વાલિયા તાલુકાના 5 ગામોમાં 93 ખેડૂતોની 500 થી વધુ એકર જમીનમાં સોલાર પેનલ કાર્યરત
વાલિયા તાલુકાના 5 ગામમાં 93 ખેડૂતોની 500થી વધુ એકર જમીનમાં સોલાર પેનલ કાર્યરત છે.ખેડૂતો વીજ ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, કોપર વાયરની ચોરના કારણે ખેડૂતો પરેશાન થાય છે અને લાઈટ બિલ ભરવું પડે છે.
Aarti Machhi, Bharuch: આજના સમયમાં સૂર્ય પ્રકાશથી વીજળી ઉત્પન્ન કરીને ખેતી કરતા ખેડૂતો લાખોની કમાણી કરી શકે છે. સરકાર પણ સોલાર એનર્જીના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે ગુજરાતના ભરૂચ જિલ્લાના સોલાર પેનલ થકી મળેલ વીજળીથી ખેતી કરે છે.
ભરુચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી એસએસમાં આવતા ઉમરગામ, સોડગામ, વિઠ્ઠલગામ, ચોરઆમલા, ભમાડિયા ભરાડીયા ગામમાં સૌર ઉર્જાનો પાયલોટ પ્રોજેક્ટ વર્ષ 2019માં ડીસેમ્બરમાં શરૂ કરવામાં આવ્યો હતો.
ડહેલી ફીડર પરથી કરવામાં આવેલી કામગીરીમાં 93 ખેડૂતોએ સૌર ઉર્જાનો પાયલોટ પ્રોજેક્ટ થકી સૌર ઊર્જા માટે સોલાર પેનલ લીધા હતા. જણાવવામાં આવ્યું હતું કે, સોલાર પેનલ થકી જે વીજ ઉત્પાદન થશે, તે ખેતીમાં ઉપયોગ કરી શકશે. તેમજ વધુ વીજ ઉત્પાદન થશે , તેના પૈસા મળશે.
93 ખેડુતોને સૌર ઉર્જાથી ખેતીવાડી કનેકશન અપાયા
ભરુચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી એસ.એસમાંથી ઉમરગામ ફીડરમાં સૂર્ય શકિત કિશાન યોજના હેઠળ 93 ખેડુતોને પોતાના ખેતરમાં સૌર ઉર્જાથી ખેતીવાડી કનેકશન આપવામાં આવ્યા છે. તેમાં સૌર પેનલમાં કોપર કેબલથી વીજ કનેક્શન આપવામાં આવ્યું છે.
કોપર કેબલની ચોરીને પગલે ખેડૂતો યોજનાથી વંચિત
કોપર કેબલની વારંવાર ચોરી થાય છે.પરિણામે સોલાર પેનલ દ્રારા વીજ જનરેટ ન થવાથી ખેડુતોને ડી.જી.વી.સી.એલ દ્રારા આપેલા બીલો ભરપાઇ થઇ શકે તેમ નથી. આ 93 ખેડુતોને સૌર પેનલ દ્વારા કોપર કેબલ કનેકશનથી જે ડી.જી.વી.સી.એલ અને સૌર પેનલ કંપની દ્વારા આપવામાં આવેલા છે. સૌર પેનલમાં કોપર કેબલની જગ્યાએ એલ્યુમીનીયમ કેબલનો ઉપયોગ કરી કનેકશન આપવામાં આવે તો આ ચોરી અટકે તેમ છે.
ગાંધીનગર સુધી અનેક વાર રજૂઆત કરાઈ
ડી.જી.વી.સી.એલ કંપની તથા સૌર પેનલ ઉર્જા કંપની સાથે પરામર્શ કરી ખેડુતોને એલ્યુમીનીયમ કેબલથી કનેકશન આપવા અંગેની છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે. ખેડુતો સૌર પેનલ દ્વારા વીજ જનરેટ કરીને રીર્ટન ડી.જી.વી.સી.એલને વીજ પુરવઠો આપી શકે તેમ છે.
ખેડૂતો પર લાખો રૂપિયાનું વીજબિલનું ભારણ
ખેડૂત આગેવાન દિલીપસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, ચાર વર્ષથી મુકાયેલ યોજનામાં કેબલ ચોરીને પગલે સાડા ત્રણ વર્ષથી ખેડૂતો વીજળી ઉત્પાદન કરી શક્યા નથી. ખેડૂતો પર લાખો રૂપિયાનું વીજબિલનું ભારણ થયું છે.
આ માટે તેઓએ છેલ્લા છ થી સાત મહિનાથી વારંવાર રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ચૂંટણી પહેલા ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈને પણ આ અંગે રજૂઆત કરી હતી. આ પાયલોટ પ્રોજેક્ટ સક્સેસ નથી. તેમજ ખેડૂતોની વારંવાર કરેલી રજૂઆતને સાંભળવામાં આવતી નથી.