અંદાડા ગામમાં રહેતા 13 વર્ષીય કિશોર ઈર્શાદને અવનવી વસ્તુઓ બનાવવાનો શોખ છે. તેણે બોટલનું ઢાંકણ, ઈયર બર્ડસ અને આઈસ્ક્રીમની બે ચમચીનો ઉપયોગ કરી રોબોટ બનાવ્યો છે. ભવિષ્યમાં તે વૈજ્ઞાનિક બનવા માંગે છે.
Aarti Machhi, Bharuch: મોબાઈલ યુગમાં અમુક બાળકો પોતાની સૂઝ બુઝથી અવનવી વસ્તુઓ, રોબોટ મશીન બનાવે છે, જે ખરેખર સારી વાત કહેવાય જેને સાર્થક કરતો એક એક બાળક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામમાં રહેતો 13 વર્ષીય ઈર્શાદે કરી બતાવ્યું છે.તેણે પોતાની કોઠા સૂઝબૂઝથી એક રોબોટ અને સ્પાઈડર બનાવ્યો છે. ઈર્શાદે ઇલેક્ટ્રિક સેલનો ઉપયોગ કરી આ બન્ને વસ્તુઓ બનાવી છે.
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામમાં રહેતા 13 વર્ષીય કિશોર ઈર્શાદને અવનવી વસ્તુઓ બનાવવાનો શોખ છે. તે અવારનવાર વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરી સારી વસ્તુઓ બનાવતો હોય છે. ત્યારે તેણે ઇલેક્ટ્રિક સેલ સહિતની વેસ્ટ વસ્તુઓમાંથી રોબોટ અને સ્પાઇડર બનાવી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યો છે. વિસ્તારમાં રહેલા લોકો તેને હવે બાળ વૈજ્ઞાનિક તરીકે ઓળખી રહ્યા છે.
સાયકલ રીપેરિંગ કરતા પરીવારના પુત્રની વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા
સાયકલ રીપેરીંગ કામ કરતા મુલતાની પરીવારના 13 વર્ષીય ઈર્શાદે ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. માત્ર 13 વર્ષની નાની વયે ઈર્શાદે વેસ્ટ મટીરીયલ માંથી 6 ઇંચનો રોબર્ટ અને 4 ઇંચનો ઇલેક્ટ્રોનિક સ્પાઈડર બનાવ્યો છે.
શાળામાં યોજાતા વિજ્ઞાન મેળાઓ જોઈને ઈર્શાદે પોતાના મનમાં ચાલતા વિચારોને ઇનોવેટીવ સ્વરૂપ આપ્યું છે. ઇનોવેશન રૂપે રોબોટ અને સ્પાઇડરની પ્રતિકૃતિ મનમાં તૈયાર કરી હતી.
વેસ્ટ મટીરીયલ ભેગુ કરી ડ્રોન બનાવ્યુ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે રહેતા અને સાયકલ રીપેરીંગનો વ્યવસાય કરતા પીર મહંમદ મુલતાનીનો 13 વર્ષનો પુત્ર ઈર્શાદ અંદાડાની પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. ઇર્શાદને વિજ્ઞાનના પ્રોજેક્ટ બનાવવાનું વધુ ગમે છે. અભ્યાસના સમય બાદ તે વેસ્ટ મટીરીયલ ભેગુ કરી સ્ટેશનરીમાં મળતી બેટરી અને આઈસ્ક્રીમની ચમચીની મદદથી નાનકડું ડ્રોન બનાવ્યું હતુ. જે થોડા સમય ઉડયા બાદ તુટી પડયું હતું. જો કે થોડી ઊંચાઈ પર પહોંચ્યા બાદ તૂટી પડેલા ડ્રોનએ તેની હિંમતમાં વધારો કર્યો હતો.
રોબોટ બનાવી ઈર્શાદના ઇનોવેશનને પ્રથમ સફળતા મળી
ડ્રોન બનાવ્યા બાદ ઈર્શાદે વેસ્ટ સ્ટ્રો, બોટલનું ઢાંકણ, ઈયરબર્ડસ અને આઈસ્ક્રીમની બે ચમચી અને સ્ટેશનરી માંથી બેટરી લઇ આવી તેનાથી ઘરે રોબોટ બનાવ્યો હતો. 6 ઇંચનો રોબોટમાં સેલ જોઈન્ટ કરતા જ તે ફટાફટ ચાલવા લાગ્યો હતો. રોબોટએ ઈર્શાદના ઇનોવેશનને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ તેને વધુ પ્રોત્સાહન મળ્યુ હતું જેથી તેણે થોડા જ સમયમાં તાર અને બેટરીની મદદ વડે માત્ર 4 ઇંચનુ સ્પાઈડર બનાવ્યુ હતુ અને તે ઇનોવેશન પણ તેનું સફળ થયું હતું. તો ઈર્શાદની જેમ અન્ય બાળકો પણ આવી રીતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આધુનિક જમાનામાં પ્રયોગો કરે તેવી તેણે ઈચ્છા વ્યક્ત કરી હતી.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.