Dhruvik gondaliya, Bhavngar : ભાવનગરમાં 85895 હેકટરમાં જળપ્લાવિત વિસ્તારો આવેલા છે. દર વર્ષે જળપ્લાવિત વિસ્તારોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે લોકજાગૃતિનાં હેતુથી વિશ્વ વેટલેન્ડ (જલપ્લાવિત) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઈરાનમાં બે ફેબ્રુઆરી 1971નાં રોજ રામસર કન્વેન્શન ઓફ વેટલેન્ડનું આયોજન થયું હતું. તેની યાદમાં દર વર્ષો આ દિવસને વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ જોઈએ તો વિશ્વ વેટલેન્ડ (જલપ્લાવિત) દિવસની સાચી ઉજવણી 1997થી કરવામાં આવે છે. જળપ્લાવિત વિસ્તાર એવો વિસ્તાર છે, જે પાણીથી પુરેપુરો ભરાયેલો હોય અથવા તો ત્યાં પુરતા પ્રમાણમાં પાણી હોય કે પાણીમાં ડુબાડુબ હોય એ જરૂરી નથી કે વેટલેન્ડમાં બારેમાસ પાણી ભરેલું જ હોય. આ વિસ્તારમાં પાણી કાયમી અથવા ઋતુગત (નિયમિત રીતે) ભરાયેલું રહે છે.
ગુજરાતમાં 3.474મિલિયન હેકટર વિસ્તાર જળપ્લાવિત છે
ભારતમાં રામસર કન્વેન્શન ઓફ વેટલેન્ડનો ઈ.સ. 1982થી અમલ થયેલ છે. ગુજરાતમાં તેમાંથી ૪ વિસ્તારો નળ સરોવર, ખીજડીયા, વઢવાણા અને થોળ આવેલ છે. ભારતમાં 15.26 મિલિયન હેકટર વિસ્તારમાં જળપ્લાવિત વિસ્તારો આવેલા છે. જે પૈકી ગુજરાતમાં 3.474મિલિયન હેકટર વિસ્તાર જળપ્લાવિત છે.
જળપ્લાવિત વિસ્તારમાં ગુજરાત પ્રથમ ક્રમે
ગુજરાત જળપ્લાવિત પ્રદેશની દ્રષ્ટીએ સૌથી સમૃદ્ધ રાજ્ય છે. હકીકતમાં જળપ્લાવિત વિસ્તારોની દ્રષ્ટીએ ગુજરાત પ્રથમ ક્રમે છે. કારણ કે, આપણાં જળપ્લાવિત વિસ્તાર દેશનાં કુલ વેટલેન્ડ પ્રદેશનાં 23 ટકા જેટલો ઉંચો છે. ભાવનગરમાં 85895 હેકટરમાં જળપ્લાવિત વિસ્તારો આવેલા છે.
25 ટકા જળપ્લાવિત વિસ્તાર નાશ પામ્યા
જળપ્લાવિત વિસ્તારો પૃથ્વી પરનું સૌથી ભયગ્રસ્તનિવસન તંત્ર છે. ઈ.સ. 1970થી આશરે 25 ટકા જળપ્લાવિત વિસ્તારો નાશ પામી ચૂક્યા છે. તે માટેના જવાબદાર કારણોમાં ખેતી માટે તેનો ઉપયોગ, જળપ્રદૂષણ, વધારે પડતી માછીમારી, વિદેશી પ્રજાતિની વનસ્પતિનો ફેલાવો, વગેરે છે. જળપ્લાવિત વિસ્તારોમાં ઘટાડાનાં કારણે મીઠા પાણીની આશરે 25 ટકા પ્રજાતિઓ નાશ થવાનાં ભય હેઠળ છે.
ભાવનગરમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
આ વર્ષે વેટલેન્ડ ઈન્ટર નેશનલ સંસ્થા દ્વારા જળપ્લાવિત વિસ્તારોનું પુનઃ સ્થાપન થયું તે વિષય હેઠળ 27માં વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણીનું આયોજન થયેલુ છે. આ ઉજવણી અંતર્ગત ભાવનગર વન વિભાગ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં મરીન સાયન્સ ભવન અને સર પી.પી. સાયન્સ કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ અને વન વિભાગનાં કર્મચારીઓમાં જળપ્લાવિત વિસ્તારોની જાળવણી બાબત જાગૃતિ આવે તે માટે ભાવનગર વન વિભાગનાં સહયોગથી એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ તથા વન વિભાગનાં કર્મચારીઓ ભાગ લીધો હતો .
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bhavnagar news, Local 18