ભાવનગર: શહેરના વડવા વિસ્તારમાં રહેતા શિક્ષિત બેરોજગાર યુવાને રવિવારે આપઘાત કરી લેતા માતમ છવાયો છે. મૃતક યુવાને પોતાની અંતિમ ચિઠ્ઠીમાં પોતાની વ્યથા જણાવતા કહ્યુ છે કે, 'મારું સપનું પોલીસ બનવાનું હતુ.' આ યુવકે ઘરમાં જ પંખા પર ગળેફાંસો ખાઇ લીધો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના વડવાચોરા વિસ્તારમાં શ્રીજી અગરબત્તીવાળા ખાંચામાં રહેતા સોરઠિયા પરિવારનો 30 વર્ષનો હિતેશ ભરતભાઈ સોરઠિયા કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરી માટે પ્રયત્ન કરતા હતા. પોલીસની ભરતીમાં બેથી વધુ વખત જોડાયા હતા. પાસ ન થતા હિંમત હારી ગયો હતો. જેના કારણે તે ડિપ્રેશનમાં સરકી પડ્યો હતો.
હિતેશની અંતિમ ચિઠ્ઠીમાં તેણે જણાવ્યુ હતુ કે, 'હું મારી મરજીથી મરું છું તો મારાં મમ્મી-પપ્પા અને ભાઈને હેરાન ના કરતા, મને માફ કરી દેજો, હું આ પગલું ભરુ છું તો. મારું સપનું હતું પોલીસ જવાન બનવાનું.'
આ સમાચાર બાદ આખા પરિવાર અને વિસ્તારમાં આઘાતનો માહોલ છવાઇ ગયો છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ઘરી છે.
આ પહેલા સાણંદમાં અમદાવાદ - સાણંદ એસડીએમ રાજેન્દ્ર કેશવલાલ પટેલે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. તેમણે સાણંદની નિર્મિત ફ્લોરા સોસાયટીનાં પાંચમે માળેથી કુદીને આપઘાત કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે, સાણંદ વિધાનસભા સીટ ના રિટર્નિંગ ઓફિસર પણ હતા.