Dhruvik gondaliya Bhavngar: ભાવનગરમાં શામળદાસ કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓ દર શનિવારે ભાવનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોની મુલાકાત લઈને તેનો પરિચય પ્રાપ્ત કરે છે જે અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ શાંતિલાલ શાહ હાઇસ્કુલ(આલ્ફ્રેડ સ્કૂલ)ની ભાવનગર હેરિટેજ પ્રોગ્રામ અંતર્ગત મુલાકાત લીધી હતી. ભાવનગર એ સંસ્કારી નગરી છે આ નગરના ગૌરવપ્રદ સંસ્કાર વારસાના નિર્માણમાં ભાવનગરના પ્રજાવત્સલ શાસકો, પ્રજા સેવક દીવાનો અને ભાવનગરના લોકોનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે.
19 મી સદીમાં ભાવનગરના શિક્ષણ સંસ્કાર વારસાના વિકાસમાં આલ્ફ્રેડ હાઇસ્કુલ, માજીરાજબા કન્યાશાળા, શામળદાસ કોલેજ અને બાર્ટન લાઈબ્રેરીનો મહત્વનો ફાળો રહ્યો છે. આ શિક્ષણ વારસાના વિકાસ માટે ભાવનગરના શાસકોએ સુંદર અને ભવ્ય ઈમારતો બંધાવી હતી જે આજે પણ ભાવનગરના સુંદર સ્થાપત્ય આભૂષણો સમાન છે. વિદ્યાર્થીઓ આ શિક્ષણ વારસા અને સુંદર સ્થાપત્યનો પરિચય મેળવે, તેનો પ્રચાર યુવાઓમાં થાય, તેના જતન અને વિકાસની જાગૃતિ આવે એ ઉદ્દેશ્યથી કોલેજના વિદ્યાર્થીઓએ શાંતિલાલ શાહ હાઇસ્કુલ(આલ્ફ્રેડ સ્કૂલ)ની મુલાકાત લીધી હતી અને આલ્ફ્રેડ હાઈસ્કૂલની સ્થાપના અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી.
આ તકે શાંતિલાલ શાહ હાઇસ્કુલના આચાર્ય મયુરભાઈ જાનીએ હાઈસ્કૂલના ઇતિહાસ અને પ્રવૃત્તિઓ અંગેની જાણકારી આપી હતી. આ ઉપરાંત કોલેજના આચાર્ય ડો. જયવંતસિંહ ગોહિલ, વિભાગના અધ્યક્ષ ડો. લક્ષ્મણ વાઢેર એ મુલાકાતી વ્યાખ્યાતાઓ પવન જાંબુચા, વિજય કંટારીયા, રઘુવીરસિંહ પઢિયાર, દિવ્યજીતસિંહ ગોહિલ સહિતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.