મંગળવારે સવારે જાનૈયાઓને લઈને જઈ રહેલી એક ટ્રક પુલ પરથી નીચે ખાબકી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ 30થી વધારે લોકોનાં મોત થઈ ગયા. ટ્રકમાં સવાર વરરાજાના માતાપિતાનું પણ મોત થઈ ગયું હતું.
સિહોરના અનિડા ગામથી પ્રવીણભાઈ વાઘેલા ઉત્સાહભેર પુત્રની જાન જોડીને બોટાદના ટાટમ ગામ જવા નીકળ્યા હતા. પરિવાર ખૂબ જ ગરીબ હોવાથી વરરાજાને બાદ કરતા તમામ સગા સંબંધીઓ ટ્રકમાં સવાર થઈને જઈ રહ્યા હતા. પરંતુ રંધોળા ગામ ખાતે આવેલા એક પુલ પર જાન પહોંચી ત્યારે ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક 25 ફૂટ ઊંચા પુલ પરથી નીચે ખાબકી હતી. સદભાગ્યે વરરાજા બીજા વાહનમાં હોવાથી તેમનો બચાવ થયો હતો.
એક બાજુ માતામ, બીજી બાજુ લગ્ન!
પ્રાપ્ત વિગત પ્રમાણે અકસ્માતમાં વરરાજાના ભાઈ-ભાભી અને બહેનનો બચાવ થયો છે. જ્યારે માતાપિતા સહિત બીજા સંબંધીઓનાં મોત થયા છે. અકસ્માતની જાણ થતા ટાટમ ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. એક તરફ 30થી વધારે લોકોનાં મોતના સમાચાર મળ્યા તો બીજી તરફ વરરાજા માંડવે પધાર્યાના સમાચાર આવ્યા. દુલ્હનના પરિવાર માટે શું કરવું અને શું ન કરવું જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. એવામાં લીલા તોરણે માંડવે આવી પહોંચેલા વરરાજાને વધાવીને લગ્ન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.
મોતના માતમ વચ્ચે લગ્ન ચાલુ રખાયા
વરરાજા અકસ્માતની ઘટનાથી અજાણ
જાન જોડીને ટાટમ ગામ ખાતે આવી પહોંચેલા વરરાજાને અકસ્માત અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. આવા માતમના વાતાવરણમાં પણ માંડવે આવી પહોંચેલા વરરજાને પોખવામાં આવ્યા હતા અને લગ્નની વિધિ શરૂ કરવામાં આવી હતી. વરરાજાને જ્યારે તેના માતાપિતા અને અન્ય સગાસંબંધીઓના મોતની જાણકારી મળશે ત્યારે તેની માનસિક હાલત કેવી હશે તેની કલ્પના કરવી મુશ્કેલી છે? કહેવાય છે કે જે થવાનું હશે તે થઈને જ રહે છે. ઇશ્વરે નક્કી કર્યું હોય છે તે થઈને જ રહે છે, પરંતુ આવી ઘટનાને જાણીને મનમાંથી શબ્દો નીકળી જાય છે કે ભગવાન ક્યારેય કોઈને આવા દિવસો ન બતાવે!