Amit Shah: ભાવનગરમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘વોટ બેંક’ની રાજનીતિને કારણે કોંગ્રેસે ક્યારેય આતંકી હુમલાની નિંદા કરી નથી.
ભાવનગર: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘કોંગ્રેસના શાસનકાળમાં અવારનવાર આતંકી હુમલાઓ થતા હતા. પાકિસ્તાની આતંકવાદીઓ ભારતીય સૈનિકોની હત્યા કરી દેતા હતા. પરંતુ તત્કાલીન સરકારે ‘વોટ બેંક’ની રાજનીતિ માટે ક્યારેય તેની નિંદા નથી કરી. 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર હોવાથી આવા હુમલા થવા અશક્ય છે.
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, ‘આજે 26/11ના હુમલાની વરસી છે. 2008માં આ દિવસે પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં 164 લોકોની હત્યા કરી હતી. કોંગ્રેસના શાસનમાં આવા હુમલા અવારનવાર થતા હતા, પરંતુ આજના સમયમાં 26/11 જેવો આતંકવાદી હુમલો થાય તે શક્ય નથી, કારણ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે.’ આ અંતર્ગત પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થશે. તળાજા અને અન્ય 88 બેઠકો પર મતદાન થશે.
વિપક્ષ પર ગૃહમંત્રીનો સીધો વાર
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ 2004થી 2014 સુધી 10 વર્ષ સત્તામાં રહ્યા હતા. તેમના શાસનકાળ દરમિયાન પાકિસ્તાની આતંકવાદીઓ અવારનવાર ભારતમાં પ્રવેશ કરતા અને ભારતીય સૈનિકોની હત્યા કરતા અને તેમના માથા કાપી નાખતા હતા. તેમ છતા પણ કોંગ્રેસે એક પણ શબ્દ કહ્યો નથી, કેમ? તેનું કારણ વોટ બેંક છે. મને આશા છે કે, તેમને ખબર હશે કોંગ્રેસની વોટ બેંક કોણ છે?
તેમણે એ પણ સવાલ કર્યો હતો તે, ‘શું તમે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવા માગતા નહોતા? 70 વર્ષ સુધી કોંગ્રેસના આ નેતાઓએ નહેરુની ભૂલોને સાચવી રાખી હતી?