આજથી આ બેંક ATM સેવા કરશે બંધ, જાણો એવા 10 ફેરફાર જેની તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

એટીએમ સેવા (પ્રતીકાત્મક તસવીર)

Changes From 1st October: નવા નિયમોના અમલીકરણથી નાણાકીય, બેન્કિંગ અને શેરબજારો સાથે કામ કરવાની રીત પણ બદલાશે.

  • Share this:
મુંબઈ: 1 ઓક્ટોબરથી ચેકબુક (Cheque book), ઓટો ડેબિટ પેમેન્ટ (Auto Debit Payment), એલપીજી સિલિન્ડર (LPG Cylinder)ના ભાવ અને પેન્શનને લગતા નિયમો બદલાઈ રહ્યા છે. LPG સિલિન્ડર પણ મોંઘો થઈ શકે છે. આ ફેરફારો (Changes From 1st October)ની સીધી અસર તમારા જીવન પર પડશે. એક તરફ આ નવા નિયમો તમને રાહત આપશે. બીજી તરફ કેટલીક બાબતોનું ધ્યાન નહીં રાખો તો તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. નવા નિયમોના અમલીકરણથી નાણાકીય, બેન્કિંગ અને શેરબજારો સાથે કામ કરવાની રીત પણ બદલાશે.

ઘરેલું LPGના નવા ભાવ જાહેર થઈ શકે

પેટ્રોલિયમ કંપનીઓ 1 ઓક્ટોબરે ઘરેલું LPGના નવા ભાવ જાહેર કરી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખીને ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 1,000 સુધી જવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ફરી એકવાર 80 ડોલરની ઉપર પહોંચી ગયું છે. આ સાથે ક્રૂડ ઓઇલ ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધારો થઈ શકે છે.

ત્રણ બેંકોની ચેકબુક

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને અલ્હાબાદ બેંકની જૂની ચેકબુક, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન (MICR) અને ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ (IFSC) અમાન્ય બનશે. અલ્હાબાદ બેંકને ઇન્ડિયન બેંકમાં મર્જ કરવામાં આવી છે. આ ત્રણ બેંકોના ગ્રાહકોને 30 સપ્ટેમ્બર સુધીમાં નવી ચેકબુક લેવાનું કહેવામાં આવ્યું છે.

ઓટો ડેબિટમાં નવો નિયમ

RBIના આદેશ મુજબ બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અથવા મોબાઇલ વોલેટ પર 5,000 રૂપિયાથી વધુના ઓટો ડેબિટ માટે ગ્રાહકો પાસેથી એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનની માંગ કરવી પડશે. આ નિયમ આવતીકાલથી અમલમાં આવશે. જ્યાં સુધી ગ્રાહક મંજૂરી નહીં આપે ત્યાં સુધી ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા મોબાઇલ વોલેટમાંથી ઓટો ડેબિટ નહીં થાય. બેંકો અથવા નાણાકીય સંસ્થાઓએ મંજૂરી માટે ગ્રાહકોને 24 કલાક પહેલા ઓટો ડેબિટ સંદેશા મોકલવા પડશે.

પેન્શન માટે નિયમ

80 વર્ષ કે તેથી વધુ વયના પેન્શનરોને 1 ઓક્ટોબરથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાના રહેશે. સર્ટિફિકેટ દેશની સંબંધિત પોસ્ટ ઓફિસોના લાઇફ પ્રૂફ સેન્ટરોને સુપરત કરવાનું રહેશે. લાઇફ સર્ટિફિકેટ પેન્શનરના અસ્તિત્વનો પુરાવો છે. પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે લાઇફ સર્ટિફિકેટ બેંક અથવા નાણાકીય સંસ્થામાં જમા કરાવવાનું હોય છે.

પોસ્ટલ ATMના નિયમ

પોસ્ટ ઓફિસના ATM અથવા ડેબિટ કાર્ડનો વાર્ષિક મેઇન્ટેનન્સ ચાર્જ 1 ઓક્ટોબર, 2021થી 125 રૂપિયા રહેશે અને GST પણ લાગશે. આ ફી 2022ની 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત પોસ્ટ વિભાગ હવે ડેબિટ કાર્ડ ગ્રાહકો પાસે SMS એલર્ટ માટે વાર્ષિક રૂ.12 જેટલો ચાર્જ લેશે. તેમજ ATM કાર્ડ ખોવાઈ જાય તો બીજું ડેબિટ કાર્ડ મેળવવા માટે 300 રૂપિયા, ATM પિન ખોવાઈ જાય તો ડુપ્લિકેટ પિન મેળવવા 50 રૂપિયા લેવામાં આવશે. આ સાથે હવે 5 ફ્રી ટ્રાન્જેક્શન બાદ રૂ.10 અને GST વસુલવામાં આવશે. મેટ્રો શહેરમાં ફ્રી ટ્રાન્જેક્શનની સંખ્યા 3 અને સામાન્ય શહેરમાં 5 રહેશે.

દિલ્હીમાં દારૂની દુકાનો બંધ રહેશે

કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક્સાઇઝ પોલિસી હેઠળ દિલ્હીમાં આવતીકાલથી 16 નવેમ્બર સુધી દારૂની ખાનગી દુકાનો બંધ રહેશે.

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક ATM સેવા બંધ કરશે

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, બેંક ઓપરેશનલ સમસ્યાઓને કારણે 1 ઓક્ટોબરથી તેની ATM સેવા બંધ કરવા જઈ રહી છે. જોકે, બેંકના ગ્રાહકો અન્ય બેંકોના ATMમાંથી રોકડ કાઢવા સહિત અન્ય સેવાઓ લેવાનું ચાલુ રાખી શકે છે. તેના માટે તેમને કોઈ ફી ચૂકવવી પડશે નહીં. બીજી તરફ પીન જનરેશન, ફંડ ટ્રાન્સફર, મિની સ્ટેટમેન્ટ, બેલેન્સ ઇન્કવાયરી વગેરે ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ દ્વારા કરી શકાશે.

ડિમેટ ટ્રેડિંગ એકાઉન્ટમાં KYC વિગતો અપડેટ કરવી

તા.30 સપ્ટેમ્બર સુધીમાં ડિમેટ અને ટ્રેડિંગ એકાઇન્ટમાં KYC વિગતો અપડેટ કરવાની છે. જેનું પાલન નહીં કરવામાં આવે તો ખાતાધારકોના ટ્રેડિંગ અને ડિમેટ ખાતા નિષ્ક્રિય થઈ જશે અને તેઓ શેરબજારમાં લેવડ દેવડ કરી શકશે નહીં. આ ઉપરાંત રોકાણકારે હવે ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવા માટે નોમિનેશનની જાણકારી આપવી પડશે. રોકાણકાર નોમિનેશન કરવા માંગતો ન હોય તો તેણે ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે.

ફૂડ બિલ પર FSSAI નોંધણી નંબર લખવો આવશ્યક

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAIએ તમામ ખાદ્ય વિક્રેતાઓને 1 ઓક્ટોબર સુધીમાં નોંધણી કરવા નિર્દેશ આપ્યો છે. હવે માલના બિલ પર FSSAIનો નોંધણી નંબર લખવો ફરજિયાત કરવામાં આવશે. ઉપરાંત દુકાન - રેસ્ટોરન્ટના ડિસ્પ્લેએ જણાવવું પડશે કે, તેઓ કયા ખોરાકનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રાહકોને બિલ પર FSSAIનો નોંધણી નંબર ન આપવા બદલ દુકાનદાર સામે કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો:  આશિષ કચોલિયાના આ શેરમાં આ વર્ષે જોવા મળી 280% તેજી, શું તમારી પાસે છે? 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નિયમ

માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં કામ કરતા જૂનિયર કર્મચારીઓને એસેટ અંડર મેનેજમેન્ટ લાગુ પડશે. એટલે કે, 1 ઓક્ટોબર, 2021થી એમએસસી કંપનીઓના જૂનિયર કર્મચારીઓએ તેમના પગારના 10 ટકા મ્યુચ્યુઅલ ફંડ યુનિટમાં રોકાણ કરવું પડશે. 1 ઓક્ટોબર, 2023 સુધીમાં તબક્કાવાર તે પગારના 20 ટકા થઈ જશે.
Published by:Vinod Zankhaliya
First published: