ભાવનગર: જિલ્લાના જેસર તાલુકાના ભાણવડીયા ગામે મજુરી કામે જતી યુવતી પર એકતરફી પ્રેમમાં પાગલ ગામના જ યુવાને હત્યા કરી નાંખી. યુવાને રસ્તામાં જ યુવતીને આંતરી લોખંડની પાઇપ ફટકારી હત્યા કરી નાસી છુટ્યો હતો. થોડા સમયમાં જ જેસર તાલુકામાં બીજી હત્યા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઘટનાની વિગતો મુજબ જિલ્લાના જેસર તાલુકાના ભાણવડીયા ગામે રહેતી ચંદ્રિકાબેન મનુભાઇ ગોહેલ (ઉ.વ.૨૩) તથા તેની સાથે ચારેક યુવતીઓ આજે સવારે તેઓના ઘરેથી મજુરી કામે જવા નીકળી હતી. ત્યારે રસ્તામાં જ અશ્વીન ચુડાસમા નામનો ગામનો જ યુવાન ચંદ્રિકાના એકતરફી પ્રેમમાં પાગલ હતો. તેણે યુવતીઓનો રસ્તો આંતરી તેની પાસે રહેલા લોખંડના પાઇપ વડે યુવતીઓને મારવા લાગ્યા હતા. આ દરમિયાન બે યુવતીઓને ઇજા થઇ હતી. જ્યારે ચંદ્રિકાને માથાના તથા છાતીના ભાગે લોખંડના પાઇપ ફટકારી હત્યા કરી નાસી છુટ્યો હતો.
યુવતીઓ પર થયેલા અચાનક હુમલાથી સાથે રહેલી બહેનપણીઓ ડઘાઇ ગઇ હતી. બનાવ અંગે તરત જ ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. આ અંગે પોલીસને જાણ કરાતા મહુવા તાંબાના મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જરૂરી કાગળો તૈયાર કરી યુવતીની લાશને પી.એમ. અર્થે મહુવા હોસ્પિટલ ખસેડાઇ હતી. બનાવ અંગે મૃતક યુવતીની સાથે રહેલી અન્ય યુવતીઓએ ઘટના અંગેનું મીડિયા સમક્ષ વર્ણન કર્યું હતું.
મૃતક યુવતીની સાથે રહેલી યુવતીના જણાવ્યા પ્રમાણે, અશ્વીન નામનો શખ્સ છેલ્લા કેટલાય દિવસથી ટોર્ચર કરતો હોવાનું પણ જણાવ્યું હતું. આ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.