અંકલેશ્વર તાલુકાનાં નર્મદા નદી પાસે આવેલા નવા બોરભાઠા બેટમાં સરગવાની ખેતી કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં એક મણનાં 900 રૂપિયા મળે છે. જયારે શિયાળામાં 1400 રૂપિયા મળે છે. સરગવાનાં આયુર્વેદિક દ્રષ્ટીએ અનેક ફાયદા છે.
Aarti Machhi, Bharuch : નર્મદા નદી કિનારે અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ વિસ્તારમાં સરગવાની ખેતી કરવામાં આવે છે. નદી કિનારે કરેલા સરગવાની શીંગમાં અલગ જ મીઠાશ રહેલી છે. નવા બોરભાઠા બેટ વિસ્તારના ખેડૂત નાનપણથી જ ખેતી સાથે સંકળાયેલા છે. તેઓએ અભ્યાસ કર્યો નથી. ખેડૂત નવીનભાઈ નગીનભાઈ વસાવા છેલ્લા 30 વર્ષથી સરગવાની ખેતી કરી રહ્યા છે.
સરગવાનાં માર્કેટમાં 20 કિલોના 900 રૂપિયા મળે છે
શ્રાવણ માસ સહીત ત્રણ મહિના સરગવાની ખેતી થતી નથી. સરગવાની શીંગના બી રોપવામાં આવે છે. તેને ઉગવામાં ઘણો જ સમય લાગે છે. તે સિવાય આખુ વર્ષ સરગવો થાય છે. સરગવો માર્કેટમાં 20 કિલોના 900 રૂપિયા મળે છે. શિયાળાના સમયે માર્કેટમાં 1400 થી 1500 રૂપિયા ભાવ મળે છે.
સરગવા માટે કેવી જમીન માફક આવે
સરગવો સામાન્યત દરેક સ્થળે થાય છે. પરંતુ રેતાળ તથા ગોરાડુ ફળદ્રુપ જમીન ખૂબ જ અનુકૂળ છે. સામાન્ય રીતે શેઢાપાળાની પડતર જમીન, મધ્યમ કાળી, બેસર પ્રકારની સારા નિતારવાળી જમીન અનુકૂળ છે. જમીનમાં સેન્દ્રિય તત્વો વધુ પ્રમાણમાં હોય તો વધુ માફક આવે છે. સરગવો નદી-ઝરણાંની રેતાળ જમીનમાં પણ ઉગાડી શકાય છે. અંકલેશ્વર બોરભાઠા બેટ પાસે નર્મદા નદી કિનારાની જમીન વધુ માફક આવે છે. તો સરગવાની સીંગને ગરમ અને ભેજવાળુ સમશીતોષ્ણ હવામાન ખૂબ જ અનુકૂળ છે. વધુ પડતી ગરમી કે ઠંડી ઝાડની વૃદ્ધિ અને વિકાસને અવરોધે છે.
સરગવાની રોપણી સમયે પાયામાં ખાડા દીઠ 100 ગ્રામ ડીએપી અને 100 ગ્રામ પોટાશ છાણિયા ખાતર આપવામાં આવે છે. સાંધાના દુ: ખાવામાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. સરગવાનું વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. સરગવાનો ફિલિપાઇન્સ, મેક્સિકો, શ્રીલંકા અને મલેશિયા જેવા દેશોમાં આયુર્વેદિક દ્રષ્ટિએ ખુબ વધારે ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ખાસકરીને દક્ષિણ ભારતમાં તેનો ઉપયોગ અલગ અલગ ભોજનમાં માટે કરવામાં આવે છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે અને તેની છાલ, પાંદડા, ગુંદર અને મૂળ વગેરે માંથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે.