Home /News /bhavnagar /ભાવનગર: મહિલા-પુરૂષની લાશ મળ્યાના મામલે ચોંકાવનારો વળાંક, વાડી માલિક બન્નેના મૃતદેહ સીમમાં નાખી ગયો હતો!

ભાવનગર: મહિલા-પુરૂષની લાશ મળ્યાના મામલે ચોંકાવનારો વળાંક, વાડી માલિક બન્નેના મૃતદેહ સીમમાં નાખી ગયો હતો!

પ્રતિકાત્મક તસવીર

સિહોર તાલુકાના સરવેડી ગામની સીમમાં મહિલા અને પુરૂષની રહસ્યમય સંજોગોમાં લાશ મળવાના ચકચારી પ્રકરણમાં નવો અને અણધાર્યો વળાંક આવ્યો

    નીતિન ગોહેલ, ભાવનગર : જીલ્લાનાં સિહોર તાલુકાના સરવેડી ગામની સીમમાં મહિલા અને પુરૂષની રહસ્યમય સંજોગોમાં લાશ મળવાના ચકચારી પ્રકરણમાં નવો અને અણધાર્યો વળાંક આવ્યો છે. એક માસ પૂર્વે ગુમ થયેલાં મહિલા અને પુરૂષ સજોડે ગારિયાધારનાં ખારડી ગામે વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા હોય તેમણે સજોડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ભયભીક બનેલાં વાડીમાલિકે બન્નેના મૃતદેહને રિક્ષામાં નાંખી સરવેડી ગામની સીમમાં નાંખી ગયાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આ ઘટનાને લઈ સોનગઢની સાથે ગારિયાધાર પોલીસ સાથે જોડાઈ તપાસ કરતા વાડી માલિક વિરૃદ્વ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

    જિલ્લામાં ચકચાર જગાવનાર બનાવની વિગત એવી છે કે, જિલ્લાનાં સિહોર તાલુકાના સરવેડી ગામની સીમમાં આવેલ ધોળાકુવા તરીકે ઓળખાતા વિસ્તારમાં ગત સોમવારના રોજ અર્ધનગ્ન હાલતે પુરૃષની લાશ અને તેનાથી થોડે દૂર પડેલી મહિલાની લાશ મળી આવી હતી. સોનગઢ પોલીસે બન્નેના મૃતદેહનો કબ્જો લઇ પી.એમ.અર્થે સિહોર હોસ્પિટલ ખસેડયા હતા. જયારે પોલીસ તપાસમાં મૃતક મહિલા ગોપનાથનાં ગઢુલા ગામનાં વતની ભાવનાબેન જીવણભાઈ ભીલ (ઉ.વ.આશરે-37) હોવાનું અને મૃતક પુરૃષ ગોપનાથના જ ગઢુલા નજીકના રેલીયાના વતની 43 વર્ષીય એભલભાઈ મનુભાઈ બાંભણીયા હોવાનું ખુલ્યું હતું.

    આ પણ વાંચોભાવનગર : ખેડૂતવાસના યુવાન પર છરીના ઘા ઝીંકાયા, 'મિત્રની ખબર કાઢી આવતો ત્યારે 3 લોકોએ કર્યો હુમલો'

    ઉલ્લેખનિય છે કે, બન્ને મૃતકો ગત તા.28 એપ્રિલ,2021ના રોજ પોતાના ઘરેથી ગૂમ થયા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. અને એક માસ બાદ બન્નેની આજે રહસ્યમય સંજોગોમાં એક સાથે લાશ મળી આવી હતી. બન્નેના મૃતદેહને પેનલ પી.એમ. અર્થે ભાવનગર ખસેડાયા હતા. દરમિયાનમાં સોનગઢ પોલીસની તપાસમાં એવી વિગત ખુલી હતી કે, મૃતક મહિલા અને પુરૃષ એક માસ પૂર્વે ગુમ થયા બાદ ગારિયાધારના ખારડી ગામે એક વાડીમાં ભાગીયા તરીકે કામે રહ્યા હતા. જયાં તેમણે થોડા સમય પૂર્વે વાડીના જ એક વૃક્ષ સાથે લટકી સજોડે આપઘાત કર્યો હતો. જો કે, વાડી માલિકને જાણ થતાં તેણે બન્ને મૃતદેહને દિવસભર છૂપાવી રાખી રાત્રિના અંધકારમાં રિક્ષામાં બન્ને મૃતદેહોને સરવેડીની સીમમાં નાંખી ફરાર થઇ ગયા હતા.

    જોકે, આ ઘટનાક્રમને સોનગઢ પોલીસ ઉપરાંત, ગારિયાધાર પીએસઆઈએ પણ સમર્થન આપ્યું હતું અને પ્રકરણ અંગે તજવીજ શરૃ હોવાનું જણાવ્યું હતું. જો કે, આ તમામ ઘટનાક્રમ વચ્ચે સતત બીજા દિવસે પણ બનાવ હત્યાનો હોવાનું કે, આત્મહત્યા હોવાનું પોલીસ દ્વારા સ્પષ્ટ થયું ન હતું. જયારે, બનાવને લઇ ગારિયાધાર પોલીસે વાડી માલિકને ઝડપી લેવા તથા સમગ્ર પ્રકરણમાં તેની ભૂમિકા સ્પષ્ટ કરી તેની વિરૃદ્વ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. સરવેડી ગામની સીમમાં મહિલા અને પુરૂષની રહસ્યમય સંજોગોમાં લાશ મળવાનું કનેકશન ગારિયાધાર પંથક સાથે જોડાતા ગારિયાધાર પોલીસ પણ જોડાઈ છે.

    આ પણ વાંચો - દ્વારકા : નવાગામ હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યારા પિતા-પુત્રની ધરપકડ, કબુલ્યું - કેમ હરેશ જાવીયાની કરી હત્યા?

    હાલ બનાવ અંગે ગારિયાધાર પોલીસને વાડીમાં બનેલ ઘટનાક્રમ અંગે જાણ થતાં સ્થળ તપાસની કાર્યવાહી શરૃ કરાઈ છે. જયારે, પેનલ પી.એમ.નો રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘટનામાં હત્યા છે કે, આત્મહત્યા તેનું કારણ સ્પષ્ટ થશે. સિહોર તાલુકાના સરવેડી ગામની સીમમાં મહિલા અને પુરૃષની રહસ્યમય સંજોગોમાં લાશ મળવાના ચકચારી પ્રકરણમાંમોંઢા એટલી વાતો શરૃ થઇ છે. સ્થાનિક કક્ષાએ ચાલતી ચર્ચા અનુસાર, બન્ને મૃતકો વચ્ચે પ્રેમ સંબંધ હતો. જો કે, મૃતક મહિલાના પતિએ નિવેદના મારફત આ અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. તો,પોલીસે પણ આ દિશામાં તપાસ કરી ન હોવાથી બન્ને મૃતકો વચ્ચેના સંબંધને લઈ પોલીસે તપાસનો વિષય હોવાનું જણાવ્યું હતું.
    Published by:Kiran Mehta
    First published:

    Tags: Bhavnagar news