Home /News /bhavnagar /Gujarat election 2022: જેના નામમાં જ છે ‘જીત’, જાણો 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેવી રહેશે વાઘાણીની ભૂમિકા
Gujarat election 2022: જેના નામમાં જ છે ‘જીત’, જાણો 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેવી રહેશે વાઘાણીની ભૂમિકા
Gujarat assembly Election 2022: જીતુ વાઘાણીનું આખું નામ જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી છે. પરંતુ ભાજપના કાર્યકરો તથા મિત્રવર્તુળમાં તેઓ 'જીતુભાઈ' વાઘાણી તરીકે જ ઓળખાય છે. હાલમાં તેઓ ગુજરાતમાં શિક્ષણમંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે.
Gujarat assembly Election 2022: જીતુ વાઘાણીનું આખું નામ જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી છે. પરંતુ ભાજપના કાર્યકરો તથા મિત્રવર્તુળમાં તેઓ 'જીતુભાઈ' વાઘાણી તરીકે જ ઓળખાય છે. હાલમાં તેઓ ગુજરાતમાં શિક્ષણમંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Election 2022) તૈયારીઓ વચ્ચે રાજકારણ અને નેતાઓના અનેક રંગ સામે આવી રહ્યા છે. પક્ષ પલટો હોય કે પક્ષથી નારાજગી દરેક પક્ષના વિવાદો ચરમસીમાએ છે. આ વચ્ચે જનતા પણ મૂંઝવણમાં છે કે કોની પર વિશ્વાસ કરવો અને કોની પર ન કરવો. જનતાએ પોતે ચૂંટેલા દરેક નેતા વિશે જાણકારી રાખવી જરૂરી છે. તેથી આજે અમે તમને ભાજપના દિગ્ગજ નેતા અને હાલના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
ભાવનગરમાં જન્મેલા વાઘાણી
જીતુ વાઘાણીનું (BJP MLA Jeetu Waghani) આખું નામ જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી છે. પરંતુ ભાજપના કાર્યકરો તથા મિત્રવર્તુળમાં તેઓ 'જીતુભાઈ' વાઘાણી તરીકે જ ઓળખાય છે. 27 ઑક્ટોબર 1970ના રોજ વાઘાણીનો જન્મ ભાવનગર જિલ્લાનાં વરતેજ ગામમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ લાઠીમાં થયું હતું. તેઓ લૉ ભણેલા છે અને બાળપણથી આરઍસઍસના સ્વયંસેવક છે. હાલમાં જીતુ વાઘાણી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી (Education Minister of Gujarat State)ની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યાં છે. તેઓ ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં ભાવનગર પશ્ચિમ (વિધાનસભા)નું પ્રતિનિધિત્વ કરે છે
વાઘાણીની રાજકીય કારકિર્દી
1990ના દાયકાની શરૂઆતમાં જિતુભાઈ ભાવનગર ભાજપના યુવા મોરચાના સહપ્રભારી બન્યા હતા. 1993-97 દરમિયાન તેઓ ભાવનગર શહેરમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ બન્યા હતા. જે બાદ 2003માં ગુજરાત ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જિતુભાઈ વાઘાણીની નિમણૂક કરવામાં આવી હતી.
2007માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડાઈ હતી. આ ચૂંટણીમાં ખરેખર તેમની કામગીરીની કસોટી થવાની હતી. એ ચૂંટણીમાં જિતુભાઈ વાઘાણીને ભાવનગર દક્ષિણની બેઠક પરથી કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલની સામે ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા. એ ચૂંટણીમાં શક્તિસિંહે જિતુભાઈને 7134 મતથી પરાજય આપ્યો. આ પહેલાંની બે ચૂંટણી (1998 અને 2002) દરમિયાન આ બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.
2008ના પુનઃસીમાંકન બાદ ભાવનગર પશ્ચિમની બેઠક અસ્તિત્વમાં આવી હતી. 2012ની વિધાનસભા ચૂંટણીને નવગઠિત બેઠક પરથી જિતુભાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર મનસુખભાઈ કાનાણીને 53,893 મતે પરાજય આપ્યો હતો. એ ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં જિતુભાઈ વાઘાણીની લીડ રેકૉર્ડ હતી.
અગાઉના ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની ગુજરાતના મુખ્યમંત્રી પદે નિમણૂક થયા બાદ 2016ના ઑગસ્ટ મહિનામાં જીતુ વાઘાણીની ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
2017માં પહેલી વખત ભાજપે 'ઔપચારિક રીતે' નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ વગર ચૂંટણી લડી હતી. જિતુભાઈ પોતાની ભાવનગર પશ્ચિમની બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમની લીડ ઘટીને 27,185 ઉપર આવી ગઈ હતી. જે કુલ માન્ય મતના 18.34 ટકા જેટલી હતી.
સપ્ટેમ્બર-2021માં જ્યારે રૂપાણી તથા તેમની કૅબિનેટનું રાજીનામું લઈ લેવામાં આવ્યું, ત્યારે જિતુભાઈ વાઘાણીને ભૂપેન્દ્ર પટેલની કૅબિનેટમાં શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા હતા. આમ કરવા પાછળનું એક કારણ જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણને સાધવાનું પણ કહેવાઇ રહ્યું છે.
જીતુભાઇ વિશે અમુક રસપ્રદ વાતો
- ભાવનગરના દરેક વૉર્ડમાં નિઃશુલ્ક ફરતું પુસ્તકાલય શરૂ કરાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.
- જિતુભાઈ ભાવનગર ડાયમંડ ઍસોસિયેશન તથા ભાવનગરના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઍસોસિયેશન અને વિદ્યુત કામદાર સંઘનાં અલગ-અલગ પદ પર રહી ચુક્યા છે.
- તેઓ રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા પશ્ચિમ બંગાળમાં પણ પાર્ટી માટે ચૂંટણીલક્ષી કામગીરી બજાવી ચૂક્યા છે.
- જિતુભાઈએ વકીલાતનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેઓ ખેતી તથા કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા છે.
- તેઓ ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર પદે (1998-2001) રહ્યા છે.
વિવાદોથી ઘેરાયેલા વાઘાણી
- લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે તેમના પુત્ર મીત પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો. જે બાદ તેની ભૂલ સ્વીકારી વાઘાણીએ કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.
- 2017માં કારડિયા રાજપૂતોએ જીતુ વાઘાણી પર જૂના જમીનના કૅસમાં સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાયો હતો.
- માર્ચ-2021માં ભાવનગર મહાનગરપાલિકામાં મેયર નહીં બની શકનાર એક મહિલા ધારાસભ્યે મીડિયા સમક્ષ વાઘાણી તથા ભાજપના અન્ય નેતાઓને કારણે તેઓ મેયર ન બની શક્યાં હોવાનો આરોપ મૂક્યો.
- જીતુ વાઘાણીને 2019ની લોક્સભા ચૂંટણી દરમિયાન 'હરામઝાદા' શબ્દનો ઉપયોગ કરવા માટે ચૂંટણી પંચ તરફથી નોટિસ મળી હતી. જો કે તેમણે ખુલાસો કર્યો હતો કે તેમણે આ શબ્દ મોહમ્મદ સુરતી જેવા કૉંગ્રેસના નેતા માટે વાપર્યો હતો, જે 1993ના મુંબઈ બ્લાસ્ટ માટે દોષી ઠર્યો હતો
- વાઘાણી પર તેમના સસરા અંબાલાલ ખંભાળીયાની સારવાર સિવિલ હૉસ્પિટલમાં મફત કરાવવાનો પણ આરોપ લાગ્યો હતો.
- સરકારી શિક્ષણ અંગે નિવેદન આપતા તેણે કહ્યું કે, "છોકરાં અહીં ભણ્યાં, ધંધો અહીં કર્યો, હવે બીજું સારું લાગે છે તો મારી તો વિનંતી છે, પત્રકારોની હાજરીમાં જેને બીજું સારું લાગતું હોય ઈ છોકરાનાં (સ્કૂલ લિવિંગ) સર્ટિફિકેટ લઈને જે દેશ અને જે રાજ્ય સારું લાગતું હોય ત્યાં ભણાવવાં જોઈએ."
જીતુ વાઘાણીની બેઠક ભાવનગર પશ્ચિમ વિશે
જીતુભાઇ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક (Bhavnagar West Assembly Election) પર સારી પકડ ધરાવે છે. બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,41,893 નોંધાયેલ છે. ભાવનગર શહેરની 105 વિધાનસભા બેઠક પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે.
2012થી 105 વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ ભાજપ તરફ રહ્યો છે. ભાજપ 2012થી સત્તામાં મતદારોના કારણે આવ્યું છે. જો કે કોળી સમાજના નેતા પરસોતમભાઈ સોલંકીનો સમાજ પર રહેલા પ્રભુત્વને કારણે કોળી સમાજનું પલડું ભાજપ તરફ રહ્યું છે. જ્યારે પટેલ સમાજના પણ મતોનું જીતુ વાઘાણીના કારણે ભાજપી વલણ ધરાવે છે. આ જ કારણ કહી શકાય કે ભાવનગર પશ્ચિમ બેઠક કોંગ્રેસ માટે લોઢાની ચણા ચાવવા જેવી વાત છે.
આટલી સંપત્તિના માલિક છે જીતુ વાઘાણી
52 વર્ષિય નેતા જીતુભાઇ વાઘાણી કરોડોની મિલકતના માલિક છે. તેમની પાસે ખેતી લાયક જમીન ઘણી છે. વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે પોતાની આર્થિક બાબતો વિશે ખુલાસો કર્યો હતો. જે અનુસાર, તેમની જંગમ અસ્કયામતો (બેંકમાં રોકાણ, થાપણો વગેરે)ની કિંમત રૂપિયા 2,09,32, 168 છે, જ્યારે સ્થાવર અસ્કયામતો (જમીન, મકાન વગેરે)ની કિંમત 2,30,47,000 રૂપિયા છે. તેમના પર કુલ દેવું 1,67,52,951 રૂપિયા છે.