Dhruvik gondaliya,Bhavnagar: આજના યુગમાં માણસને બીજા માણસ માટે સમય રહ્યો નથી, દરેક વ્યક્તિ પોતપોતાના કામમાં એટલા વ્યસ્ત થઇ જાય છે કે આપણી આસપાસ રહેતા જરૂરિયાતમંદ લોકો નજરે પડતા નથી, આ એવા લોકો છે જેઓને ટકનું ભોજન પણ મેળવવું મુશ્કેલ હોય છે. જો કે આવા લોકોની મદદ વિવિધ સેવાકીય સંસ્થાઓ કરી રહી છે. આ સંસ્થાઓ બે ટકના ભોજનની વ્યવસ્થા કરી આપે છે. આવી જ એક સંસ્થા મહુવામાં આવેલી છે. જે છેલ્લા દશ વર્ષથી આ સેવા કરી રહી છે. શહેરમાં ક્યાંય કોઇ વ્યક્તિ ભૂખ્યું ન રહે તે માટે સંસ્થાની ગાડી ફરતી રહે છે અને ભૂખ્યાને ભોજન કરાવે છે.
મહુવા શહેરમાં છેલ્લા દસ વર્ષથી કાર્યરત એક એવી સંસ્થા કે રોજે હજારો નિરાધાર લોકોને જમવાનું પહોંચાડે છે. આ સંસ્થા દ્વારા મહુવા શહેરમાં આવેલા સરકારી કે અર્ધસરકારી દવાખાનાઓ તેમજ શહેરમાં ફૂટપાથ પર રહેતા હોય કે માનસિક રીતે વિકલાંગ નિરાધારલોકોને બે ટકનું ભોજન કરાવે છે.
એટલું જ નહીં જરૂરિયાતમંદ લોકો સુધી સંસ્થાના વાહન દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે. આ સંસ્થા દ્વારા માત્ર એક જ ટાઈમ ભોજન નહીં પરંતુ બપોરે અને સાંજે ભોજન પીરસવામાં આવે છે. સાથે સાથે વૃદ્ધ અશક્ત હોય તેવા 65 જેટલા પરિવારોને પણ આ સંસ્થા બપોરે અને સાંજે જમવાનું ઘરે પહોંચાડે છે.
આ સંસ્થાના સંચાલક જશુભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે અમારે ત્યાં બનાવવામાં આવતું ભોજન સાદુ અને સાત્વિક હોય છે. સાથે આ સંસ્થા દ્વારા હિન્દુ ધર્મમાં આવતા તહેવારોમાં જરૂરિયાત મંદ લોકોને મીઠાઈ ફરસાણ જેવી વાનગીઓ પણ પીરસવામાં આવે છે. જો કોઈ પરિવારમાં મૃત્યુ થયું હોય તેવા પરિવારને એક દિવસ આ સંસ્થા તરફથી ભોજન પીરસવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દર મહિને ભોજન બનાવવા માટે 40 ડબા તેલ, 125 મણ ઘઉં, 50 મણ ચોખા, 120 મણ શાકભાજી તથા મરી મસાલાનો ઉપયોગ થાય છે.
અહીં 11 જેટલા સ્ટાફના માણસો દ્વારા રસોઈ કરવામાં આવે છે. રસોઈ કામ કરતા વ્યક્તિઓને રોજની રોજમદારી પણ આપવામાં આવી રહી છે. આ સંસ્થામાં ચાર જેટલા વાહનો છે જે ભૂખ્યાને ભોજન પહોંચાડે છે. વિશ્વમાં કોરોનાની વૈશ્વિક મહામારીમાં વિકટ પરિસ્થિતિમાં આ સંસ્થાએ મહુવાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં 1.50 લાખ લોકોને ભોજન કરાવ્યું હતું.
આ ભગીરથ કાર્યમાં દરેક સમાજના લોકોએ આ સંસ્થાને આર્થિક યોગદાન આપ્યું હતું. એટલું જ નહીં જાણીતા કથાકાર મોરારીબાપુ દ્વારા 1,51,000 જેવી રકમ આપવામાં આવી હતી. આવી વિકટ પરિસ્થિતિમાં કામ કરવા બદલ ભૂખ્યાને ભોજન સંસ્થાને તેમજ સંચાલન કરનાર જશવંતભાઈ ધોળકિયાને સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Mahuva, Organization, ભાવનગર