Home /News /business /અહીં 5 ગ્રામથી 1 કિલો સોનાનું થશે ટ્રેડિંગ, PM મોદી કરાવશે પ્રારંભ

અહીં 5 ગ્રામથી 1 કિલો સોનાનું થશે ટ્રેડિંગ, PM મોદી કરાવશે પ્રારંભ

રોજ 50 હજાર કરોડથી વધુના સોના-ચાંદીનું ટ્રેડિંગ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જુલાઈના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-ગિફ્ટ સિટી ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરશે

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)29 જુલાઈના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-ગિફ્ટ સિટી ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરશે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA)ના મુખ્યાલયનું ભૂમિપૂજન તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને NSE IFSC-SGX કનેક્ટનું લોકાર્પણ કરશે.

રોજ 50 હજાર કરોડથી વધુના સોના-ચાંદીનું ટ્રેડિંગ થશે

ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (india international bullion exchange) ભારતમાં સોના (Gold)ની આયાતનું સૌથી મોટું પ્રવેશદ્વાર બની જશે. અહીં 5 ગ્રામથી લઇને 1 કિલો સુધીના સોનાનું ટ્રેડિંગ થશે. જેમાં શરૂઆતના તબક્કે રોજ 50 હજાર કરોડથી વધુના સોના-ચાંદીનું ટ્રેડિંગ (gold silver trading) થશે. અહીં સોનાની આયત કરી શકાશે, પરંતુ નિકાસ થઇ શકશે નહીં. ગોલ્ડ એક્સચેન્જ બાદ સોનાનો વેપાર સ્ટોકની જેમ શરૂ થશે. નોંધનીય છે કે, હાલના તબક્કે દેશમાં સરેરાશ 7500 કરોડના સોનાનું ટ્રેડિંગ થયા છે.

વિવિધ MoU કરાશે

આ ઉપરાંત IFSCAની નિયમનકારી પહેલ હેઠળ સ્થાપિત GIFT-IFSC સંબંધિત અન્ય મહત્વના માઈલસ્ટોન અંગે અગત્યની જાહેરાતો કરશે. આંતર-નિયમનકારી સહયોગને મજબૂત કરવા માટે સિંગાપોર, લક્ઝમબર્ગ, કતાર અને સ્વીડનની રેગ્યુલેટરી ઑથોરિટી સાથે IFSCA દ્વારા સમજૂતી કરાર (MoU) કરાશે તથા ફિનટેક અને સ્પેસટેકના સમન્વયથી કામગીરી કરવા માટે કેન્દ્ર સરકારના સ્પેસ વિભાગ સાથે પણ MoU કરાશે.

આ કાર્યક્રમ અંતર્ગત ન્યુ ડેવલપમેન્ટ બેંક (NDB) દ્વારા ભારતીય પ્રાદેશિક કાર્યાલય (IRO)ની સ્થાપના કરવામાં આવશે. આ પ્રાદેશિક કાર્યાલય ભારતીય ઉપખંડમાં ન્યુ ડેવલપમેન્ટ બેંકના પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે, જે વિકાસલક્ષી પરિયોજનાઓને ઓળખી તેને નાણાંકીય મદદ પૂરી પાડશે, જેનાથી સરકારી સંસ્થાઓની ક્ષમતામાં વધારો થશે.

વૈશ્વિક વેપાર ધિરાણના નવા વિકલ્પો ખોલશે

આ પ્રસંગે, ત્રણ અગ્રણી બહુરાષ્ટ્રીય બેંકો ડોઇશ બેંક એજી, જેપી મોર્ગન ચેઝ બેંક અને MUFG બેંકના IFSC બેંકિંગ યુનિટ્સ (IBUs)ની કામગીરી શરૂ કરવા અંગેની જાહેરાત કરવામાં આવશે. તેમજ GIFT-IFSCમાં બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર (GIC)ની ક્ષમતામાં વધારા અંગેની જાહેરાત કરાશે. આ કાર્યક્રમમાં IFSCAના નિયમનકારી સેન્ડબોક્સ હેઠળની ચાર કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સિંગ સર્વિસીસ (ITFS) પ્લેટફોર્મના સંચાલન અંગેની જાહેરાત કરાશે. આ પ્લેટફોર્મ GIFT-IFSCમાં વૈશ્વિક વેપાર ધિરાણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે MSMEs અને અન્ય કંપનીઓના વૈશ્વિક વેપાર ધિરાણના નવા વિકલ્પો ખોલશે, જે ભારતની નિકાસ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવશે.

GIFT-IFSCમાં ફિનટેક એન્ટિટીઝ માટે IFSCAના માળખા હેઠળ પાંચ ફિનટેક કંપનીઓના ઉદઘાટન કરીને તેની નિયમનકારી અધિકૃતતાઓ અંગેની જાહેરાત કરવામાં આવશે. આ ફિનટેક કંપનીઓ એગ્રીટેક, ઇન્સ્યોરટેક, ક્વોન્ટમટેક, ડિજિટલ આઇડેન્ટિટી અને બ્લોકચેન આધારિત બિઝનેસ જેવા ક્ષેત્રોમાં નવીન ઉકેલો શોધવા માટે કામ કરશે. તેમજ GIFT-IFSCમાં કામગીરીનું સંચાલન શરૂ કરવા માટે 100થી વધુ બ્રોકર-ડીલરો વતી એસોસિયેશન ઑફ નેશનલ એક્સચેન્જીસ મેમ્બર્સ ઑફ ઇન્ડિયા (ANMI) તથા કોમોડિટી પાર્ટિસિપન્ટ્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા(CPAI) દ્વારા ‘લેટર ઑફ ઇન્ટેન્ટ’ અંગેની જાહેરાત કરવામાં આવશે, જે GIFT-IFSCમાં મૂડી બજારોની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.
First published:

Tags: Business news, Buy gold, GIFT City, Trading