Home /News /business /

Multibagger Stock: છેલ્લા બે મહિનામાં આ શેર 109% વધ્યો, રોકાણકારોએ ખરીદી કરવી, રોકાણ જાળવી રાખવું કે બહાર નીકળી જવું?

Multibagger Stock: છેલ્લા બે મહિનામાં આ શેર 109% વધ્યો, રોકાણકારોએ ખરીદી કરવી, રોકાણ જાળવી રાખવું કે બહાર નીકળી જવું?

મલ્ટીબેગર સ્ટોક

Multibagger Stock Adani Wilmar: અદાણી વિલ્મરે ફેબ્રુઆરી 2022માં પોતાના લિસ્ટિંગ પછી બે મહિનામાં 109 ટકાથી વધારે તેજી બતાવી છે. આ શેરે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

  નવી દિલ્હી: અદાણી વિલ્મર (Adani Wilmar) ભારતમાં ખાદ્ય તેલના બજારની અગ્રણી કંપની છે. બ્રોકરેજ હાઉસ એડલવાઇસ (Brokerage Edelweiss)ના કહેવા પ્રમાણે કંપની પાસે મજબૂત વિતરણ નેટવર્ક છે. કંપનીની યોજના આગામી ત્રણ ચાર વર્ષમાં તેનો વધુ વિસ્તાર કરવાની છે. તેનાથી કંપનીની બ્રાન્ડ વધુ મજબૂત બનશે અને બજારમાં લીડરશીપ મેળવવામાં પણ મદદ મળશે. આ ઉપરાંત મજબૂત પ્રમોટર જૂથને કારણે પણ કંપનીને ફાયદો થઈ રહ્યો છે.

  બ્રોકરેજે કહ્યુ કે, "નાણાકીય વર્ષ 2021-24 દરમિયાન આ ફેક્ટર્સ અદાણી વિલ્મરનું વોલ્યૂમ અને અર્નિંગ સીએજીઆરને ક્રમશ: 9.3 ટકા અને 19.9 ટકા સુધી વધારી શકે છે. લિસ્ટિંગ બાદ શાનદર 140 ટકાના વધારા સાથે બજારમાં તે મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે." આ માટે જ બ્રોકરેજ તરફથી આ શેર માટે હોલ્ડ રેટિંગ આપવામાં આવ્યું છે. આ માટે બ્રોકરેજ તરફથી 559 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જોકે, મંગળવારે અદાણી વિલ્મરનો શેર પાંચ ટકાની અપર સર્કિટ સાથે 579.95 રૂપિયા પર પહોંચી ગયો હતો.

  અદાણી વિલ્મરે ફેબ્રુઆરી 2022માં પોતાના લિસ્ટિંગ પછી બે મહિનામાં 109 ટકાથી વધારે તેજી બતાવી છે. આ શેરે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન (Multibagger return) આપ્યું છે. અદાણી વિલ્મર, અદાણી ગ્રુપ અને સિંગાપુરના વિલ્મર ગ્રુપનું સંયુક્ત સાહસ છે. ઘરેલૂ બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ એડલવાઈઝે કહ્યુ છે કે તેનો રિટર્ન રેશિયો પ્રોફાઇલ સારો છે. જોકે, તે આ સેક્ટરના સરેરાશ રિટર્ન રેશિયોથી ઓછો છે.

  લાઇવમિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે બ્રોકરેજને આશા છે કે કંપની ખાદ્ય તેલ અને પેકેઝ્ડ ફૂડ ઉદ્યોગમાં ગ્રોથ બનાવી રાખશે. બ્રોકરેજનું માનવું છે કે બિઝનેસને આગળ વધારવા માટે કંપની સારી સ્થિતિમાં છે. સાથે જ બ્રોકરેજે એવું પણ કહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધથી સૂરજમુખી તેલની અછતને પગલે ટૂંક સમય માટે જોખમ ઊભું થઈ શકે છે.

  અદાણી વિલ્મર આઈપીઓ


  અદાણી વિલ્મરનો આઈપીઓ 27મી ફેબ્રુઆરીના રોજ ખુલ્યો હતો અને 31મી ફેબ્રુઆરીના રોજ બંધ થયો હતો. આઈપીઓને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અંતિમ દિવસ સુધી આઈપીઓ 17.37 ગણો ભરાયો હતો. BSE પર અદાણી વિલ્મરના શેરનું 3.91% ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું. 230 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે બીએસઈ પર અદાણી વિલ્મરનો શેર 221 રૂપિયા પર ખુલ્યો હતો. એટલે કે રોકાણકારોને એક શેર દીઠ 9 રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. NSE પર અદાણી વિલ્મરના શેરનું 1.30% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું હતું. 230 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે NSE પર અદાણી વિલ્મરનો શેર 227 રૂપિયા પર ખુલ્યો હતો. એટલે કે રોકાણકારોને શેર દીઠ ત્રણ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.

  લિસ્ટિંગ બાદ શેરની કિંમતમાં તેજી


  ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયા બાદ અદાણી વિલ્મરના શેરમાં તેજી જોવા મળી હતી. 10.00 વાગ્યે એનએસઈ અને બીએસઈ પર અદાણી વિલ્મરનો શેર આશરે 7% વધીને ટ્રેડ કરી રહ્યો હતો.

  શેરબજારમાં લિસ્ટ થનારી અદાણી જૂથની સાતમી કંપની


  અદાણી વિલ્મર શેરબજારમાં લિસ્ટ થનારી અદાણી જૂથની સાતમી કંપની છે. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓમાં Adani Enterprises, Adani Ports and Special Economic Zones Ltd, Adani Transmission Ltd, Adani Power Ltd, Adani Total Gas Ltd અને Adani Green Energy Ltd સામેલ છે.

  આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની ચિંતા છોડો, આ CNG કાર્સ આપશે દમદાર માઇલેજ

  કંપનીનો બિઝનેસ


  Adani Wilmar ગૌતમ અદાણીની માલિકીના અદાણી જૂથ તેમજ સિંગાપુરના વિલ્મર ગ્રુપ વચ્ચે 50:50 ભાગીદારી ધરાવતું સંયુક્ત સાહસ છે. કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલ વેચે છે. ખાદ્ય તેલ ઉપરાંત કંપની ચોખા, ખાંડ અને લોટ પણ વેચે છે. આ ઉપરાંત કંપની સાબુ, હેન્ડવોશ અને સેનિટાઇઝર જેવા ઉત્પાદનો પણ વેચે છે.

  દુનિયાના 19થી વધારે દેશમાં તેલની નિકાસ


  ભારતમાં અદાણી વિલ્મર કંપનીની ફૉર્ચ્યૂન બ્રાન્ડનો ખાદ્ય તેલમાં હિસ્સો 20 ટકા છે. દેશમાં કંપની પાસે 40 યૂનિટ છે. અહીં દરરોજ 16,800 ટનથી વધારે તેલ રિફાઇનિંગ થાય છે. કંપનીની બીજ પેલાણની ક્ષમતા 6,000 ટન પ્રતિદિન છે. જ્યારે પેકિંગની ક્ષમતા 12,900 ટન પ્રતિ દિન છે. કંપની દુનિયાના 19થી વધારે દેશમાં નિકાસ કરે છે.

  આ પણ વાંચો: ટાટા ગ્રુપના આ શેરમાં સતત પાંચમા દિવસે લાગી અપર સર્કિટ

  ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય વ્યક્તિગત અથવા જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock tips, અદાણી

  આગામી સમાચાર