Home /News /bharuch /ભરૂચ પર ભરશિયાળે જળ સંકટ, નર્મદા કેનાલમાં ગાબડું પડતા આ વિસ્તારો જળમગ્ન

ભરૂચ પર ભરશિયાળે જળ સંકટ, નર્મદા કેનાલમાં ગાબડું પડતા આ વિસ્તારો જળમગ્ન

નહેરનું ભંગાણ ભરૂચના નગરજનોને ભર શિયાળે તરસ્યા કરે તેવી નોબત આવી શકે

ભરૂચના રીઝેવીયર સ્ટોરેજ માતરિયા તળાવમાં પોણા બે લાખ શહેરીજનોને 8 થી 10 દિવસ અપાઈ શકાય તેટલો જ પાણીનો જથ્થો છે. નર્મદા કેનાલમાં પડેલા ગાબડાંથી જળ સંકટનો સામનો કરવાની સ્થિતિ સર્જાઈ છે.

Aarti Machhi, Bharuch: વર્ષ 2023 ના પ્રથમ દિવસે જ અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં દબાલી કવિઠા વચ્ચે ગાબડું પડ્યું હતું. કેનાલમાં ભંગાણથી ઉત્તર પટ્ટી ભરૂચના સામલોદ, બબુંસર, દભાલી અને કવિઠા ગામના 300 એકરમાં નહેરના પાણી ફરી વળ્યાં હતા.જેના કારણે ઘઉં, કપાસ, શેરડી, તુવેર, મગ, મઠ, દિવેલા, મઠિયાનું વાવેતર કરેલા ખેડૂતોના ખેતર પાણીમાં ગરકાવ થતા તેઓ પાયમાલ થઈ ગયા છે.

માતરિયા તળાવમાં હવે ભરૂચને 9 દિવસ અપાઈ એટલું જ પાણી

બીજી તરફ આ નહેરનું ભંગાણ ભરૂચના નગરજનોને ભર શિયાળે તરસ્યા કરે તેવી નોબત ઉભી થઈ છે. અમલેશ્વર કેનાલમાંથી ભરૂચના માતરિયા તળાવમાં નર્મદાના નીર આવે છે. જેને અયોધ્યાના ફિલ્ટરેશન પ્લાન્ટ મારફતે ફિલ્ટર કરી પાઇપલાઇન નેટવર્ક, સમ્પ, ટાંકીઓ થકી શહેરની પોણા બે લાખ પ્રજાને બે ટાઈમ પીવા અને વપરાશ માટે પુરવઠો અપાઈ છે.નહેરમાં ગાબડાંને લઈ માતરિયા તળાવમાં પાણી પુરવઠો બંધ થયો છે. રીઝેવીયર માતરિયા તળાવમાં હવે ભરૂચને 9 દિવસ અપાઈ એટલું જ પાણી છે.

શહેરને જળસંકટનો સામનો કરવો પડશે

શહેરને રોજ 40 મિલિયન લિટર પર ડે પાણી અપાઈ છે. જ્યારે માતરિયામાં હાલ સ્ટોરેજ 300 થી 350 MLD જેટલું જ છે. જો 9 દિવસમાં નહેરનું ગાબડું રીપેર નહિ થયું તો શહેરને જળસંકટનો સામનો કરવો પડશે. અને પાલિકાને શહેરીજનો ઉપર પાણી કાપ લાગુ કરવાની ફરજ આવી પડશે.હાલ તો ભરૂચ પાલિકા તંત્ર, નર્મદા નિગમ સાથે સતત સંપર્કમાં રહી નહેરનું સમારકામ 6 થી 7 દિવસમાં શરૂ કરી પૂર્ણ કરાઈ તેની મથામણમાં કામે લાગી ગયું છે.



ખેડૂત સમાજ જિલ્લા કલેક્ટરને નુકસાની અંગે રજુઆત

ખેતરો પાણીમાં ડુબી જતા ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ મહેન્દ્ર કરમરીયાએ આગેવાનો સાથે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. જ્યાં નહેર વિભાગના કર્મચારીઓ પણ સર્વે અને સમારકામ હાથ ધરવા સ્થળ ઉપર ભેગા થયા હતા. ખેડૂત સમાજ જિલ્લા કલેક્ટરને નુકસાની અંગે રજુઆત કરી આવેદન આપનાર છે.
First published:

Tags: Bharuch, Local 18, Narmada canal