Home /News /bhavnagar /Bhavnagar: દેશી ઢોલની આ વાત તમને નહીં ખબર હોય, ખુબ જ રોચક છે આ માહિતી!

Bhavnagar: દેશી ઢોલની આ વાત તમને નહીં ખબર હોય, ખુબ જ રોચક છે આ માહિતી!

X
હજુ

હજુ ઘણા પરિવારોમાં ઢોલ અને શરણાઈનું મહત્વ જળવાઇ રહ્યું છે

અનેક પરિવારો એવા છે કે જે લોકો લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડીજે સાઉન્ડ સિસ્ટમ આવી જતા લગ્નમાં હવે ડીજેની માંગ વધુ હોવાથી ઢોલ વાદક પરિવારને કોઈ બોલાવતું નથી

    Dhruvik gondaliya Bhavngar :  ભારતીય સંગીતના પ્રાચીન ગ્રંથોમાં ૩૬ પ્રકારના વાદ્યોનો ઉલ્લેખ મળે છે એમાંનું મહત્ત્વનું વાદ્ય ઢોલ છે. ઢોલ આદિકાળથી મેદાની વાદ્ય રહ્યું છે. સમૂહગાન, સંઘનૃત્ય, સવારી અને યુધ્ધમાં ઉપયોગમાં લેવાતા ઢોલથી વધુ સારું વાદ્ય વિશ્વભરમાં આજેય શોધાયું નથી. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઢોલ પર વાગતા વિવિધ તાલ ભારતથી માંડીને રશિયા અને હંગેરી સુધી એકસરખા વાગતા જોવા મળે છે.

    ભારતીય લોકસંગીતમાં જેટલું સ્વર વૈવિધ્ય છે, લોકનૃત્યમાં જેટલું પદચલનનું નર્તન વૈવિધ્ય છે એટલું જ નાદ વૈવિધ્ય લોકવાદ્ય ઢોલ ધરાવે છે. રણવાદ્ય ઢોલ-નગારાં લડાઇમાં વપરાતાં હોવાના પુરાવા ખજુરાહોના શિલ્પોમાં મળે છે.લગ્નની સિઝન આવે એટલે લોકોને ઢોલ અને શરણાઈ સુરની યાદ આવે. એક દાયકા પહેલા જ્યારે કોઈના ઘરે લગ્ન પ્રસંગ આવતો ત્યારે અઠવાડિયા અગાઉથી જ ઢોલીને બુક કરાવી લેતા અને દરરોજ સવાર-સાંજ ઢોલી તથા શરણાઇ વાળા આવી ઢોલ વગાડી જતા અને લગ્નમાં મામેરુ, ફુલેકુ તેમજ પસ-પીઠીમાં પણ ઢોલ વગાડવાનું ચલણ હતુ જેનું સ્થાન હવે ડીજેએ લઈ લીધું છે.


    ગામડામાં તો હજુ આ પ્રથા મહદંશે શરૂ છે પરંતુ શહેરમાં ઢોલ અને શરણાઈનું ચલણ ખૂબ જ ઓછુ થઈ જવા પામ્યું છે જોકે હજુ ઘણા પરિવારોમાં ઢોલ અને શરણાઈનું મહત્વ જળવાઇ રહ્યું છે

    ભાવનગર જિલ્લામાં અનેક પરિવારો એવા છે કે જે લોકો લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડીજે સાઉન્ડ સિસ્ટમ આવી જતા લગ્નમાં હવે ડીજેની માંગ વધુ હોવાથી ઢોલ વાદક પરિવારને કોઈ બોલાવતું નથી. જેથી ઢોલ વગાડી પરિવારનું ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે કેટલાક વાલ્મિકી પરિવાર ઢોલ વગાડવાનો વ્યવસાય છોડી અન્ય મજૂરી કરવા લાગ્યા છે અને લગ્ન પ્રસંગમાં વર્ષો જૂની દેશી ઢોલ વગાડવાની પ્રથા હવે લુપ્ત થઈ રહી છે.

    અમારો રોજગાર છીનવાયો...

    આ બાબતે ઢોલી મુન્નાભાઈ જેન્તીભાઈ બેરડીયા એ જણાવ્યું હતું કે લગ્ન હોય ત્યારે અમારે સતત ત્રણ કે ચાર દિવસ સુધી ઢોલ વગાડવા જવું પડતું તેમાં પણ રાત જગાની રાતે આખી રાત ઢોલ વગાડવો પડતો પણ તેથી અમને રોજી-રોટી પણ મળી રહેતી હતી પરંતુ હવે ડીજેનો.ઉપયોગ થવા લાગતા અમારે પરિવારનું ગુજરાન ચલાવવા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

    ઢોલના વિવિધ અંગોના નામ

    1. કંધરોટી કે દોરી.- ઢોલને ખભે ભરવવા માટે વપરાતી સૂતરની પાટી.

    2. ચાક- સૂતરની પાટીને લાંબી-ટૂંકી કરવા માટે વપરાતું ગામઠી બકલ

    3. બિચસાર- ઢોલના લાકડાના મધ્યભાગમાં સુશોભન માટે જડવામાં આવતી પટ્ટી.

    4. ત્રિદેવ- બિચસારની પિત્તળની પટ્ટીના બે છેડા એક ઈંચ જેટલા દોઢવીને તેના પર મારવામાં આવતી તાંબાની ત્રણ ખીલીઓ જેને ત્રિદેવ તરીકે ઓળખવામાં આવે છે.

    5. કાઠી કે ગજરો – ચામડાની પડીને ગોળાકાર પકડી રાખવા માટે વાંસની ચીપમાંથી ઢોલના મુખના માપનું વર્તુળ.

    6. પડી અને ઘર-  ઢોલના જમણી બાજુના સ્હેજ પહોળા મુખને નર કહે છે. આ નર તરફની બાજુએ ભેંસના ચામડાની પડી અને ડાબી બાજુ માદા પડી માટે બકરાનું સ્હેજ પાતળુ ચામડું વાપરવામાં આવે છે. આ બંને પડીઓ ઢોલના લાકડાના મુખ પર દોરીથી ખેંચાઇને બરાબર બંધબેસતી રહે એ માટે પડીઓમાં બાર કાણાં પાડવામાં આવે છે જેને ‘ઘર’ કહે છે.

    7. દોરી- ઘરમાં પરોવવામાં આવતી સૂતરની જાડી દોરી
    First published: