Home /News /bhavnagar /PM Modi Gujarat Visit- ભાવનગરનો આ પોર્ટ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં રોજગારીની સેંકડો તક આપશે: ભાવનગરમાં પીએમ મોદી

PM Modi Gujarat Visit- ભાવનગરનો આ પોર્ટ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં રોજગારીની સેંકડો તક આપશે: ભાવનગરમાં પીએમ મોદી

પીએમ મોદી

PM Modi in Bhavnagar: આ કાર્યક્રમની છેલ્લા પંદર દિવસથી ભાવનગરમાં તૈયારીઓ ચાલતી હતી અને હાલ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે

ભાવનગર: વડાપ્રધાન આજે સુરતમાં કાર્યક્રમો પતાવીને ભાવનગર ખાતે આવ્યા છે. તેઓ ભાવનગરમાં સવા કલાક રોકાશે. જે દરમિયાન રોડ શો કરવામાં આવી રહ્યો છે. આ સાથે ભાવનગરમાં પણ જાહેરસભા સંબોધશે. વડાપ્રધાનના હસ્તે સીએનજી ટર્મિનલ સહિતના 6.50 હજાર કરોડના કામના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ભાવનગરની મારે ક્ષમા માંગવી છે કે, અહીં હું કેટલાય વર્ષ પછી આવ્યો છું. દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ પુરા કરી રહ્યો છે ત્યારે ભાવનગર સ્થાપનાના 300 વર્ષ પુરા કર્યા છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, 300 વર્ષની આ સફરમાં ભાવનગરે સતત વિકાસ કર્યો છે, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે પોતાની ઓળખ બનાવી છે. ભાવનગર દરિયા કિનારે આવેલો જિલ્લો છે. ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે. પરંતુ આઝાદી પછીના દાયકાઓમાં દરિયાકાંઠાના વિકાસ તરફ ધ્યાન આપવામાં ન આવતાં આ વિશાળ દરિયાકિનારો લોકો માટે એક પ્રકારનો મોટો પડકાર બની ગયો હતો.

પીએમ મોદીના જણાવ્યા પ્રમાણે, ભાવનગરનો આ પોર્ટ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવશે અને રોજગારીના સેંકડો નવા અવસર અહીં બનશે. અહીં ભંડારણ, ટ્રાન્સપોર્ટેશન અને લોઝિસ્ટિક્સ સાથે જોડાયેલ વેપાર ધંધાનો વિસ્તાર વધશે. આજે ગુજરાતની કોસ્ટ લાઇન, દેશના આયાત નિર્યાતમાં ઘણી મોટી ભૂમિકા નિભાવવા સાથે જ લાખો લોકોના રોજગારનું માધ્યમ પણ બન્યું છે. આજે ગુજરાતની કોસ્ટલાઇન, Renewable energy અને Hydrogen ecosystem નો પર્યાયી બનીને ઉભરી રહ્યું છે.

આ પણ વાંચો: પીએમ મોદીએ સંબોધનમાં જ કર્યા સુરતના જમણના વખાણ

તેમણે વધુમાં જણાવ્યુ કે, એક તરફ વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો વધી રહ્યો છે અને બીજી તરફ વિશ્વ કન્ટેનરના ભરોસાપાત્ર સપ્લાયરની શોધમાં છે. આખી દુનિયાને લાખો કન્ટેનરની જરૂર છે. ભાવનગરમાં બનેલ કન્ટેનર આત્મનિર્ભર ભારતને ઉર્જા આપશે અને અહીં રોજગારીની નવી તકો પણ ઉભી કરશે.

આ પણ વાંચો: ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં સુરત સમગ્ર દેશમાં અગ્રેસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ભાવનગર એરપોર્ટ ખાતે આવશે. એરપોર્ટથી મહિલા કોલેજ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. તેઓ જવાહર મેદાન ખાતે સ્ટેજ પર પહોંચી જશે અને ત્યારબાદ લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન જનસભા સંબોધશે અને ત્યારબાદ તેઓ એરપોર્ટ જવા રવાના થશે. તેમ સરકારી સુત્રોએ જણાવ્યુ છે.



આ કાર્યક્રમની છેલ્લા પંદર દિવસથી ભાવનગરમાં તૈયારીઓ ચાલતી હતી અને હાલ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ સરકારી તંત્ર વડાપ્રધાનના કાર્યક્રમને લઈ સજ્જ થઈ ગયુ છે અને કાર્યક્રમમાં તેમજ સુરક્ષામાં ચુક ના રહે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : પીએમ મોદીએ કર્યા સુરતના જમણના વખાણ

મહેમાનો અને આવનાર જનમેદનીને બેસવા માટે કુલ 8 લાખ ચોરસ ફુટમાં ડોમ બાંધવામાં આવ્યો છે. જેમાં 6,50,000 ફૂટનો મુખ્ય જર્મન ડોમ અને તેની બાજુની બંને સાઇડમાં કુલ 1,50,000 ચો.ફુટમાં બીજા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો માટે ડોમમાં 1800 પંખા, 60 એલ.ઇ.ડી. લગાવવામાં આવી છે. જેથી બેઠા બેઠા જ લોકો જોઇ શકે. આ એલ.ઇ.ડી. સ્ક્રિન પણ મોટા લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ટેન્ટ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જવાહર મેદાનના કુલ 24,74,000 ચો.ફુટમાં બેસવા, પાણી, સેનિટેશન અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
First published:

Tags: ગુજરાત, ગુજરાત પ્રવાસ, ભાવનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો