લાંબા સમયથી ભુજ એરપોર્ટથી વિમાની સેવા વધારવા માંગ કરાઈ રહી હતું તે વચ્ચે શુક્રવારથી શરૂ થયેલી ભુજ બેલગામ વાયા અમદાવાદ ફ્લાઇટ સપ્તાહમાં પાંચ દિવસ સેવા આપશે.
Dhairya Gajara Kutch: દેશના પશ્ચિમી ખૂણે આવેલો કચ્છ જિલ્લાએ (Kutch District) પરિવહનની દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી છે. આજે અહીં માર્ગ પરિવહન ઉપરાંત રેલ પરિવહન (Railways in Kutch) અને હવાઈ પરિવહન (Kutch Flights) પણ સારી રીતે વિકસ્યું છે. તો સમયની સાથે હવાઈ સેવામાં વધારાની માંગ પણ થતી આવે છે. ભુજથી મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં વચ્ચેની સેવા વધારવા સતત પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે શુક્રવારે ભુજથી અમદાવાદ સુધી પ્લેન (Bhuj Ahmedabad Flight) સ્ટાર એર (Star Air) કંપની દ્વારા શરૂ કરાયું હતું.
કચ્છમાં ઉદ્યોગો વધતા અને કચ્છીઓ પણ દેશ વિદેશના વિવિધ ખૂણાઓ પર સ્થાયી થતાં ભુજથી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા મથકોને જોડતી ફ્લાઇટમાં વધારો કરવાની માંગ સતત થતી આવે છે. તેવામાં કંડલા એરપોર્ટ શરૂ થયા બાદ ભુજ એરપોર્ટ પર હવાઈ સેવા દિવસે ને દિવસે ઓછી થતી હતી. દૈનિક ઉડાન ભરતી ભુજ મુંબઈની ફ્લાઇટ પણ હાલ અઠવાડિયામાં માત્ર ચાર જ દિવસ કાર્યરત છે તો દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઇટ શરૂ કરવા પણ અનેક રજૂઆતો થઈ હતી.
પણ આખરે સ્ટાર એર કંપની દ્વારા અગાઉ કરેલી જાહેરાત મુજબ આજ ભુજથી અમદાવાદ અને ત્યાંથી બેલગામ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. શુક્રવારે બપોરે 12 વાગ્યે ફ્લાઇટ અમદાવાદથી ભુજ પહોંચી હતી અને બાદમાં 12.30 વાગ્યે પરત અમદાવાદ માટે રવાના થઈ હતી. 50 સીટર એમ્બેરર એરક્રાફ્ટ અઠવાડિયામાં પાંચ દિવસ સેવા આપશે. સોમવાર તેમજ બુધવારથી શનિવાર આ ફ્લાઇટ અમદાવાદથી ભુજ આવશે તો તે જ દિવસે પરત અમદાવાદ પણ જશે. તો સાથે જ બેલગામ સુધી જનારી આ ફ્લાઇટમાં ભુજના લોકો બેલગામ સુધીનું પ્રવાસ પણ કરી શકશે.
તો બેલગામ એરપોર્ટથી ગોવા માત્ર 104 કિલોમીટરના અંતરે હોતાં, યુવાનોનું મનપસંદ પર્યટન સ્થળ પણ હવે ભુજથી નજીક પડશે. આ પહેલા લોકોને ગોવા જવા અમદાવાદ સુધી પ્રવાસ કરી ત્યાંથી ફ્લાઇટ લેવી પડતી હતું જે હવે ભુજથી જ ફ્લાઇટ દ્વારા બેલગામ પહોંચી ત્યાંથી માત્ર 104 કિલોમીટરનું પ્રવાસ કરી પહોંચી શકાશે.
ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા એરલાઇન્સના સમર શેડ્યુલ માટે ત્રણ એરલાઇન્સ કંપનીઓએ ભુજથી ફ્લાઇટ શરૂ કરવામાં રસ દાખવ્યું હતું. પણ અનેક કારણસર તેમાંથી અંતે માત્ર એક જ કંપનીએ ફ્લાઇટ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જો કે, ભુજથી મુંબઈ અને અમદાવાદ જનારા લોકોની મોટી સંખ્યા સામે એક 50 સીટર ફ્લાઇટ પૂરી પડે તેમ નથી પણ નિષ્ણાતોનું માનવું છે કે જો આ ફ્લાઇટને સારી સફળતા મળશે તો અન્ય કંપનીઓ પણ નફો કમાવવા આ રૂટ પર પોતાની ફ્લાઇટ શરૂ કરી શકે છે.