મહુવા: તાલુકાનાં બારતાડ ગામમાં 40 વર્ષની પરિણીતાએ 20 વર્ષનાં પ્રેમી સાથે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ પ્રેમીપંખીડા છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધમાં હતા તેવી પણ માહિતી સામે આવી રહી છે. આ અંગે મહુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતીએ, મહુવા તાલુકાના કરચેલીયા ગામમાં કોળીવાડ ફળિયામાં રહેતી 44 વર્ષની પરણીતા લીનાબેન ચંદ્રકાન્તભાઈ પટેલને ફળિયામાં જ રહેતા 20 વર્ષના યુવાન આરતીશભાઈ મોહનભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પોતાનાથી અડધી ઉંમરના યુવાન સાથે પરિણીતાને પ્રેમ હોવાની વાતની ચર્ચા આખા વિસ્તારમાં થતી હતી.
આ બંનેએ શનિવારના રોજ બપોરે 12 કલાકની આસપાસ બારતાડ ગામની ગૌચરની જમીનમાં આવેલા બાવળના ઝાડ સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું છે. જેના કારણે બંનેના પરિવાર સ્તબ્ધ થઇ ગયા છે.
વિસાવદરમાં થોડા દિવસો પહેલા જ આવી ઘટના સામે આવી હતી. સગીર પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બંન્ને સગીર પ્રેમી પંખીડાએ પોતે એક ના થવાના હોય અંતિમ પગલુ ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ સગીર જોડાએ વિસાવદરમાં આવેલી એક વાડીમાં સજોડે ગળાફાંસા ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. વિસાવદરમાં ખોડીયાર પરામાં રહેતા હરીભાઇ રામભાઈ પરમારની દીકરી (ઉ.વ. 17) તેમજ વિસાવદરના જુના બસ સ્ટેન્ડ નજીક રહેતા સૂજલ (ઉ.વ 17) બન્ને એ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.