Home /News /bhavnagar /"અંગ્રેજોએ જ્યારે ક્રાંતિકારી સરદારસિંહ રાણાના ભારત પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો...."

"અંગ્રેજોએ જ્યારે ક્રાંતિકારી સરદારસિંહ રાણાના ભારત પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો...."

  વિજયસિંહ પરમાર

  અમદાવાદ: "ભારતનાં રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન ક્રાંતિકારી સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઇજી કામાએ તૈયાર કરી હતી'. "મદનલાલ ધિંગરાએ જે પિસ્તોલથી લંડનમાં કોર્નેલ વોઇલીની હત્યા કરી હતી તે સરદારસિંહ રાણાની હતી.". "1905માં બ્રિટીશ સરકારે સરદારસિંહ રાણાના ભારત પ્રવેશ પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો" સરદારસિંહ રાણાનાં જીવનનાં આવા અનેક અજાણ્યા અને તદ્દન ન જાણીતા હોય એવા પ્રસંગો ટૂંક સમયમાં જ સૌપ્રથમ વખત લોકો સમક્ષ મૂકવામાં આવશે. ભારતના આઝાદીની લડતમાં ક્રાંતિકારી સરદારસિંહ રાણાનું યોગદાન અમૂલ્ય રહ્યુ છે. પણ કમસનસિબે, સરદારસિંહ રાણાના સમગ્ર જીવનને આવરી લેતું એક પણ આધારભૂત પુસ્તક આપણી પાસે ઉપલબ્ધ નથી પણ આ મેણું ભાંગવાના એક પ્રયાસરૂપે સરદારસિંહ રાણાના પ્રપૌત્રએ ખૂબ મહેનત કરી એક વેબસાઇટ તૈયારી કરી છે. સરદારસિંહ રાણાના જીવન અને કવનને આવરી લેતી વિગતો, તસ્વીરો, સરદારસિંહ રાણાને મહાનુભાવોએ લખેલા પત્રો સહિતની વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવશે.

  10 એપ્રિલના રોજ આ વેબસાઇટ લોન્ચ કરવામાં આવશે. સરદારસિંહ રાણાનું જીવન રોચક અને પ્રેરક છે. સરદારસિંહ રાણાના પ્રપૌત્ર અને ભાવગનરનાં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ ન્યુઝ18 ગુજરાતી સાથે વિશેષ વાતચીત કરી અને સરદારસિંહ રાણાના જીવનની તદ્દન અજાણી વાતો જણાવી અને ક્રાંતિકારીના જીવનની ઝલક કહી.  અંગ્રેજોએ ફ્રાંસને કહ્યું, સરદારસિંહ રાણાને અમને સોંપી દો..."

  સરદારસિંહ રાણાના જીવન સાથે બનેલો અને ફ્રેન્ચ લોકશાહીના મુલ્યોને ઉજાગર કરતો એક રસપ્રદ પ્રસંગ રાજેન્દ્રસિંહ રાણાએ ન્યુઝ18ને વર્ણવ્યો. "બ્રિટીશ સરકારે 1905માં સરદારસિંહ રાણા પર ભારત પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો હતો. તેમને દેશનિકાલ જાહેર કર્યા હતા. આ પછી 1914માં ફાટી નીકળેલા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇગ્લેન્ડ અને ફ્રાંસ મિત્ર રાષ્ટ્રો હતા. સરદારસિંહ રાણાએ અંગ્રેજો સામે જંગ છેડ્યો હતો એટલે સરદારસિંહ રાણાને ઇંગ્લેન્ડને સોંપી દેવા માટે ફ્રાંસ ઉપર દબાણ લાવ્યું. પણ ફ્રાંસ ક્રાંતિના પાયા ઉંડા અને મજબૂત હતા. લોકશાહીના મૂલ્યો અડગ હતા. ફ્રાંસે ઇંગ્લેન્ડની આ વાત સ્વીકારી નહિં. જે કદાચ તે કરી શકયુ હોત. ફ્રાંસે સરદારસિંહની ધરપકડ પણ ન કરી. તેમને માત્ર નજરકેદ કર્યા અને ફ્રાંસના એક ટાપૂ પર રાખ્યાં. સરદારસિંહ આ ટાપુ પર છ વર્ષ રહ્યાં. 1920માં રાણાને નજરકેદમાથી મુક્ત કર્યા".  સરદારસિંહની જીવન ઝરમર..

  સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકાના કંથારિયા ગામમાં થયો હતો. તેમના લગ્ન જામનગરના ભાંગડા ગામના સોનબા સાથે થયા હતા. પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને ધ્રાંગધ્રામાં મેળવી આગળનું શિક્ષણ મેળવવા માટે રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં દાખલ થયા. સરદારસિંહ રાણા અને મહાત્મા ગાંધી એક જ વર્ગમાં ભણતા હતા. ગાંધીજી સરદારસિંહને તેમના હુલામણા નામ "સદુભા"થી બોલાવતા હતા. તેઓ બંને મિત્રો હતા. આ પછી, ઉચ્ચ અભ્યાસ રાણા મુંબઇ ત્યારબાદ પૂના ગયા. સરદારસિંહના જીવનમાં અહિંથી એક નવો વળાંક આવ્યો. 1895માં પૂનામાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસમાં સક્રિય ભાગ લીધી. લોકમાન્ય તિલક, સુરેન્દ્રનાથ બેનર્જી જેવા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યાં. ક્રાંતિકારી પ્રવૃતિના બીજ અંહીથી વવાયા. આ પછી સરદારસિંહ રાણા વધુ અભ્યાસ માટે લંડન ગયા અને બેરિસ્ટરની ડિગ્રી મેળવી. લંડનમાં તેઓ ભારતીય ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઇજી કામાના સંપર્કમાં આવ્યા. તેમણે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. ભારતની આઝાદીની લડત લડતા ક્રાંતિકારીઓ માટેનું મોટુ ઠેકાણું બની ગયું. આ પછી સરદારસિંહ રાણા લંડનથી પેરિસ ગયાં."  જ્યારે સરદારસિંહ રાણાએ લગ્નની આગલી રાત્રે નસબંધીનું ઓપરેશન કરાવ્યું...

  સરદારસિંહ રાણાના અંગત જીવનનો એક રસપ્રદ પ્રસંગ રાજેન્દ્રસિંહ રાણાએ વર્ણવ્યો. "સરદારસિંહ રાણાએ જર્મન મહિલા રેસી સાથે લગ્ન કર્યા હતા. 1931માં કેન્સરની બિમારીથી રેસીનું મૃત્યુ થયું હતું. સરદારસિંહ રાણાના જર્મન મહિલા સાથેના લગ્ન વિશેની એક તદ્દન અજાણી વાત રાજેન્દ્રસિંહે ન્યુઝ18ને જણાવી. સરદારસિંહ રાણાએ ફ્રાંસમાં કોઇ જીવનસાથી શોધી લેવા જોઇએ એ વાત તેમના પત્નિએ પત્ર લખીને કહી હતી. સરદારસિંહના પત્નિ સોનબા સાથે થયા હતા. તેઓ ભારતમાં રહેતા હતા. સોનબાને જ્યારે ખબર પડી કે અંગ્રેજોએ સરદારસિંહના ભારત પ્રવેશ પર આજીવન પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે સોનબાએ સરદારસિંહને પત્ર લખાવ્યો અને સંદેશો મોકલ્યો કે, તેઓ વિદેશમાં કોઇ જીવનસાથી શોધી લે અને જીવન વિતાવે. બીજી તરફ, સરદારસિંહ રાણાએ રેસી નામની જર્મન મહિલા સાથે લગ્ન કર્યા અને આ મહિલાએ લગ્ન પહેલા એક શરત મૂકી હતી કે, તેમને કોઇ બાળકો નહિં હોય. એટલા માટે, લગ્નની આગલી રાત્રે સરદારસિંહ રાણાએ નસબંધીનું ઓપરેશન કરાવ્યું હતું"  "ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ રાણા અને મેડમ કામાએ ડિઝાઇન કર્યો.. "

  1907માં જર્મનીમાં યોજાયેલા ઇન્ટરનેશનલ સોશ્યલિસ્ટ કોન્ફરન્સમાં રાણા અને મેડમ ભીખાઇજી કામા ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. કોન્ફરન્સના આયોજકોએ તેમના તેમના દેશના રાષ્ટ્રધ્વજ સાથે હાજરી આપવા કહ્યું હતુ. જો કે, એ સમયે ભારત ગુલામ હતુ અને તેનો કોઇ રાષ્ટ્રધ્વજ હતો નહીં. આ સમયે, સૌપ્રથમ વખત, સરદારસિંહ રાણા અને ભીખાઇજી કામાએ રાષ્ટ્રધ્વજ-તિંરગો-ડિઝાઇન કર્યો અને કોન્ફરન્સમાં સૌપ્રથમ વખત આ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ એક ઐતિહાસિક ઘટના હતી. સરદારસિંહ રાણા ઇન્ડિયા હોમ રૂલ સોસાયટીના વાઇસ-પ્રેસિડેન્ટ હતા અને પેરિસ ઇન્ડિયા સોસાયટીના સ્થાપક સભ્ય હતા."

  સરદારસિંહ રાણાએ પરદેશની ભૂમિ પર વસવાટ કરી, ભારતમાં અંગ્રેજો સામેની આઝાદીની લડતને વેગ આપ્યો હતો. ક્રાંતિકારી મદનલાલ ધીંગરાએ લંડનમાં કોર્નેલ વોઇલીની હત્યા કરી હતી. આ હત્યામાં વપરાયેલી પિસ્તોલ સરદારસિંહ રાણાની હતી. આ અંગ્રેજની હત્યા બદલ મદનલાલ ધીંગરાને ફાંસીની સજા થઇ. બ્રિટીશ સરકારે સરદારસિંહ રાણા ઉપર પણ જુલમ ગુજર્યો હતો. સરદારસિંહ રાણાને ભારતમાંથી દેશનિકાલ જાહેર કર્યા હતા.

  ભારતની આઝાદીની લડત દરમિયાન સરદારસિંહ રાણા, લેનિન, જવાહરલાલ નેહરુ, રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંન્દ્ર બોઝ લાલા લજપતરાય જેવાં ક્રાતિકારી નેતાઓ સાથે સંપર્કમાં હતા. ઘરોબો ધરાવતા હતા. મદનમોહન માલવિયાજી બનારસ હિંન્દુ યુનિવર્સિટી સ્થાપવા માટે દાન એકત્રિત કરવા માટે પેરિસ ગયા. આ સમયે પેરિસમાં રહેતા ભારતીયોએ કુલ 28 લાખ રૂપિયાનું દાન આપ્યુ. જેમાં સૌથી વધુ પાંચ લાખ રૂપિયાનું દાન સરદારસિહં રાણાનું હતું.

  ભારત આઝાદ થયા પછી ક્રાંતિકારી સરદારસિંહ રાણાને માદરે વતન લાવવા માટે 1947માં એક વિશેષ પ્લેન પેરિસ મોકલ્યુ હતું. ફાંસની સરકારે તેના સૌથી મોટા એવાર્ડ "ચેવેલિયર"થી સરદારસિંહ રાણાનું સન્માન કર્યુ હતુ.

  સરદારસિંહ રાણા 1955માં ભારત પરત ફર્યા અને 1957માં વેરાવળ ખાતે હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું.

  (ફોટો સૌજન્ય - શ્રી ક્રાંતિવીર સરદારસિંહ રાણા સેવા ટ્રસ્ટ)
  Published by:kiran mehta
  First published:

  Tags: Freedom, Limbadi, કથા, ભાવનગર

  विज्ञापन
  विज्ञापन