ફરીએકવાર 108ના કર્મચારીઓની કામગીરીની થઇ રહી છે વાહવાહી
ઢસા 108 ટીમ દ્વારા અલગ અલગ બે સ્થળે અકસ્માત માં પરિવાર જનોને રોકડ સોનું મોબાઈલ સહિતની કિંમતી વસ્તુઓ પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું
Dhruvik gondaliya :Bhavngar : આજના સમયમાં ઇમરજન્સી સમયે સૌથી ઝડપે 108ના કર્મચારીઓ પહોંચી જાય છે અને સમયસર સારવાર શરૂ કરી દેતા હોય છે. એટલું જ નહીં જરૂર પડ્યે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી મોતના મુખમાંથી ઉગારવાનું કામ 108ની ટીમ કરી રહી છે. તો ઘણીવાર પીડિત લોકોને હોસ્પિટલ અને સારવાર તો આપે છે સાથે તેની જાનમાલને પણ સલામત રાખવાનું કામ 108ના વફાદર કર્મચારીઓ કરે છે. જેનું ઉદાહરણ આપતી ઘટના હાલમાં જ ગઢડા તાલુકાના ઢસા નજીક બની છે. અહીં બે અલગ અલગ અકસ્માતમાં પીડિત વ્યક્તિ પાસેથી મળી આવેલી કિંમતી વસ્તુઓ સહીસલામત રીતે પરત પહોંચાડી હતી.
ગઢડા તાલુકાના ઢસા નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાન મોટરસાયકલ દ્રારા ઢસાથી ગઢડા તરફ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં અર્જૂનભાઇ નામનો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે યુવાનને ઢસા 108 ટીમ દ્વારા ગઢડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુ સારવાર માટે દર્દીને બોટાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેમાં ઢસા 108 ટીમના ડોક્ટર મહેશભાઈ નાદવા પાયલોટ મનિષભાઇ ગઢવી દ્રારા દર્દી લુભાણી અર્જુનભાઈ પાસે રહેલી રોકડ રકમ 19000 હજાર સાથે સોનાના બે ચેન જેની અંદાજે કિંમત રૂ.2 લાખ, આઇફોન મોબાઈલ સહિતની કિંમતી ચીઝ વસ્તુઓ સહી સલામત રીતે પરિવારને સોંપી હતી.
ત્યારે બીજા બનાવની વાત કરવામાં આવે તો બાબરાના ગોલકોટડી ગામ પાસે ગોવિંદભાઈ ખોડાભાઈ મકવાણા નામના બાઈક ચાલકે વાહન ઉપર કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત થયો હતો. જેમને હાથ અને પગ તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે 108 માં જાણ કરવામાં આવી હતી. 108 ના ઇએમટી કુલદીપસિંહ વાળા અને પાયલોટ જીગ્નેશભાઈ સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત દર્દીને સારવાર પુરી પાડી હતી. ગોવિંદભાઈ અમરેલી જિલ્લાના લાઠીની પ્રાંત અધિકારીની ઓફિસમાં ચૂંટણી લક્ષી ઇલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરી રહ્યા હતા એવું જાણવા મળ્યું હતું.
ઇએમટી કુલદીપસિંહ વાળા અને પાયલોટ જીગ્નેશભાઈ દ્વારા ઘાયલ દર્દીના પરિવાર જનોને રૂબરૂ બોલાવી 80,000 રૂપિયા રોકડા તેમજ એક એન્ડ્રોઈડ મોબાઈલ અંદાજિત કિંમત રૂ. 20,0000 અને એચડી કેમેરો અંદાજિત કિંમત રૂ. 35000 તેમજ બાઈકની ચાવી પાકીટ અને જરૂરી ડોક્યુમેન્ટ, સહિતની વસ્તુ પરત સોંપી હતી. તેમની આ કામગીરી જોઇને ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે.