મુંબઈ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની માઠી અસર ભારતીય શેર બજાર પર પડી રહી છે. આગામી દિવસોમાં વિવિધ કંપનીઓએ રૂ. 77,000 કરોડના ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) રજૂ કરવાની યોજનાઓ બનાવી હતી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને પગલે હવે આ આઈપીઓ હોલ્ડ પર રહી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કોઈપણ સંજોગોમાં પાછળ હટવા માટે તૈયાર નથી. લાઇવમિન્ટના રિપોર્ટ પ્રમાણે આઈપીઓ માટે આવી સ્થિતિ આ નાણાકીય વર્ષના અંત સુધી બનેલી રહી શકે છે.
કેપિટલ માર્કેટ રિસર્ચર પ્રાઈમ ડેટાબેઝ અનુસાર, માર્કેટ રેગ્યુલેટરની મંજૂરી મળ્યા બાદ 51 કંપનીઓએ IPOની મદદથી રૂ. 77,000 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી હતી. આ 51 કંપનીઓના લિસ્ટમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ સહિત 44 કંપનીઓ સામેલ નથી, જેમણે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સમક્ષ IPOના ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, પરંતુ કંપનીઓને મંજૂરી આપવામાં આવી નથી.
યુદ્ધની અસર
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ વૈશ્વિક સ્તર પર બહોળા પાયે નુકસાન થયું છે. આ કારણોસર ભારતમાં કંપનીઓએ નાણાકીય વ્યવહાર બંધ કરી દીધા છે. યુદ્ધના કારણે એનર્જીની કિંમતોમાં ઉછાળો આવતાં ભારતીય કરન્સી નબળી પડી ગઈ છે.
નિષ્ણાતો જણાવે છે કે, જિયોપોલિટીકલ અનિશ્ચિતતાઓ અને ભારત કાચા તેલની આયાત પર નિર્ભર હોવાના કારણે ઈક્વિટી માર્કેટમાં અસ્થિરતા જોવા મળી રહી છે.
2022માં ફક્ત ત્રણ આઈપીઓ લોંચ થયા
પ્રાઈમ ડેટાબેઝના મેનેજિંગ ડાયરેક્ટર પ્રણવ હલ્દીયાએ આ અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, સેકન્ડરી માર્કેટમાં તેજી હોય તો જ પ્રાથમિક બજારમાં તેજી જોવા મળે છે. ઓક્ટોબર બાદ બજારમાં ખૂબ જ ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ કારણોસર વર્ષ 2022માં માત્ર 3 IPO લોન્ચ કરવામાં આવ્યા છે.
આ વર્ષે અદાણી વિલ્માર (Adani Wilmar), વેદાંત ફેશન (Vedant Fashion) અને AGS ટ્રાન્ઝેક્ટે (AGS Transact) IPO બહાર પાડ્યા છે. આ IPOથી કંપનીઓએ રૂ. 7,429 કરોડ એકત્રિત કર્યા છે. હલ્દીયાએ 2013ની પરિસ્થિતિ સાથે સરખામણી કરતા આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, SEBIએ મંજૂરી આપેલા રૂ. 80,000 કરોડના IPO અને શેરના ડોક્યુમેન્ટ રજૂ કરનારે ખૂબ જ નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
મોટા આઈપીઓ
મોટી રકમના IPOમાં ગો એરલાઈન્સ (ઈન્ડિયા) લિમિટેડ, API હોલ્ડિંગ્સ લિમિટેડ, Delhivery, એમક્યોર ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ, જેમિની એડિબલ્સ અને ફેટ્સ ઈન્ડિયા લિમિટેડ તથા પેન્ના સિમેન્ટ સામેલ છે. આ કંપનીઓ IPOથી રૂ. 25,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
LICનો મેગા IPO માર્ચના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના હતી. પરિસ્થિતિ જોઈને જણાઈ રહ્યું છે કે, LICનો મેગા IPO આગામી નાણાકીય વર્ષે લોન્ચ થશે. સરકારે આ અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય લીધો નથી. સરકાર ભારતની સૌથી મોટી વીમા કંપનીમાં 5% ભાગીદારી વેચીને રૂ. 75,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
હલ્દીયાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, LICના IPOની કિંમત વધુ હોવાને કારણે આ IPOને ખરીદવા માટે વિદેશી રોકાણકારના સમર્થનની જરૂરિયાત રહેશે. હાલમાં FII તરફથી સતત વેચવાલી કરવામાં આવી રહી છે. જ્યારે ઘરેલૂ રોકાણકાર શેરબજારનું સમર્થન કરી રહ્યા છે.
DSK લીગલના એસોસિએટ પાર્ટનર ગૌરવ મિસ્ત્રીએ જણાવ્યું કે, જિયોપોલિટીકલ પરિસ્થિતિની સાથે સાથે ઈક્વિટી બજારમાં સુધારો થવાને કારણે IPO માર્કેટ પર સારી અસર થઈ છે. બજારમાં મલ્ટીપલ વેલ્યુએશનમાં ઘટાડો થયો છે. આ કારણોસર રોકાણકારો રોકાણ કરતા પહેલા ઘણું વિચારી રહ્યા છે. કંપનીઓ પાસે ઓછી કિંમત પર મૂડી એકત્રિત કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. ઓછુ વેલ્યુએશન રાખવામાં આવે તો રોકાણકારો તેમાં રોકાણ કરી શકે છે અને પ્રાઈમરી માર્કેટમાં મંદીથી બચી શકાય છે. જણાવી દઈએ કે, વર્ષ 2021માં 50 કંપનીઓએ IPO માર્કેટમાંથી રૂ.1.1 ટ્રિલિયન એકત્રિત કર્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર