Dhruvik gondaliya Bhavngar: હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ સેન્ટર ગાંધીનગર તરફથી રાજ્યકક્ષાનો અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ માટે મહુવા ભાવનગરના શિક્ષક દંપતિ શીતલ ભટ્ટી અને રમેશ બારડ પસંદગી પામ્યા છે. ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વ્યક્તિઓનું યોગ્ય સન્માન થાય તે હેતુથી ‘હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિચર્સ સેન્ટર' નામે 'અતૂલ્ય વારસો’ સંસ્થા દ્વારા ગુજરાતમાંથી પ્રતિભાવંત અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા પ્રભાવકોનું સન્માન કરવા માટે અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2022 જાહેર કરવામાં આવેલા છે.
સમગ્ર ગુજરાતમાંથી 86 વ્યક્તિઓ પસંદ થયા છે, તેમાં ભાવનગર પ્રતિભાવંત જિલ્લાના ચાર વ્યક્તિઓમાંથી મહુવાના રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટીને રમકડાં દ્વારા શિક્ષણમાં નવી પહેલ માટે પસંદ થયા છે. તેઓને આગામી તા.25 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે અતિથિવિશેષોની ઉપસ્થિતિમાં એવોર્ડ આપવામાં આવશે. આ વિશિષ્ટ એવોર્ડ સમગ્ર ભાવનગર જિલ્લાના શિક્ષણ જગત માટે ગૌરવ સમાન છે. શિક્ષક દંપતિએ આ શિક્ષણમાં અવનવા પ્રયોગો શિક્ષણ કરીને વિદ્યાર્થીઓને પ્રત્યે આકર્ષિત કરવામાં સફળતા મેળવતા એવોર્ડ જાહેર કરાયો છે.
ગાંધીજીના વિચારોને વાચા આપતા સ્વચ્છતાગ્રહી ઇનોવેટિવ શિક્ષક દંપતિ શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડ જાતે વર્ગખંડ સફાઈ કરીને સ્વચ્છતાના પાઠ શીખવે છે.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતીએ જાતે વર્ગખંડમાં સફાઈ કરીને નાના બાળકોને સફાઈ અને સ્વચ્છતા ના પાઠ શીખવ્યા હતા. ગાંધી વિચાર અને કેળવણીના પાયા ઉપર ચણાયેલ લોકભારતી સણોસરા અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા સંસ્થાના વિદ્યાર્થી રમેશભાઈ બારડ હાલ મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં ઇનોવેટિવ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
સરળ સ્વભાવના શિક્ષક દંપતિ જુદા રચનાત્મક અભિગમ અને શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગ માટે જાણીતા છે. ગાંધીજીના સફાઈ અને સ્વચ્છતાનાં ગુણ તેમનાં કામથી દેખાય છે. શાળામાં સમુહ સફાઈ, મેદાન સફાઈ, વર્ગ સફાઈ કે બાગાયત કામમાં હંમેશા બાળકોને પ્રોત્સાહન આપી જાતે સફાઈ કરીને સ્વચ્છતાના પાઠ શીખવે છે. ગાંધીજીના જીવન આધારિત મૂલ્યો તેમની શાળામાં સ્થાપિત કરેલા છે. ગાંધીજી માત્ર શરીરની જ નહીં પરંતુ આત્માની સફાઈ વિશે ચિંતન કરતા હતાં.