તળાજા ચૂંટણી પરિણામ (Talaja Election Results) : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (gujarat assembly election 2022) પડઘમ વાગી રહ્યા છે. નવી સરકાર બનાવવા માટે ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) આમ આદમી પાર્ટી (AAP) સહિત રાજકીય પક્ષ મેદાનમાં ઉતર્યા છે. ભાવનગર જિલ્લાની તળાજા વિધાનસભા બેઠકની વાત કરીએ તો ભાજપના ગઢમાં કોંગ્રેસે ગત ચૂંટણીમાં મોટુ ગાબડું પાડ્યું છે. છેલ્લા વીસથી ભાજપની જીત સામે કોંગ્રેસે ગત ચૂંટણીમાં બ્રેક મારી છે. જેને પગલે આગામી ચૂંટણી 2022 (Election 2022) ભારે રસાકસી ભરી બની શકે છે. આવો જાણીએ તળાજા બેઠક પરના રાજકીય સામાજિક સમીકરણો.
તળાજા વિધાનસભા બેઠક
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં તળાજા આવેલું છે, જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીને કાંઠે વસેલું છે. તળાજા એ તળાજા તાલુકાનું મુખ્ય મથક પણ છે. તળાજા ગુજરાતના જાણીતા સંત કવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા હતાં. પ્રાચીનકાળમાં તળાજા "તાલધ્વજ" નામથી પણ ઓળખાતું હતું.
100 તળાજા, 2 લાખથી વધુ મતદાર
ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી તળાજા વિધાનસભા 100 નંબરની બેઠક છે. આ વિધાનસભા બેઠક અંતર્ગત તળાજા તાલુકા અને ધોધા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. તળાજામાં કુલ મતદારોની સંખ્યા 2,04,794 છે, જેમાં 95,895 મહિલા અને 1,08,899 પુરૂષ છે. સમગ્ર તળાજા વિધાનસભામાં કુલ 237 મતદાન મથકો છે.
તળાજા એટલે ગુફાઓનું નગર
અહીં જોવા લાયક સ્થળોમાં તળાજાની ગુફાઓ અને જૈન મંદિરોનો સમાવેશ થાય છે. અહીં ટેકરીની ઉત્તર અને પશ્ચિમ બાજુએ બૌદ્ધ સ્પાથત્ય શૈલીમાં કંડારેલી તળાજા ગુફાઓ આવેલી છે. આમાંની એક ગુફા, જેને એભલ મંડપ તરીકે ઓળખવામાં આવે છે, આ એભલ મંડપ એભલ વાળાના નામથી ઓળખાતો હોવાનું મનાય છે. આ ગુફાઓ ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરાયેલા છે.
12મી સદીનું જૈન મંદિર પણ જાણીતું
આ સિવાય અહીં જૈન મંદિરો પણ આવેલા છે. માનવામાં આવે છે કે જૈન મંદિરની સ્થાપના કુમારપાળે 12મી સદીમાં કરી હતી. આ જૈન મંદિર ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરાયું છે.
બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ
કોળી સમાજના 68 હજાર મતદારો તળાજા બેઠક પર વર્ચસ્વ ધરાવે છે. આ સાથે જ બ્રાહ્મણ મતદારોનુ પણ અહીં વર્ચસ્વ જોવા મળે છે. 30 હજાર બ્રાહ્મણ મતોનું આ બેઠક પર પ્રભુત્વ છે. ઉપરાંત 14 હજાર ક્ષત્રિય મતો 20 હજાર આહિર મતોનું આ બેઠક પર પ્રભુત્વ છે.
તાળાજા બેઠક પર હારજીતના સમીકરણ
વર્ષ
વિજેતા ઉમેદવારનુ નામ
પક્ષ
2017
કનુભાઈ બારૈયા
INC
2014
શિવાભાઈ ગોહિલ
BJP
2012
શિયાળ ભારતીબેન
BJP
2007
મકવાણી ભાવનાબેન
BJP
2002
શિવાભાઈ ગોહિલ
BJP
1998
શિવાભાઈ ગોહિલ
BJP
1995
શિવાભાઈ ગોહિલ
BJP
1990
ડાભી નટુભાઈ
JD
1985
વાજા ભદ્ર્સિંહ
INC
1980
બળદિયા ધનજીભાઈ
INC
1975
ગીગાભાઈ ગોહિલ
INC
1972
મહાસુખરાઈ ભાઈ
INC
1967
એસ કે ગોહિલ
SWA
વિધાનસભા ચૂંટણી 2017, કોંગ્રેસની જીત
2017 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તળાજા વિધાનસભા બેઠક પર ભાજપે ગૌતમભાઈ ચૌહાણ અને કોંગ્રેસે કનુભાઈ બારૈયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર કોંગ્રેસના કનુભાઈ મથુરામભાઈ બારૈયાએ જીત મેળવી હતી. તેમણે 66862 મત મેળવીને ભાજપના ગૌતમભાઈ ચૌહાણને હરાવ્યા હતા.
તળાજા બેઠક પર ભાજપને મળી વધુ જીત
આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ જ કારણ છે કે 1995થી અત્યાર સુધી ભાજપ અહીં એક પણ ચૂંટણી હારી નથી. 2014માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના શિવાભાઈ જેરામભાઈ ગોહિલનો કોંગ્રેસના પ્રવિણભાઇ સામે 9223 મતની લીડથી વિજય થયો હતો.
તળાજા બેઠક પર સમસ્યા
ભાવનગર જિલ્લાના તળાજા વિધાનસભા મત વિસ્તારમાં લાંબા સમયથી પાણીની સમસ્યા હોવાની રાવ છે.
પાણીની સમસ્યાને લઈ ધારાસભ્ય કનુ બારૈયાએ જળસંપત્તિ મંત્રીને પત્ર લખી પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાની રજૂઆત કરી હતી.
ધારાસભ્યે પાણીના પ્રશ્નનો જલદી ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ભાવનગર જિલ્લાના તળાજા સરકારી હોસ્પિટલ કાર્યરત થયા ને ચાલીસ વર્ષ થયાં. છતા એમ.ડી કક્ષાના ડોકટર ની સુવિધા નથી.
આ સિવાય અહીં ડ્રેનેજ ની સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાની સમસ્યા મુખ્ય છે.
આ ઉપરાંત અહીં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાની પણ ફરિયાદો ઉઠવા પામે છે.
તાળાજા બેઠક પર વિવાદ
ભાવનગરના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પેપર ચોરાયાની તેમજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં હિન્દીનું પેપર પણ ફરતું થયાની રાવ ઉઠી હતી. જેના ઘેરા પડઘા પડ્યા હતા. સમસ્યાઓ અને વિવાદ વચ્ચે આગામી ચૂંટણીમાં મતદારો કોના પર પસંદગી ઉતારે છે એતો સમય જ બતાવશે.