મોંઘાદાટ સ્વેટર સહિતના વસ્ત્રો ઘર બેઠા બનાવવા યુવતીએ અનેક મહિલાઓને તાલીમ પણ આપી.
ભરૂચના વાલિયામાં રહેતા આદિવાસી શિક્ષિત યુવતીએ સાંપ્રત સમયમાં મહિલાઓ પગભર થાય અને વિસરાતી હસ્ત કલાને જીવંત રાખવા પ્રયાસ કરી રહી છે. ઊનના મોંઘ સ્વેટર ઘર બેઠા બનાવી કમાણી કરી શકાય છે.
Aarti Machhi, Bharuch: વર્તમાન સમયમાં બજારમાં રેડીમેડ ઊનના સ્વેટર મળે છે. પરંતુ હાથે ગૂંથેલા સ્વેટર સાંપ્રત સમયમાં કોઈ બનાવતું નથી. વાલિયા તાલુકાના એક મહિલાએ સ્વેટર સહિતના ઊનના વસ્ત્રો ગૂંથવાની આ કલાને જીવંત રાખી છે. 38 વર્ષીય જોશીલાબેન વસાવા હાલ નેત્રંગ પ્રાઇવેટ સ્કૂલમાં ફરજ બજાવે છે. જોશીલાબેને એમ.એ. બી એડ સુધીનો અભ્યાસ કર્યો છે.
TTNC એટલે કે ટીચર ટ્રેનિંગ નીડલ ક્રાફ્ટનો કોર્ષ કર્યો
વાલિયા તાલુકામાં રહેતા જોશીલા વસાવા વર્ષ 1998માં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યા હતો.બાદ ઊનના વસ્ત્રો બનાવવાનો શોખ હોય તેમણે TTNC એટલે કે ટીચર ટ્રેનિંગ નીડલ ક્રાફ્ટનો કોર્ષ કર્યો હતો. બાદમાં તેઓએ વર્ષ 2012માં તેની પરીક્ષા આપી હતી. ટેકનિકલ એજયુકેશન બોર્ડ ગાંધીનગરથી ઊનથી બનાવવાના વસ્ત્રોની તાલીમ મેળવી છે.
35થી વધુ મહિલાઓને ઊનના વસ્ત્રો બનાવવાની તાલીમ આપી
જોશીલાબેન વસાવાએ TDO એટલે કે ગ્રાન્ટેડ લોક સેવા ટ્રસ્ટ સંચાલિત ઉદય ફાઉન્ડેશનમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે વર્ષ 2003થી વર્ષ 2005 ત્રણ વર્ષ તાલીમ આપી હતી અને કુલ 35થી વધુ મહિલાઓને ઊનના વસ્ત્રો બનાવવાના સહિત એમ્બ્રોડરી કરવાનું પણ શીખવ્યું છે.
પહેલેથી જ અવનવું કરવાનો શોખ
જોશીલાબેન વસાવાને પહેલાથી જ કંઈ અવનવું કરવાનો શોખ છે. દરેક વસ્તુ બનાવવામાં અલગ અલગ આઈડિયા અપનાવે છે. અત્યારે પણ તેઓ શિયાળાના સમયે કડકડતી ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે સ્વેટર સહિત ઊનના વસ્ત્રો બનાવે છે. જોશીલાબેને જણાવ્યું હતું કે,ઊનના વસ્ત્રો બનાવવાના ઘણા ઓર્ડર મળે છે. નાના બાળકોના ફ્રોક, સ્વેટર, મોટાઓની કોટી, અંકોડી ટોપી, તોરણ, ટેબલ પર પાથરવામાં રૂમાલ, મોજડી, થાળી પરના રૂમાલ સહિતના વસ્ત્રો બનાવે છે.
ક્યા પ્રકારના ઊનનો ઉપયોગ કરે છે
જોશીલાબેન વસાવા અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલા ગૌતમ સ્ટોરમાંથી ખરીદી કરેલા એમ્બ્રોડરી સહિત ઊનનો વપરાશ કરે છે. જોશીલાબેને જણાવ્યું હતું કે, 32 રૂપિયામાં 100 ગ્રામ સાદુ કોટન ઊન મળે છે. ઝરીવાળા ઊનના 100 ગ્રામના 45 રૂપિયા છે. ટીબેટીયન વાળુ ઊન વડોદરાના પોલો ગ્રાઉન્ડ પરથી 100 ગ્રામ 42 રૂપિયામાં લાવે છે.
મજૂરી માત્ર 150 થી 200 રૂપિયા લે
જોશીલાબેન વસાવાએ જણાવ્યું હતું કે,મારા પાપા પાસેથી પ્રેરણા મેળવી શીખવા માટે ગયા હતા. નાનપણથી જ આ પ્રકારનો શોખ હતો. તેમજ આજના સમયમાં મહિલાઓએ પણ આત્મનિર્ભર બનવું જોઈએ. તેમજ જૂની કળાને જીવંત રાખવી જોઈએ. વસ્ત્રો માટે મજૂરી માત્ર 150 થી 200 રૂપિયા લે છે. આજના સમયે ઊનથી બનેલા વસ્ત્રો બનવવાની કળા વિસરાઈ ન જાય તે માટે આ કળા શીખવી જોઈએ