નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. વર્ષ 2025 સુધી ભારત ફરી એકવાર દુનિયાની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થઈ જશે અને બ્રિટન છઠ્ઠા નંબર પર પહોંચી જશે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ઈન્ડિયન ઇકોનોમી (Indian Economy) ઝડપથી રિકવર કરશે. આ ઉપરાંત વર્ષ 2030 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પૈકી એક હશે. નોંધનીય છે કે, હાલના સમયમાં ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
CEBRએ જાહેર કર્યો રિપોર્ટ
બ્રિટનના પ્રમુખ સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (Centre for Economics and Business Research - CEBR)એ શનિવારે પ્રકાશિત એક વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું કે કોરોના મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો છે. પરંતુ તમામ દેશ ધીમે-ધીમે રિકવર થઈ રહ્યા છે. વર્ષ 2019માં ભારતે બ્રિટનને પછાડી દીધું હતું,પરંતુ મહામારીના કારણે ફરી એકવાર બ્રિટન ભારતને પછાડીને આગળ જતું રહ્યું છે.
રિપોર્ટ મુજબ, બ્રિટન 2024 સુધી ભારતથી આગળ રહી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 2021માં ભારતની વૃદ્ધિ 9 ટકા અને 2022માં 7 ટકા રહેશે. CEBRનું માનવું છે કે ભારત ધીમે-ધીમે આર્થિક રીતે મજબૂત થઈને આગળ વધશે. 2025માં તેનો વાર્ષિક વૃદ્ધિ દર 5.8% જ હશે. આ ગ્રોથના કારણે ભારત 2030 સુધી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બનશે.
સમાચાર એજન્સી પીટીઆઇએ CEBRના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે આ વૃદ્ધિથી ભારત 2030 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. CEBRએ કહ્યું કે મહામારી ભારત માટે એક માનવીય અને આર્થિક ‘તબાહી’ રહી છે. જેમાં ડિસેમ્બરના મધ્ય સુધી 1,40,000થી વધુ મોતો નોંધવામાં આવી છે.
નોંધનીય છે કે, વર્ષ 2025માં બ્રિટન, 2027માં જર્મની અને 2030માં જાપાનને પછળ ધકેલીને ભારત આગળ નીકળી જશે. બીજી તરફ બ્રિટનના થિન્ક ટેન્કે અનુમાન લગાવ્યું છે કે ચીન 2028 સુધી અમેરિકાને પાછળ મૂકી દેશે. ત્યારબાદ તે અમેરિકાને પછાડીને દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર