓ કરતા સસ્તો છે."

  મિન્ટ પ્રમાણે Aditya Birla Sun Life AMCના ફન્ડામેન્ટલ વિશે UnlistedArena.comના ફાઉન્ડર અભય દોષીએ કહ્યું કે, "આદિત્ય બિરલા ગ્રુપની મ્યુચ્યુઅલ ફંડ કંપની QAAUM (ત્રિમાસિક એવરેજ અસેટ અંડર મેનેજમેન્ટ) પ્રમાણે દેશની ચાર સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાંની એક છે. 30 જૂન 2021 સુધી કંપનીએ 2936.42 અબજ રૂપિયાની અસેટ મેનેજ કરી છે.

  લાઇવ મિન્ટ પ્રમાણે એન્જલ બ્રોકિંગ તરફથી પણ આ આઇપીઓને ભરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત આનંદ રાઠી તરફથી પણ આ આઇપીઓને 'સબ્સક્રાઇબ' રેટિંગ આપવામાં આવ્યું છે.

  આ પણ વાંચો: Paras Defence IPO allotment: પારસ ડિફેન્સના શેરનું આજે અલોટમેન્ટ, શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો

  આ આઇપીઓ 3.88 કરોડ ઇક્વિટી શેર માટે થશે. જેમાં આદિત્ય બિરલા કેપિટલ તરફથી 28.51 લાખ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ હશે. જ્યારે સન લાઇફ AMC 1.60 કરોડ ઑફર ફૉર સેલ તરીકે વેચશે. આ ઑફરમાં 1,94,000 ઇક્વિટી શેર આદિત્ય બિરલા કેપિટલના શેર ધારકો માટે અનામત રાખવામાં આવ્યા છે. આઇપીઓની લોટ સાઇઝ 20 શેર અને તેના ગુણાંકમાં હશે. આઇપીઓની 50% હિસ્સો QIB રોકાણકારો અને 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે જ્યારે 15% હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે.
  Published by:Vinod Zankhaliya
  First published: