Home /News /bhavnagar /Bhavnagar Accident: ભાવનગર-ધોલેરા માર્ગ પર ગમખ્વાર અકસ્માત, અમદાવાદના પરિવારના 5 લોકોનાં મોત
Bhavnagar Accident: ભાવનગર-ધોલેરા માર્ગ પર ગમખ્વાર અકસ્માત, અમદાવાદના પરિવારના 5 લોકોનાં મોત
ભાવનગર અકસ્માતમાં 5 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.
Bhavnagar Accident: ભાવનગરઃ ભાવનગર - ધોલેરા માર્ગ પર અધેલાઈ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. અમદાવાદનો પરિવાર પાલિતાણાથી દર્શન કરીને પરત ફરતી વેળા દુર્ઘટના સર્જાઈ હતી.
ભાવનગરઃ ભાવનગર - ધોલેરા માર્ગ પર અધેલાઈ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે, પાલિતાણાથી દર્શન કરી અમદાવાદનો પરિવાર પરત જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેમાં 10 વર્ષના બાળક, મહિલાઓ સહિત 5ના મોત નીપજ્યા છે. હાલ આ ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
હાલ તમામ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયાં
ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અઘેલાઈ ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5નાં મોત થયા છે, આ બનાવની જાણ થતાં જ પોલીસ તથા નારી 108 ટીમના ઈએમટી હિરેન રાઠોડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થાનિકોની મદદથી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં કારનો કુચ્ચો વળી ગયો હતો.
હાઈ-વે પર ચિચિયારીઓ ગૂંજતા લોકોના ટોળાં દોડ્યા
અકસ્માતને પગલે હાઈ-વે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યાં હતા. આ સાથે જ 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો.
પરિવાર અમદાવાદનો રહેવાસી હોવાનું ખૂલ્યું
આ વિશે મળતી માહિતી પ્રમાણે, પાલિતાણા મહાતીર્થે દર્શન કરી અને પરત અમદાવાદ જતા હતા. તેમાં પાંચ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તેમાં એક 10થી 12 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ અંગે ઘટનાસ્થળેથી એક આધારકાર્ડ પણ મળ્યું છે તેમાં મહાવીર કુમાર રતનલાલ જૈન નામ લખ્યું છે અને અમદાવાદના વિરાટનગર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.