આ વિધાનસભા બેઠકની રચના 1962 માં થઈ હતી. જ્યાં અત્યાર સુધી 13 ચૂંટણીઓ થઈ છે. જેમાં 5 વખત ભાજપ અને 5 વખત કોંગ્રેસની જીત થઈ છે.
Palitana assembly constituency : વર્ષ 1995થી 2012 સુધી અહીં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જો કે વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીના આ ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું હતું. જ્યારે ગત વખતે યોજાયેલી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરથી કોંગ્રેસ પાસેથી આ સીટ આંચકી લીધી હતી
રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ની તૈયારીઓ પડઘમ શરૂ થઈ ગયા છે. તમામ પક્ષો તો પોત પોતાની તૈયારી કરી રહ્યાં છે, તેની સાથે જ હવે 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી કમિશને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat election 2022)ના રણકાર વચ્ચે રાજકીય પાર્ટીઓના નેતાઓના ગુજરાતમાં રાઉન્ડ શરૂ થયા છે.
છેલ્લા બે દશકાથી ગુજરાતમાં ભલે ભાજપ (BJP)નું શાસન હોય પરંતુ આ વખતની ચૂંટણી કોંગ્રેસ (Congress)ની સાથો સાથે આમ આદમી પાર્ટી (AAP)પણ ચૂંટણી મેદાનમાં છે, જેને લઈને ભાજપને થોડા ઘણા અંશે નુક્શાન જવાની સંભાવના છે. આ વખતે ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ સાથે નહીં પરંતુ આમ આદમી પાર્ટી સાથે થવાની છે. ચૂંટણીની મોસમની વચ્ચે અમે આપની માટે ગુજરાતની તમામ 182 બેઠકોનો ચિતાર લઈને આવ્યા છીએ. જે અંતર્ગત આજે આપણે ભાવનગરની પાલિતાણા બેઠક (palitana assembly constituency) વિશે વાત કરીશું.
પાલીતાણા વિધાનસભા બેઠક (Palitana assembly seat)
ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા મથક છે. પાલીતાણા ભાવનગર શહેરથી 55 કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. પાલીતાણા ગોહિલ રાજ્પુતોનું એક રજવાડું હતું.
પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે. ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના કિનારે આવેલું હોવાથી તેને શેત્રુંજય તીર્થ પણ કહેવાય છે.
પાલીતાણાનુ જેટલુ ધાર્મિક મહત્વ છે તેટલું જ રાજનૈતિક મહત્વ પણ છે. પાલીતાણા ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 102 નંબરની વિધાનસભા બેઠક છે. આ મતવિસ્તારમાં પાલીતાણા તાલુકાના 83 ગામડાઓનો સમાવેશ થાય છે, જ્યારે સિહોર તાલુકાના પણ કેટલાક ગામોનો સમાવેશ થાય છે.
પાલિતાણાનો ઈતિહાસ
બ્રિટિશ શાસન દરમિયાન પાલીતાણાને 9 તોપોની સલામી મળતી હતી. આ સાથે જ એક સમયે તે રાજ્યનુ પાટનગર પણ હતુ. પાલીતાણાની સ્થાપના 1194માં રજવાડા તરીકે થઈ હતી.
આ રજવાડામાં 91 ગામો આવેલા હતા. પાલિતાણાના અંતિમ શાસકને 15 ફેબ્રુઆરી 1948એ 1.80 લાખનુ ભથ્થુ ચૂકવવામાં આવ્યું હતું. ઇ.સ. 2014માં પાલિતાણા વિશ્વનું સૌપ્રથમ શાકાહારી શહેર બન્યું હતું.
અહીં માંસ, માછલી કે ઇંડા વેચવા અથવા ખરીદવા પર તેમજ માછીમારી અને ખાદ્ય પદાર્થ તરીકે પ્રાણીઓનો ઉછેર કરવાની મનાઇ ફરમાવવામાં આવી હતી.
મતવિસ્તારમાં આશરે કુલ 256000 મતદારો છે, જેમાંથી 130767 પુરૂષ, 118883 મહિલા અને 0 અન્ય છે.
જાતિગત સમીકરણ
પાલિતાણા બેઠકના જાતિવાદી સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર કોળી સમાજ અને પાટીદાર સમાજનુ પ્રભુત્વ છે. જ્ઞાતિ આધારિત વસ્તીના આંકડા પર નજર કરીએ તો અહી કોળી સમાજના 60 હજાર, લેઉવા પટેલના 41 હજાર, ક્ષત્રિય સમાજના 19 હજાર, અનુસૂચ્ત જાતિના 17 હજાર અને મુસ્લિમ સમાજના કુલ 256000 મતદારો નોંધાયેલા છે.
રાજકીય સમીકરણ
આ વિધાનસભા બેઠકની રચના 1962 માં થઈ હતી. જ્યાં અત્યાર સુધી 13 ચૂંટણીઓ થઈ છે. જેમાં 5 વખત ભાજપ અને 5 વખત કોંગ્રેસની જીત થઈ છે. આ ભાજપ શાસિત બેઠક છે.
પાલિતાણા નગર પાલિકા અને તાલુકા પંચાયત એમ બન્ને જગ્યાએ ભાજપનુ શાસન છે. પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં પણ ભાજપ પ્રેરિત બોડી છે. આ સાથે જ જિલ્લા પંચાયતની ચાર પૈકી ત્રણ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો કબ્જો છે જ્યારે એક બેઠક કોગ્રેસના કબજામાં છે.
પાલિતાણા બેઠક પર વિધાનસભાની વાત કરીએ તો વર્ષ 1995થી 2012 સુધી અહીં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જો કે વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીના આ ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું હતું. જ્યારે ગત વખતે યોજાયેલી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરથી કોંગ્રેસ પાસેથી આ સીટ આંચકી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં અહીં 1.80 ટકા મતદારોએ નોટાનુ બટન દબાવ્યું હતું.
આ બેઠક પર અત્યાર સુધી પાંચ વખત પાટીદાર સમાજના ઉમેદવાર, 3 વખત ક્ષત્રિય સમાજના ઉમેદવાર, 4 વખત કોળી સમાજના ઉમેદવાર અને 1 વખત મુસ્લિમ સમાજના ઉમેદવારને જીત મળી છે.
અગાઉ થયેલી ચૂંટણીઓના પરિણામ
વર્ષ
વિજેતા ઉમેદવારના નામ
પક્ષ
1962
ઝાવડિયા વલ્લભભાઈ
INC
1967
ડી જે પટેલ
INC
1972
વોરા બટુકરાઈ
CPI
1975
સરવૈયા કેસરીસિંહ
INC
1980
ડાભી નટુભાઈ
IND
1985
સામા મજીદભાઈ
INC
1990
જાડેજા પ્રવિણસિંહ
JD
1995
ગોટી ખરજુભાઈ
BJP
1998
ગોટી ખરજુભાઈ
BJP
2002
મનસુખ માંડવિયા
BJP
2007
સરવૈયા મહેન્દ્રસિંહ
BJP
2012
રાઠોડ જતીનભાઈ
INC
2017
બારૈયા ભીખાભાઈ
BJP
હાર-જીતના સમીકરણો
સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની પાલિતાણા બેઠક પરથી ભાજપનો વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર બારૈયા ભીખાભાઈ રવજીભાઈએ કોંગ્રેસના રાઠોડ પ્રવીણભાઈ જીણાભાઈને 14189 મતોની સરસાઈથી હરાવ્યા હતા. બરૈયા ભીખાભાઈને 69479 મત મળ્યા હતા. જ્યારે ગુજરાત જન ચેતના પાર્ટીના ગઢવી પ્રવીણભાઈ મૂળુભાઈને 7784 મત મળ્યા હતા.
પાલીતાણા વિસ્તારનીસમસ્યાઓ
પાલીતાણા બેઠકમાં ઔદ્યોગિક રોજગારી કમી છે. અહીં જીઆઈડીસી તો છે પણ મોટા ઉદ્યોગો નથી જેના કારણે રોજગારી તકો ઓછી છે. આ મત વિસ્તારમાં એસટી બસોની સારી સુવિધા છે, પણ સિટી બસ અને એરપોર્ટની સુવિધા નથી.
એક સમયે ગૃહ ઉદ્યોગોને કારણે ઓળખાતા આ શહેરમાં હાલ ગૃહ ઉદ્યોગો સંપૂર્ણ પણે પડી ભાંગ્યા છે. આ સિવાય અહીં માત્ર એક મહિલા કોલેજ છે. જેમાં સીટો ભરાઈ જવાને કારણે વિદ્યાર્થીનીઓને તકલીફ પડે છે જેના કારણે અન્ય એક કોલેજ ખોલાવની માંગ કરવામાં આવી રહી છે.
આ સાથે જ જો જીવન જરૂરિયાતની સુવિધાઓની વીત કરવામાં આવે તો અહીંના ગ્રામિણ વિસ્તારોમાં પાણીની બૂમરાણો જોવા મળે છે. સાથે જ ડ્રેનેજની સુવિધા પણ નથી. જેને કારણે વરસાદી પાણીની ભરવાની પણ સમસ્યા સર્જાતી હોય છે.
આરોગ્ય ક્ષેત્રે પણ અહીં સુધારા કરવાની જરૂર છે. આ મતવિસ્તારોમાં હોસ્પિટલ હોવા છતા ઓપીડીની સુવિધા ટાંચી છે સાથે જ સર્જનની જગ્યા પણ ઘણા સમયથી ખાલી છે. તબીબોની પણ ખોટ છે, છતા તેમની જગ્યા ખાલી છે.
શહેરમાં એક સારો બગીચો બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ સાથે જ આંગણવાડીઓના મકાનો જર્જરિત હાલતમાં છે. તેને સુધારવાની અને રોડ રસ્તાઓ જે બિસ્માર હાલતમાં તેમને રિપેર કરવાની માંગ કરવામાં આવી રહી છે.