કોળી સમાજના નેતા પરસોતમ સોલંકીનું સમાજ પર વર્ચસ્વ હોવાના કારણે કોળી સમાજનું ભાજપ તરફ પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે.
bhavnagar village assembly constituency : વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ક્ષત્રિય સમાજના ઉમેદવારને બદલે કોળી સમાજના આગેવાન કાંતિભાઈ ચૌહાણને ટિકીટ આપી હતી. આ ચૂંટણીમાં ભાજપે ફરી એક પરસોત્તમ સોલંકીને તક આપી હતી. જેમને 89,555 મત બાજી મારી લીધી હતી.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly election 2022) માટે મીટ માંડીને જનતા રાહ જોઈ રહ્યા છે. હજુ સુધી ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી માટે તારીખ જાહેર કરવામાં આવી નથી. ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી ભાજપનુ શાસન છે. આ વખતે 2022ની ગુજરાત વિધાનસભાચૂંટણી ફક્ત ભાજપ કોંગ્રેસ પૂરતી સીમિત નથી, પરંતુ આ ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આક્રમક તૈયારીઓ કરી રહી છે.
ગુજરાત એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય હોવાને નાતે ગુજરાતની ચૂંટણી પર દેશ અને દુનિયાની નજર છે. છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં ભલે ભાજપનું શાસન હોય, પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપને પણ ડર છે કે, તેમના હાથમાંથી સત્તા જતી ન રહે. ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે થવાની છે. અહીં અમે તમને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની જાણકારી આપી રહ્યા છીએ.
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક (Bhavnagar Village Assembly Seat)
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી 182 બેઠક પર થશે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા (bhavnagar village assembly constituency) બેઠકનો નંબર 103 છે. ભાવનગરનું ઘોઘા રજવાડા સમયનું પ્રચલિત ગામ છે. વર્ષ 2022માં પણ ઘોઘા હવે રો-રો ફેરી સર્વિસથી ઓળખાય છે. ઘોઘા એટલે પરસોત્તમભાઈ સોલંકી તેવા ઉપનામથી પણ ઓળખાય છે.
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક જે ભૂતકાળનાં વર્ષોમાં ઘોઘા-56 ગણાતી હતી અને આ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં ઘોઘા, બુધેલ, વરતેજ, સિહોર, માઢિયા ગામડાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ઘોઘા રો-રો ફેરી સર્વિસ, સિહોરની સર્વોત્તમ ડેરી અને સિહોરની રોલિંગ મિલોની GIDC પણ આવેલી છે.
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પરસોત્તમ સોલંકીને ટીકીટ આપી હતી. તો કોંગ્રેસે ક્ષત્રિય સમાજના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલને ટીકીટ આપી હતી. આ ચૂંટણીમાં શક્તિસિંહને 65,426 મત અને પરસોત્તમ સોલંકીને 83,980 મતો મળ્યા હતા. આ પરસોત્તમ સોલંકીએ 18,554 મતોથી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલને મ્હાત આપી હતી.
2017ની વિધાનસભા ચૂંટણી
ભાજપે ફરી એકવાર આ બેઠક પર પરસોત્તમ સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ક્ષત્રિય સમાજના ઉમેદવારને બદલે કોળી સમાજના આગેવાન કાંતિભાઈ ચૌહાણને ટીકીટ આપી હતી. આ ચૂંટણીમાં પરસોત્તમ સોલંકીને 89,555 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના કાંતિભાઈ ચૌહાણને 58,562 મત મળ્યા હતા. આમ, આ ચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી લીધી હતી.
પરસોત્તમ સોલંકીનું ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર પ્રભુત્વ
પરસોત્તમ સોલંકીએ સંસદની ચુંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવીને ભાવનગર જીલ્લાનાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે રાજકારણમાં વર્ચસ્વ જમાવી લીધું હતું અને થોડા સમય બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.
વર્ષ 1998થી ભાજપ નેતા પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર વર્ચસ્વ જમાવે છે. ત્યારથી લઈને અત્યાર સુધી પરષોતમ સોલંકી ભાવનગર ગ્રામ્ય વિધાનસભા (ઘોઘા વિધાનસભા) બેઠક પર વિજયી થઈ રહ્યા છે. કોંગ્રેસનાં ધુરંધર નેતા શક્તિસિંહ ગોહિલે પણ તેમની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
પરસોત્તમ સોલંકી
ભાજપ
2012
પરસોત્તમ સોલંકી
ભાજપ
2007 (ઘોઘા)
પરસોત્તમ સોલંકી
ભાજપ
2002 (ઘોઘા)
પરસોત્તમ સોલંકી
ભાજપ
1998 (ઘોઘા)
પરસોત્તમ સોલંકી
ભાજપ
1995 (ઘોઘા)
પરબતસિંહ ગોહિલ
કોંગ્રેસ
1990 (ઘોઘા)
નાનાભાઈ રોયલ
JD
1985 (ઘોઘા)
ગોહિલ દિલીપસિંહ
કોંગ્રેસ
1980 (ઘોઘા)
કિરિટસિંહ ગોહિલ
કોંગ્રેસ
1975 (ઘોઘા)
ગોહિલ જોરૂભા
કોંગ્રેસ
1972 (ઘોઘા)
પ્રતાપરાય શાહ
કોંગ્રેસ
મતદારોના સમીકરણ
સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોળી સમાજ, પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. આ બેઠક પર કુલ 2,58,467 મતદારો છે. જેમાંથી 1,35,520 પુરુષ મતદારો છે અને 1,22,947 મહિલા મતદારો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 1,61,946 મતદારોએ મતદાન કર્યું હતું. પરસોત્તમ સોલંકીને 55.30 ટકા મત અને કોંગ્રેસને 36.16 ટકા મત મળ્યા હતા.
ભાવનગર ગ્રામ્ય સીટ પર જાતિવાદના સમીકરણ
કોળી સમાજના નેતા પરસોતમ સોલંકીનું સમાજ પર વર્ચસ્વ હોવાના કારણે કોળી સમાજનું ભાજપ તરફ પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે. પરસોતમ સોલંકી આજે પણ ભાવનગરની ગ્રામ્ય બેઠક પર પ્રભુત્વ ધરાવે છે. તેમની સામે કોઈ પણ ઉમેદવાર ટકી શકતો નથી.
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના પ્રશ્નો
આ બેઠક પર સૌથી વધુ રોજગારીની સમસ્યા જોવા મળી રહી છે. આ બેઠકના વિસ્તારમાં માત્ર સિહોરની GIDCમાં મજૂરી કામ મળે છે. આ બેઠક પર મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે,
જેથી જો ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ ન મળે તો તેમનામાં નારાજગી જોવા મળે છે, તો સમગ્ર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની જાય છે. તાંબા પિતળનો વ્યવસાય હોવાથી સ્થાનિક સિહોરવાસીને રોજગારી મળી રહે છે,
ભાવનગર જિલ્લામાં કુલ 7 વિધાનસભા સીટ છે. આ 7 વિધાનસભા સીટમાંથી મહુવા, ગારિયાધાર, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપનું શાસન છે. તળાજા વિધાનસભા સીટ પર કોંગ્રેસનું શાસન છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચુંટણીમાં ભાજપ વિજયી થતું રહ્યું છે અને વિધાનસભા ચૂંટણીમાં ખાસ કરીને બે પક્ષનો જ પ્રભાવ રહ્યો છે.
ભાવનગર જિલ્લામાં કોળી સમાજનું પ્રભુત્વ
ભાવનગર જિલ્લામાં કોળી સમાજનો બહુમત જોવા મળી રહ્યો છે. મહુવા, પાલીતાણા અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા સીટ પર કોળી સમાજના ઉમેદવાર વિજેતા બન્યા છે.
લોકસભાના વિજેતા ઉમેદવાર પણ કોળી સમાજમાંથી જ આવે છે. ભાવનગર પૂર્વની વિધાનસભા બેઠક પર અગાઉ વણિક સમાજ અને હાલમાં બ્રહ્મ સમાજના પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા છે. આમ આ બેઠક પર ઉજળીયાત વર્ગનો દબદબો છે.
ભાવનગર પશ્ચિમની સીટ પણ ક્ષત્રિય, બ્રાહ્મણ અને પટેલ સમાજના ઉમેદવારો છેલ્લી ત્રણ ચુંટણીમાં વિજેતા બન્યા છે. ગારીયાધાર બેઠક પર પાટીદાર સમાજનો વ્યાપક પ્રભાવ જોવા મળે છે.